મુંબઈઃ આગામી નવેમ્બરમાં ભારતના પ્રવાસે પહોંચી રહેલી ઈંગ્લેન્ડ ટીમના કાર્યક્રમની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ જાહેરાત કરી છે. ત્રણ મહિનાના રોકાણ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં પાંચ ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચોની સિરીઝ રમશે.
આ સિરીઝ નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન રમાશે. રાજકોટમાં પ્રથમ ટેસ્ટ નવમી નવેમ્બરથી ૧૩મી સુધી રમાશે. જ્યારે બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં ૧૭થી ૨૧ નવેમ્બર સુધી રમાશે. ત્રીજી ટેસ્ટ ૨૬થી ૩૦ નવેમ્બર દરમિયાન મોહાલીમાં રમાશે જ્યારે ચોથી ટેસ્ટ આઠથી ૧૨મી ડિસેમ્બર વચ્ચે મુંબઈ અને આખરી ટેસ્ટ ૧૬થી ૨૦ ડિસેમ્બરમાં ચેન્નાઇમાં રમાશે. આમાંથી રાજકોટ અને વિશાખપટ્ટનમના મેદાનો એવા છે જે પહેલી વખત ટેસ્ટ મેચ માટે યજમાનગતિ કરશે.
બીસીસીઆઇની વેબસાઈટ પર થયેલી જાહેરાત અનુસાર ઇંગ્લેન્ડની ટીમ સામે કોઇ ડે-નાઇટ ટેસ્ટ રમાશે નહીં. બીસીસીઆઇએ જાહેર કર્યું છે કે, તમામ મેચો સવારે ૯.૩૦ કલાકે જ શરૂ થશે. બીસીસીઆઇએ મુખ્ય કોચ અનિલ કુંબલે અને ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો પણ જારી કર્યો છે, જેમાં ઇંગ્લેન્ડ અને ભારતની મેચો અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
ભારત પ્રવાસ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમ ક્રિસમસ મનાવવા માટે પરત પોતાના દેશમાં જશે અને બાદમાં સિરીઝ પૂરી કરવા ભારતમાં પાછી ફરશે. વન-ડે સિરીઝ પૂણેમાં ૧૫મી જાન્યુઆરીથી શરૂ થશે જે બાદ કટકમાં ૧૯મી જાન્યુઆરી અને કોલકાતામાં ૨૨મી જાન્યુઆરીએ અંતિમ તથા ત્રીજી વન-ડે રમાશે.
ત્રણ ટ્વેન્ટી-૨૦ મેચોની સિરીઝ ૨૬ જાન્યુઆરીએ કાનપુરમાં પહેલી મેચ સાથે શરૂ થશે. ૨૯મી જાન્યુઆરીએ નાગપુરમાં બીજી તથા ત્રીજી ટી૨૦ મેચ બેંગલૂરુમાં રમાશે.
ભારતના પ્રવાસે આવનારી ઇંગ્લેન્ડની ટીમ પહેલા સપ્ટેમ્બરમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ ભારતનો પ્રવાસ ખેડશે. જેમાં તે ત્રણ ટેસ્ટ અને પાંચ વન-ડેની સિરીઝ રમશે. ન્યૂ ઝીલેન્ડનો પ્રવાસ પૂરો થતાંની સાથે જ ભારતની ટીમ ઇંગ્લેન્ડ સામે સિરીઝ રમવા સજ્જ બનશે.
ઈંગ્લેન્ડ ટીમનો ભારત પ્રવાસ
ટેસ્ટ સિરીઝ
• પ્રથમ ટેસ્ટ - ૯-૧૩ નવેમ્બર (રાજકોટ)
• બીજી ટેસ્ટ - ૧૭-૨૧ નવેમ્બર (વિશાખાપટ્ટનમ્)
• ત્રીજી ટેસ્ટ - ૨૬-૩૦ નવેમ્બર (મોહાલી)
• ચોથી ટેસ્ટ - ૮-૧૨ ડિસેમ્બર (મુંબઈ)
• પાંચમી ટેસ્ટ - ૧૬-૨૦ ડિસેમ્બર (ચેન્નઈ)
વન-ડે સિરીઝ
• પ્રથમ વન-ડે - ૧૫ જાન્યુઆરી કાનપુર
• બીજી વન-ડે - ૧૯ જાન્યુઆરી કટક
• ત્રીજી વન-ડે - ૨૨ જાન્યુઆરી કોલકાતા
ટી-૨૦ સિરીઝ
• પ્રથમ ટી૨૦ - ૨૬ જાન્યુઆરી કાનપુર
• બીજી ટી૨૦ - ૨૯ જાન્યુઆરી નાગપુર
• ત્રીજી ટી૨૦ - ૧ ફેબ્રુઆરી બેંગલૂરુ

