નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)માં માળખાગત સુધારા સંદર્ભે જસ્ટિસ આર. એમ. લોધા કમિટીની ભલામણોને મંજૂર કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બીસીસીઆઈએ લોધા સમિતિની મોટા ભાગની ભલામણોને માનવી જ પડશે. કોર્ટના આ મહત્ત્વપૂર્ણ ચુકાદા બાદ કોઈ પણ પ્રધાન બીસીસીઆઈમાં હોદ્દો નહીં મેળવી શકે. આ ઉપરાંત કોઈ પણ હોદ્દેદારની ઉંમર ૭૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ તેમજ પ્રાદેશિક ક્રિકેટ બોર્ડ માટે એક રાજ્ય એક વોટનો નિયમ લાગુ કરવો પડશે. લોધા સમિતિની ભલામણોને લાગુ કરવા માટે છ મહિનાનો સમય અપાયો છે.
ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર અને જસ્ટિસ એ. કલિફુલ્લાની બેન્ચે ૧૨થી વધુ વખત સુનાવણી બાદ ૩૦ જૂને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ વર્ષે માર્ચ મહિનામાં સુનાવણી દરમિયાન બીસીસીઆઈએ જસ્ટિસ આર. એમ. લોધા સમિતિની કેટલીક ભલામણો જેમાં એક રાજ્ય - એક મત, વયમર્યાદા અને કાર્યકાળના સમય મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ચુકાદા બાદ ચીફ જસ્ટિસે કહ્યું કે, અમને આશા છે કે, આ ચુકાદો કેટલાક સુધારા લાવશે અને બીસીસીઆઈએ આ ભલામણોને સ્વીકારવી જોઇએ. તે પછી બીસીસીઆઈ દ્વારા કોર્ટને જણાવ્યું કે, તે આ ચુકાદાનું સન્માન કરે છે અને કોઈ મુશ્કેલી હશે તો કોર્ટને જણાવીશું.
કોર્ટના ચુકાદા પર એક નજર
• પ્રધાન અને અધિકારી હવે બીસીસીઆઈમાં હોદ્દો મેળવી શકશે નહીં. રાજનેતાઓ પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.
• બીસીસીઆઈમાં હવે એક વ્યક્તિ, એક પદનો નિયમ લાગુ કરવો પડશે.
• બોર્ડમાં અધિકારીઓની વયમર્યાદા ૭૦ વર્ષ રહેશે.
• એક સ્ટેટ એક વોટ, પરંતુ ત્રણ-ત્રણ ક્રિકેટ એસોસિએશન ધરાવતા ગુજરાત અને મહારાષ્ટ્રમાં વોટિંગ રોટેશન મુજબ થશે.
• ખેલાડીઓનું પોતાનું એસોસિએશન બનશે.
• ઓવર દરમિયાન એડવર્ટાઇઝ મામલે બીસીસીઆઈ બ્રોડકાસ્ટર સાથે વાત કરીને ઉકેલ લાવવો પડશે.
• બીસીસીઆઈને આરટીઆઈની હેઠળ આવરી લેવા અંગે તેમજ સટ્ટાબાજીને કાયદેસર બનાવવાના મુદ્દે સંસદ નક્કી કરે.
• બોર્ડમાં એક કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)નો પ્રતિનિધિ હોવો જોઈએ.
• બીસીસીઆઈએ છ મહિનામાં બદલાવ કરવો પડશે.

