માનવ જીવનનું ક્રુર સત્ય
‘‘હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને, પુણ્યશાળી બને છે’’
- કવિ કલાપી
ક્યારેક કરેલી ભૂલનો પસ્તાવો જો માનવી સાચા દિલથી કરે તો પરમાત્મા એને માફ કરી દે. પણ એમ થતું નથી કારણ કે માનવીનો અહં અને અભિમાન આડે આવે છે. આપણી પૌરાણિક કથાઓ ‘મહાભારત’ અને ‘રામાયણ’ આ ક્રૂર સત્યને સમજાવે છે. છેલ્લાં બે-ત્રણ અઠવાડિયાના સી. બી. પટેલના તંત્રીલેખ અને ‘જીવંત પંથ’ના લેખો પણ આ સત્યની સાક્ષી પૂરી, મેદાન મારી જાય છે. એમણે ટાંકેલા કવિ કલાપીના બે વિરોધાભાસી કાવ્યો એ જ કહે છે કે માનવજીવનના કોઈપણ ક્ષેત્રે સંઘર્ષ થાય ત્યારે ક્યારેક એના ભયંકર પરિણામો ભોગવવા પડે છે.
હાલમાં બ્રિટનનું રાજકીય વાતાવરણ ડામાડોળ પરિસ્થિતિએ પહોંચ્યું છે. સી. બી. પટેલે ‘સંગમ’ ફિલ્મના એક ગીતની પંક્તિ, ‘દોસ્ત દોસ્ત ના રહા’ ટાંકીને લખ્યું હતું કે આપણા કેમરન સાહેબ અને એમના પત્ની સામન્થાને કોઈ આ પંક્તિના અર્થ સમજાવે તો એમને પણ આ પંક્તિ ગણગણવાનું મન થાય. મિત્રો સાથેની એમની મૈત્રી રાજકારણને લીધે તૂટી. જીવનમાં મિત્રો વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે કોઈપણ બાબતે ઘર્ષણ કે દુશ્મનાવટ થાય ત્યારે ગમે તેટલો ગાઢ સંબંધ હોય છતાં એ તૂટી જાય છે અને એની તિરાડ કાયમી રહી જાય છે. કેટલું ક્રૂર સત્ય છતાં એ જ હકીકત છે.
પહેલા વિશ્વયુદ્ધને સો વર્ષ પૂરાં થયાં એમાં કરોડોની સંખ્યામાં ખુવાર થયેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. હવે વિશ્વયુદ્ધને બદલે આતંકવાદે માથું ઊંચક્યું છે. સી. બી. પટેલે એ માટે પણ સત્ય લખ્યું કે આતંકવાદના અજગરે જગતને ભરડામાં લીધું છે અને જો વેળાસર એને કચડવામાં નહીં આવે તો જગતને સત્યાનાશને પંથે વિચરવું પડશે એમાં શક નથી, બેમત નથી.
- કાંતાબહેન અને પ્રભાકાંત પટેલ, ઓકવુડ
•••
પુનર્વિવાહ હોવા જોઈએ કે નહીં ?
સમાજમાં અત્યારે પુનર્લગ્ન હોવા જોઈએ કે નહીં, તે બાબતે ચર્ચા ચાલે છે.
પારકા ઘરની દીકરી કેટલા કોડથી બાપના ઘરનો ઉંબરો ઓળંગીને પારકા ઘરે જાય છે. વહુ આવે ત્યારે સ્વસુર પક્ષ જાણે છે કે આ વહુ નથી, અમારા ઘરની લક્ષ્મી છે. પતિ-પત્ની એકબીજાની નજીક આવતા જાય છે. તેઓ માતા-પિતા બનવાની તૈયારીમાં હોય છે ત્યારે પતિને ખૂબ આનંદ હોય છે, કે હું બાપ બનવાનો છું.
પરંતુ એક-બે સંતાનનો બાપ બન્યા પછી તે ટાઢો થઈ જાય છે. કારમી મોંઘવારી અને આવક નહીં, પણ જાવક વધતી જાય. ત્યારે તેનો રોષ પત્ની પર ઉભરાય છે કે જા તું તારા બાપના ઘરેથી દહેજમાં આ લાવી દે. ઘરની લક્ષ્મીને બે છોકરા સાથે હડધૂત કરીને વિદાય કરે છે. આ ખૂબ ચોંકાવનારો પ્રશ્ન છે.
વળી હમણાં-હમણાં સમાચાર પત્રોમાં વિધુર પુરૂષો પત્નીની માગણી કરે છે. કોઈક કહે છે વિધુર બૈરું ચાલશે તો વળી કોઈને બાળકો સાથેની સ્ત્રી ચાલશે. સમજવા જેવી વાત છે કે જ્યાં પોતાનો પતિ જ છૂટી પડતા વાર નથી કરતો. ત્યાં આવો ગરજુડો ધણી તો પોતાના માટે કામવાસના અને સેવા જ શોધતો હોય છે. તો કોઈક દયાળુ પણ હોય છે જે બીજી આવનારી સ્ત્રીની સેવાની કદર કરતા હોય છે અને ધન-દોલત, ઘરબાર તેના નામે ચડાવી આપે છે.
પુનઃ વિવાહના બે પલ્લાં છે. તમે જીતી પણ જાણો અને હારી પણ જાણો. પતિ સમજે તો પત્ની એની આંખથી જ રેગ્યુલર ચાલે, આમાં મારઝૂડની જરૂર જ નથી.
પત્નીના ઊંડાણનો, દયાભાવનો રસ સમજો ને જીંદગી ના બગાડો.
- સરલાબહેન બ્રહ્મભટ્ટ, ક્રોયડન
•••
કેમરનની હિંમતને વંદન
બ્રિટન ઇયુમાંથી બહાર નીકળી ગયું અને ડેવિડ કેમરને વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું. આ જાણી તેમના હૈયાની હિંમતને લાખ લાખ વંદન કરવાનું મન થયું કારણ કે આપણા ભારત દેશમાં તો એક સભ્યને કોઈ અધ્યક્ષપદેથી કાઢવામાં આવે તો તે રડવા બેસી જાય છે. જ્યારે કેમરન સ્વેચ્છાએ વડાપ્રધાન પદ છોડવા તૈયાર થઈ જાય તે કોઈ નાનીસૂની વાત નથી. આ સત્તા માટે દેશમાં મોદીજીના વિરોધી પક્ષો કેટલા રોડા નાખે છે તે આપણે જોઈએ છીએ. એમાં વિરોધી પક્ષ કોંગ્રેસને તો માતા તથા પનોતા પૂત્ર રાજીવ ગાંધીને ગુમાવવા છતાં સત્તા તથા પદનો મોહ જતો નથી. તેમના બધા પાસા અવળા પડે છે. મોદીજીની સામે તો ‘કયાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી’ જેવી દશા છે. છતાં કશું છોડવા તૈયાર નથી. ત્યારે મારી નજરે ડેવિડ કેમરનની મહાનતા દેખાય છે. આ લખવા પાછળનો મારો હેતુ એ જ છે કે કોઈ વસ્તુ છોડવી તે સહેલી વાત નથી. ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક સી. બી. પટેલે જંતરમંતર, દોરા ધાગા, લોકોને ઠગવા માટેની જાહેરાતો તેમના પેપરમાં છાપવાની બંધ કરી પૈસા ગુમાવ્યા તે પણ મોટી વાત કહેવાય. આવું બધા ન કરી શકે તેથી જ હું તેને મહાનતા ગણું છું.
- ચંપાબેન સ્વામી, માંચેસ્ટર
•••
પોતાની જાતને સુધારો
ઘરનું વાતાવરણ અને માતા-પિતાનું આચરણ બાળકના ઘડતરમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. માતા-પિતાનું આચરણ જો ઉતરતા સ્તરનું હશે તો બાળકો પણ તેવું જ શીખશે. ઘરમાં જેવું વર્તન દેખાશે તેવું જ તે શીખશે.
એક બાળક જેની ઉંમર સાત વર્ષની. એની માતા તેને બેરહેમીથી મારતી હતી, જેથી બાળકે રડવાનું ચાલુ કર્યું. પાડોશમાં રહેતી એક બાઈએ આવીને તેને છોડાવ્યું. બાળકને મારવાનું કારણ પૂછતાં માતાએ જણાવ્યું કે તે મંદિરમાં ભગવાનને ચડાવેલી કેરી અને પૈસા ચોરી લાવ્યો છે. તેથી એને મારું નહીં તો શું કરું? પેલી બાઈએ બાળકને પોતાની પાસે બોલાવીને પ્રેમપૂર્વક પૂછ્યું, ‘કેમ બેટા! તું તો બહુ જ સુંદર બાળક છે. ચોરી તો ખરાબ અને ગંદા બાળકો કરે છે. તે આવું શા માટે કર્યું? વારંવાર પૂછવાથી તે ડુસકાં ભરતાં બોલ્યોઃ ‘મારી મા પણ રોજ કાકાજીના દૂધમાંથી અડધું દૂધ કાઢી લે છે અને તેમાં પાણી નાંખી દે છે, અને મને કહે છે કોઈને આ વાત કહેતો નહીં. મેં તો આજે પહેલીવાર જ ચોરી કરી છે. આ સાંભળતા બાળકની માતા લજ્જિત થઈ ગઈ.
વાસ્તવમાં બાળકના નિર્માણમાં ઘરનું વાતાવરણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો ચારિત્ર્યવાન સંતાનોની અપેક્ષા રાખતા હો તો પોતાની જાતનું નિરીક્ષણ કરો. માતા-પિતાની કથની અને કરણી એક જ હોવી જોઈએ, તે અત્યંત જરૂરી છે કારણ કે બાળકના મન પર એવા જ સંસ્કારો પડે છે. જેથી પોતાની જાત સુધારવી જોઈએ.
- રતિલાલ ટેલર, સાઉથગેટ
•••
મૃત્યુ પછી પણ અન્યને મદદરુપ થઈએ
જે જન્મે છે તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. જીવતા સારાં કાર્ય કર્યા હશે તો કુદરત અને ભગવાન હંમેશા પરીવારની સાથે રહે છે અને ગમે તેવી આફત કે મુશ્કેલીમાંથી તેને બચાવે છે. આપણે મૃત્યુ પામીએ એટલે આપણું શરીર શબ બની જાય છે અને તે મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. હવે તો સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે અવયવનું દાન કરી શકાય છે. મારી જાણીતી વ્યક્તિએ તેની અંતિમ ઈચ્છામાં લખ્યું હતું કે મારો દેહ મેડિકલ રિસર્ચમાં આપીને ફક્ત મારા જમણા અંગુઠાનો અગ્નિ સંસ્કાર કરજો. કહેવત છે કે ‘ચેરિટી બિગીન્સ એટ હોમ’. તે કહેવતને અનુસરીને મેં બેન્સનથી ગ્લાસગો આવ્યા બાદ તરત મારા અવયવ દાન માટે એનએચએસનું ફોર્મ ભરીને દેહદાનની અનુમતિ આપી છે. આપણા મૃત્યુ પછી આપણે રોગને લીધે મૃત્યુ ભણી જતી વ્યક્તિને કે જે તેના મા-બાપનું સ્વપ્ન, આશા અને સર્વસ્વ છે તેને બચાવવા આ ભગીરથ કાર્ય કરવું જોઈએ તેવું બધાને મારું નમ્ર નિવેદન છે.
- સુધા રસિક ભટ્ટ, ગ્લાસગો
