લોકશક્તિનો પ્રચંડ વિજયઃ તુર્કીમાં લશ્કરી બળવો નિષ્ફળ

Tuesday 19th July 2016 13:58 EDT
 
 

અંકારાઃ નાટોનાં સભ્ય દેશ તુર્કીમાં લશ્કરની એક ટુકડીએ લશ્કર અમલદારો અને સૈનિકોની એક ટુકડીએ બંડ પોકારીને લોકશાહીથી ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સત્તા કબ્જે કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જનશક્તિએ પોતાની પ્રચંડ તાકાતનો પરચો આપતા સેનાના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. લોકોએ સૈનિકો દ્વારા થતા ગોળીબારની પણ પરવા નહોતી કરી અને તેમની સામે ધસી ગયા હતા. લોકો એટલી વિશાળ સંખ્યામાં રસ્તા પર નીકળી પડ્યા હતા કે ચોમેરથી ઘેરાઇ ગયા હતા. આ પછી લોકોએ સૈનિકોને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. અનેક સ્થળોએ લોકોએ બળવાખોર સૈનિકોને પકડીને માર્યા હતા. એટલું જ નહીં, સૈનિકોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડીને જાહેર માર્ગ પર ઘૂટણિયા ટેકવવા મજબૂર કર્યા હતા.
શનિવારે, ૧૬ જુલાઇએ રાજધાની અંકારા અને ઇસ્તંબુલના રસ્તા ઉપર બખ્તરબંધ ટેન્કો ખડકાયેલી જોવા મળી હતી. હેલિકોપ્ટરથી પણ હુમલા થયા હતા અને શહેરો પર એફ-૧૬ ફાઇટર જેટ વિમાનો ઉડ્યા હતાં. બંને મહાનગરોમાં રાતભર ધડાકા સંભળાતાં રહ્યા હતાં. સંસદ ઉપર બોમ્બ હુમલો થયો હતો. તુર્કીનાં સરકારી કાર્યાલય ઉપર પણ કબજો મેળવી લેવાયો હતો. એરપોર્ટ બંધ કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થઈ હતી. બળવાખોરોએ 'પીસ કાઉન્સિલ'નાં નિયંત્રણ હેઠળ માર્શલ લો લાગુ પાડ્યો હોવાનો દાવો કર્યો હતો.
રાષ્ટ્રપતિ રેચપ તૈયપ એર્દોગને ટ્વીટર પર કરેલા આહવાનથી જનતા લોકશાહીના રક્ષણ કાજે કર્ફ્યુને તોડીને અડધી રાતે રસ્તા ઉપર ઉતરી આવી હતી. જનતાની તાકાત જોઈને બળવાખોરોએ પાંચ કલાકમાં હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં. સત્તાપલટો કરવાની કોશિશને આટલા ઓછા સમયમાં નિષ્ફળ બનાવવાનું ઐતિહાસિક ઉદાહરણ છે.
એર્દોગનની વફાદાર સેના અને પોલીસે પણ વિદ્રોહીઓને ડામી દેવા માટે અગત્યની ભૂમિકા ભજવી હતી. જોકે મોટા પાયે થયેલાં આ લોહિયાળ સંઘર્ષમાં ૨૫૦ કરતાં વધુ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦૦ કરતાં વધુ લોકો ઘાયલ થયાં હતાં. લશ્કરના કેટલાક મોટા કમાન્ડર્સ સહિત ૨૮૩૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકારે ૯૦ ટકા સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો કર્યો છે.
ધમાસાણના થોડા કલાકો બાદ ઇસ્તંબુલ પહોંચેલા એર્દોગને દેશ ઉપર પોતાનું નિયંત્રણ હોવાનું એલાન કર્યું હતું. સાથોસાથ જણાવ્યું હતું કે બળવાખોરો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહે.

લોકતંત્ર અને શાંતિ માટે ઊઠો: એર્દોગન

લશ્કરના એક જૂથે બળવો કર્યાનો અહેવાલ મળતા જ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને ટીવી, ટ્વિટર અને બલ્ક SMS દ્વારા લોકોને તેનો સામનો કરવા માટે જાહેર અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, ‘લોકતંત્ર અને શાંતિ માટે ઉઠો’. તેમની આ અપીલથી હજારોની સંખ્યામા તુર્કીઓ રસ્તા પર ઉતરી આવ્યા. લોકો લાખો ટેન્ક અને ગાડીઓ તરફ દોડ્યા. સૈન્યે લોકો પર ગોળીબાર કર્યો હતો, પરંતુ લોકો તેની લેશમાત્ર પરવા વગર સામે દોડી ગયા હતા.

ગુલેન સામે શંકાની સોય

સરકારનો તખ્તો પલટી નાખવાના પ્રયાસ પાછળ અમેરિકામાં વસેલા મુલ્લા ફતુલ્લ ગુલેનનો હાથ હોવાનું જણાઇ રહ્યું છે. ઇસ્લામી ધર્મગુરુ ગુલેનના લાખો અનુયાયી ધરાવે છે. દોઢસો કરતા વધારે દેશોમાં તેમની શાળાઓ ચાલે છે અને અરબો ડોલરોનો તેમનો વેપાર છે. અમેરિકાએ કહ્યું કે જો તુર્કી પુરાવા આપશે તો અમે ગુલેનના પ્રત્યાર્પણ માટે તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે આ જ ગુલેન એક સમયે એર્દોગન સાથે બહુ નજીકથી સંકળાયેલો હતો અને તેમનો ખાસ સાથીદાર ગણાતો હતો. જોકે બાદમાં એર્દોગન સાથે મતભેદો સર્જાતા તે અમેરિકા જઇ વસ્યો છે.

૬ હજારથી વધુની અટકાયત

સત્તાપલટા માટે સૈન્યના એક જૂથ દ્વારા નિષ્ફળ પ્રયાસ થયાના કલાકોમાં જ સરકારે ધરપકડોનો દોર શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં તુર્કી સરકારે ૬ હજારથી વધુ લોકોની અટકાયત કરી હોવાના અહેવાલ છે. જેમાં દેશના ટોપ જનરલથી માંડીને સૈનિકોનો સમાવેશ થાય છે.

ભારતીય વિદ્યાર્થીઓ-અધિકારીઓ ફસાયા

ભારતના ૧૪૮ વિદ્યાર્થીઓ તથા ૩૮ અધિકારીઓ તુર્કીમાં ફસાયા છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના કહેવા પ્રમાણે તે દરેક લોકો સુરક્ષિત છે. આ તમામને અલગ-અલગ બેચમાં પરત લાવવામાં આવશે. વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તે લોકો તુર્કીના પૂર્વોત્તર ભાગ ટ્રાબઝોનમાં યોજાયેલી વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં ભાગ લેવા ગયા છે. કેન્દ્રીય રમતગમત પ્રધાન વિજય ગોયલે તમામ એથ્લીટ અને ગ્રૂપના અધિકારીઓ સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. ભારતીય એથ્લીટોએ એક વીડિયો સંદેશ દ્વારા સરકારને સુરક્ષિત ભારત લઇ જવા અપીલ કરી હતી. ખેલાડીઓનું કહેવું છે કે, હવે બાકીની ગેમ્સ રમાશે કે નહીં તે અંગે અત્યારે કોઈ સૂચના નથી. ગોયલે વધુમાં કહ્યું હતું કે, તેઓએ આયોજકો અને ભારતીય સ્કૂલ ફેડરેશન પાસેથી પણ માહિતી મેળવી છે.


comments powered by Disqus