લંડનઃ ૧૯૯૭માં ટેક અવે ડિલિવરીમેન અબ્દુસ સમદની હત્યા કરીને અમેરિકા નાસી ગયેલા ફોજુર રહેમાનને ઓલ્ડ બેઈલી કોર્ટે શુક્રવારે દોષિત ઠેરવ્યો હતો અને ઓછામાં ઓછા ૧૮ વર્ષ સાથે તેને આજીવન કેદની સજા ફરમાવી હતી. સ્ટોક નેવિંગ્ટન અને બ્રીક લેન વિસ્તારના બે બાંગ્લાદેશી જૂથો વચ્ચેના વિવાદમાં સમદની હત્યા કરવામાં આવી હતી.
૨૧ મે, ૧૯૯૭ની રાત્રે ઈલિંગ્ટનમાં ઓલ્વીન રોડના એક સરનામે ડિલીવરી માટે પબ્લિક ટેલિફોન બુથમાંથી એક બોગસ ઓર્ડર નોંધાવવામાં આવ્યો હતો. ડિલીવરી માટે સ્થળે પહોંચેલો સમદ કારની બહાર નીકળતા જ બે-ત્રણ બુકાનીધારી શખ્સોએ તેના પર હથિયારોથી હુમલો કર્યો હતો. સમદને ગંભીર હાલતમાં વ્હિટીંગ્ટન હોસ્પિટલે લઈ જવાયો હતો, જ્યાં રાત્રે ૧.૫૦ કલાકે તેનું મૃત્યુ થયું હતું.
હત્યા બાદ એક આરોપી રહેમાન દેશ છોડીને અમેરિકા જતો રહ્યો હતો. જ્યારે બીજો આરોપી મોહિઉદ્દીન બબલુ બર્મિંગહામ અને ત્યાંથી બાંગ્લાદેશ નાસી ગયો હતો. પરંતુ, તેને ઝડપીને તેની સામે કેસ ચલાવાયો હતો. ગત માર્ચ, ૨૦૧૨મા બબલુને આજીવન કેદની સજા થઈ હતી. તેની પૂછપરછ અને ફોરેન્સિક તપાસમાં રહેમાન પણ દોષિત હોવાનું જણાયું હતું.તેનું અમેરિકાથી બ્રિટનને પ્રત્યાર્પણ કરાયું હતું. તે પાછો ફરતા હિથરો એરપોર્ટ પર Met ઓફિસરોએ તેની ધરપકડ કરીને અક્સબ્રીજ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરતા તેને પણ સજા ફરમાવાઈ હતી.
બાંગ્લાદેશી સમદ પરિણિત હતો અને તેને બે પુત્રી છે. મિત્રોમાં તે કમલ તરીકે ઓળખાતો હતો. તે ‘કરી ઈન એ હરી’માં ડિલીવરી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.

