એકલતાઃ નરી આંખે ન દેખાતી બીમારી

Wednesday 21st December 2016 08:24 EST
 
 

માણસ એક સામાજિક પ્રાણી છે. દરેક વ્યક્તિને સમાજની, મિત્રોની, રિલેટિવ્સની જરૂર રહે જ છે. કોઈ પણ વ્યક્તિ બીજા લોકો વગર રહી શકતી નથી, પરંતુ ક્યારેક કોઈ સંજોગોમાં એવું બને છે કે વ્યક્તિ એકલી પડી જાય છે. એકલતા પણ વિવિધ પ્રકારની હોય છે. ઘણી વાર પોતાના પ્રિયજનના મૃત્યુને કારણે કોઈ એકલું પડી જતું હોય છે તો ઘણી વાર કોઈ અન્ય સંજોગોમાં. જેમ કે, ભણવા કે નોકરી માટે પ્રિય લોકોથી દૂર રહેવું પડે છે ત્યારે. ઘણી વાર સંબંધો કથળવાથી એકલા રહેવાનો વારો આવે છે તો ક્યારેક ઝઘડો-ટંટાથી દૂર રહેવા વ્યક્તિ પોતે જ સામે ચાલીને એકલી રહેવાનો માર્ગ અપનાવતી હોય છે. આજનું જીવન પણ બદલાઈ ગયું છે. લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે કોઈને કોઈ માટે સમય નથી હોતો. આ પરિસ્થિતિમાં ભીડ મેં ભી તન્હા જેવી પરિસ્થિતિ સર્જા‍ય છે. પોતાના લોકો હોવા છતાં પણ માણસ એકલો પડી જાય છે. આ બધા જ પ્રકારની એકલતા માણસના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. પછી એ હોસ્ટેલમાં એકલું રહેતું બાળક હોય કે વૃદ્ધાવસ્થામાં એકલાં રહેતાં સ્ત્રી કે પુરુષ હોય.
અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીએ સંબંધો અને સ્વાસ્થ્ય પર રિસર્ચ કર્યું છે જેમાં દરેક ઉંમરના પડાવે એની અસર નોંધી હતી. જે અનુસાર એણે તારવ્યું હતું કે એકલતા એ ડાયાબિટીસ જેટલી જ ચિંતાજનક સ્થિતિ છે. એક યુવાનને એક્સરસાઇઝ ન કરવાથી જે શારીરિક સમસ્યા થાય છે એ જ તકલીફ યુવાન વયે એકલી વ્યક્તિને થાય છે. મતલબ કે એક્સરસાઇઝ ન કરવી અને એકલા રહેવું એ બન્ને સમાન સ્થિતિ છે. એકલા રહેતા માણસને હાર્ટ-ડિસીઝ, સ્ટ્રોક અને કેન્સરનો ખતરો ખૂબ વધી જાય છે. આ સિવાય વૃદ્ધાવસ્થામાં જે વ્યક્તિ એકલી રહે છે એને હાઇપરટેન્શન થવાનું રિસ્ક વધુ હોય છે.
સંશોધનમાં એ પણ તુલના પણ કરવામાં આવી કે જેમને ડાયાબિટીસ છે એવા વૃદ્ધોને બ્લડ પ્રેશર થવાનું જોખમ રહે જ છે એ સૌ જાણે છે, પરંતુ એનાથી પણ વધુ બ્લડ પ્રેશર થવાનું જોખમ એકલી રહેતી વ્યક્તિ પર તોળાતું હોય છે. વળી રિસર્ચમાં એ પણ જોવા મળ્યું કે જે લોકો એકલવાયા નથી, બધાની સાથે રહે છે તેમનો જીવનકાળ એકલા રહેતા લોકો કરતાં ઘણો લાંબો હોય છે. વ્યક્તિના આરોગ્યને અસર કરતી બાબતોમાં સોશ્યલ નેટવર્ક વ્યક્તિનું વિસ્તરેલું હોય એ દરેક ઉંમરે ખૂબ જ જરૂરી છે. વળી આ રિસર્ચમાં જોવા મળ્યું કે જે લોકો સામાજિક સક્રિય છે એવા યુવાનો ઓબેસિટીથી દૂર રહે છે.
શારીરિક-માનસિક સ્વાસ્થ્યઃ શારીરિક અને માનસિક આરોગ્યને આપણે અલગ અલગ મૂલવીએ છીએ, પણ એ ભૂલી ગયા છીએ કે એ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. મન એ શરીર સાથે સંકળાયેલું એવું આવરણ છે, જેમાં કોઈ પણ પ્રકારની તકલીફ શરીરને સીધી અસર કરે છે. શારીરિક અને માનસિક આરોગ્યને અલગ-અલગ જોવું એ આપણી ભૂલ છે. ઘણા લોકો શારીરિક સ્વાસ્થ્યને ખૂબ મહત્વ આપે છે, પરંતુ માનસિક આરોગ્યને અવગણે છે, જેના લીધે શારીરિક હેલ્થને સુધારવાના પ્રયત્નો વિફળ થતાં લાગે છે.
શેરિંગનો અભાવઃ એકલતાને મોત પછીની બીજી ગંભીર સજા ગણી શકાય. આથી જ કેટલાક કેદીઓને કોર્ટ એકલા રહેવાની સજા ફરમાવે છે. એકલતા કેટલી મોટી સજા છે એ તો એક એકલી રહેતી વ્યક્તિ જ સમજી શકે છે. એકલતાને સમજવાનો પ્રયાસ કરાવતાં સાઇકિયાટ્રિસ્ટ કહે છે કે માણસ કોઈ પણ રીતે એકલો હોય ત્યારે તેના જીવનમાં બે પરિબળોનો અભાવ સર્જાય છે. એક શેરિંગ અને બીજું કેરિંગ.
પોતાની વાતો, અનુભવો અને લાગણીઓ શેર કરવા માટે આપણને લોકો જોઈએ છે. જો આપણે આ વસ્તુઓ શેર ન કરી શકીએ તો આપણી હાલત દિવસે-દિવસે ખૂબ ખરાબ થતી જાય છે. જેમ હવા, પાણી, ખોરાક આપણી જરૂરિયાત છે એમ શેરિંગ પણ આપણી મૂળભૂત જરૂરિયાતોમાં આવે છે. બીજું, એકલા રહેવાથી વ્યક્તિને હૂંફની કમી મહેસૂસ થાય છે. દરેકને એવી વ્યક્તિ જોઈએ છે જે એનું ધ્યાન રાખે, જે એકલા હો ત્યારે શક્ય નથી બનતું.
જોકે એકલા રહેતા કેટલાક લોકો એવા પણ હોય છે જેમણે એકલતા સાથે એડ્જસ્ટમેન્ટ કરી લીધું છે તેમને બહુ વાંધો નથી આવતો. જે એકલતાનો સામનો નથી કરી શકતા તેમને તકલીફ થાય છે. રિસર્ચ કહે છે કે જે લોકો એકલતા સાથે એડ્જસ્ટમેન્ટ નથી કરી શકતા તેમનામાં વહેલા મૃત્યુનું જોખમ છ ગણું વધે છે.
એકલતા - એક મોટું સ્ટ્રેસઃ તબીબી નિષ્ણાતો કહે છે કે એકલતા પોતે જ એક ખૂબ મોટું સ્ટ્રેસ છે અને સ્ટ્રેસ એ કોઈ પણ રોગનું મૂળ કારણ હોઈ શકે છે. આ તનાવ અમુક હોર્મોન્સ રિલીઝ કરે છે જે શરીરમાં બ્લડશુગર વધારે છે. ઘણી વાર ઇન્ફ્લમેશન માટે જવાબદાર બને છે, જે સરવાળે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે સ્ટ્રોક જેવી તકલીફોનું કારણ બને છે.
આ સિવાય એકલવાયી વ્યક્તિ ઘણી વખત કેરલેસ બની જતી હોય છે. આવા લોકોને હાઇજીનના પ્રોબ્લેમ્સ હોય છે. ખાવા-પીવાનું અને દવાઓ યોગ્ય સમય પર લેતા નથી. અનિયમિત રૂટિનને કારણે તેમની ઊંઘ ડિસ્ટર્બ થાય છે. આથી પેટના પ્રશ્નો શરૂ થાય છે. આ એક ચેઇન છે, જે વ્યક્તિને જુદા-જુદા રોગો તરફ ધકેલે છે. આ સિવાય એકલા લોકો સોશ્યલાઇઝિંગ કરવાના ચક્કરમાં બહાર ખાઈ-પીએ છે. જો બૂરી સંગતમાં ફસાય તો દારૂ કે સ્મોકિંગની આદત વળગે છે. આ બધી દેખાવમાં નાની લાગતી બાબતો શારીરિક સ્વાસ્થને મોટું નુકસાન કરે છે.
શું કરી શકાય?
એકલતા જાતે ઊભી કરેલી પરિસ્થિતિ નથી હોતી, એ જીવનમાં આવી જતી હોય છે. આ પરિસ્થિતિ સાથે એડ્જસ્ટમેન્ટ ખૂબ જ જરૂરી છે. આ માટે શું કરી શકાય એ માટે જાણીએ તબીબી નિષ્ણાતોનો સૂચન.
• આજે જ્યારે કોઈને કોઈ માટે સમય નથી ત્યારે ઘરના લોકોનો એક સમય એવો નક્કી કરો કે જ્યારે બધા સાથે બેસીને વાતો કરી શકે. જેમ કે ડિનર કે લંચ કે બ્રેકફાસ્ટ સાથે લઈ શકાય. • લોકોને લાગે છે કે ફોન કે બીજાં માધ્યમો દ્વારા કનેક્શન સધાય છે એ પૂરતું છે, પરંતુ એનાથી સધાતું કનેક્શન હંમેશાં કામ નથી લાગતું. એક એવો સમય આવે છે જ્યારે આપણને લોકો નજર સમક્ષ (સદેહે) જોઈએ છે, ફોનથી કામ નથી ચાલતું. આથી સાધનો પર આધાર રાખવાનું છોડો. સંબંધોને હંમેશાં પર્સનલ ટચ આપો. • જ્યારે જીવનસાથીનું મૃત્યુ થઈ જાય છે ત્યારે જીવન અઘરું બની જાય છે, પરંતુ એ સમયે જરૂરી છે જીવનને એક જુદો અર્થ આપવાનો. પછી એ કોઈ શોખ પૂરો કરવાનો પ્રયત્ન હોય, સમાજસેવા હોય, જરૂરતમંદોને મદદરૂપ થવાની વાત હોય કે પછી ધર્મના માર્ગે આગળ વધવાની વાત. આવી બાબતો દ્વારા જીવનને એક નવી દિશા આપી શકાય છે. • મોટા ભાગના લોકો જીવનભર એટલે સંબંધો વિકસાવ્યા કરે છે કે જ્યારે જરૂર પડે ત્યારે આ સંબંધો તેમને કામ લાગી શકે. એકલતાથી બચવા માટેની આ પૂર્વતૈયારી ઘણી વાર ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. • એકલા હો ત્યારે ડાયરી લખવાની કળા વિકસાવો, જેનાથી તમારા મનની વાતોને વ્યક્ત કરવાનું માધ્યમ મળી રહેશે. હૈયું હળવું થઇ જતાં ઘણા અંશે એકલતાનો ભાર પણ હળવો થઇ જશે.


comments powered by Disqus