ભારતીય મહિલાએ વિકસાવ્યું એઇડ્સથી બચાવતું સ્માર્ટ કોન્ડોમ

Wednesday 21st December 2016 05:11 EST
 
 

વોશિંગ્ટન: એક ભારતીય મહિલાએ એઇડ્સ જેવી જીવલેણ બીમારીથી બચાવતું સ્માર્ટ કોન્ડોમ વિકસાવ્યું છે. વિશ્વભરમાં ફેલાઇ રહેલી એઇડ્સની મહામારીને અટકાવવામાં આ સ્માર્ટ કોન્ડોમ બહુ ઉપયોગી થશે એમ મનાય છે. ભારતીય-અમેરિકન પ્રોફેસર મહુઆ ચૌધરી દ્વારા વિકસાવાયેલા આ કોન્ડોમની ખાસિયત એ છે કે તે ફાટી જશે તો પણ એઇડ્સ થવાનો ખતરો નહીં રહે કેમ કે તેને બનાવવામાં જ એ રીતે આવ્યું છે. આ કોન્ડોમમાં એન્ટીઓક્સિડન્ટ્સ હશે જે એઇડ્સના વાઇરસને મારી નાખશે.
મહિલા પ્રોફેસર મહુઆ ચૌધરીએ ટેક્સાસની એએન્ડએમ યુનિર્વિસટીમાં હાથ ધરેલા કેટલાક રિસર્ચ બાદ આ કોન્ડોમ બનાવ્યું છે. આ એક હાઇડ્રોજેલ કોન્ડોમ હશે, જેનાથી કોન્ડોમ પહેરવા છતાં પણ એઇડ્સનો જે ખતરો રહેતો હતો તે ટળી
ગયો છે.
આ કોન્ડોમમાં ઇલાસ્ટિક મટીરિયલ વાપરવામાં આવ્યું છે જેને હાઇડ્રોજેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટી એચઆઇવી પ્રોપર્ટીઝ હશે જેને એન્ટીઓક્ઝિડન્ટ્સ કહેવામાં આવે છે. આ કોન્ડોમ માત્ર એઇડ્સથી જ નહીં બચાવે, પણ સાથે સાથે બિનજરૂરી પ્રેગ્નન્સીથી પણ બચાવશે. આ ઉપરાંત સેક્સ દરમિયાન જે પણ બીમારી ટ્રાન્સમિટ થશે તેનાથી પણ આ કોન્ડોમ રક્ષણ આપશે.
કોણ છે મહુઆ ચૌધરી?
આ કોન્ડોમની શોધ કરનારી મહિલા મહુઆ ચૌધરી ભારતીય મૂળના છે અને તેઓએ યુએસમાં પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેઓ મોલેક્યુલર બાયોલોજી, બાયોફિઝિક્સમાં પણ નિષ્ણાત છે. તેમને બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેમણે જે કોન્ડોમ બનાવ્યું છે તેમાં જે હાઇડ્રોજેલ નામનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેનો ઉપયોગ હાલ આંખોના લેન્સ વગેરેમાં પણ થાય છે.


comments powered by Disqus