મલ્લિકા શેરાવત એક ઇન્ટરનેશનલ સ્ટાર બન્યા પછી દેશમાં તેની આવનજાવન ઘટી છે. તેણે હાલમાં કોઇ હિન્દી ફિલ્મ સાઇન કરી નથી. આ બધા વચ્ચે એવી વાતો વહે છે કે મલ્લિકાએ પેરિસમાં રહેતા બોયફ્રેન્ડ સાઇરિલ સાથે ખાનગીમાં લગ્ન કરી લીધા છે. જોકે આ બાબતે મલ્લિકાએ કોઇપણ સ્પષ્ટતા કરી નથી. મલ્લિકા પેરિસના રિયલ એસ્ટેટ બિઝનેસમેન સાઇરિલને લાંબા સમયથી ડેટ કરી રહી છે. તેણે સાઇરિલ સાથે નવું જીવન શરૂ કરી લીધું હોવાથી તે ભારતમાં આવતી નથી એવો દાવો એક અંગ્રેજી અખબારે કર્યો છે. આ અગાઉ પણ મલ્લિકા અને સાઇરિલના લગ્નની અફવાઓ ચગતી જે બાદમાં ખોટી સાબિત થતી. સાઇરિલ મારો ખાસ મિત્ર હોવાનો દાવો મલ્લિકાએ એક મુલાકાતમાં કર્યો હતો. સોશિયલ મીડિયા પર મલ્લિકાએ પોતાની અને સાઇરિલની અનેક વખત તસવીરો પણ મૂકી છે. મલ્લિકા હાલમાં એક વિદેશી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે જેમાં તે જાદુટોણા કરતી યુવતીનું પાત્ર ભજવી રહી છે.

