ચેન્નઇ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ઇતિહાસ રચતું ભારત

Wednesday 21st December 2016 05:07 EST
 
 

ચેન્નઇઃ શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પણ ભારતે શાનદાર દેખાવ કરતાં ઈંગ્લેન્ડને એક દાવ અને ૭૫ રને કારમો પરાજય આપ્યો છે. ઈંગ્લેન્ડને એક દાવના પરાજયથી બચવા ૨૮૨ રન કરવાના હતા, પણ રવિન્દ્ર જાડેજાની ફિરકીમાં ઈંગ્લિશ બેટ્સમેન લપેટાઇ ગયા હતા અને દાવ ૨૦૭ રનમાં જ સમેટાયો હતો.
આ વિજય સાથે જ ભારતે શ્રેણી ૪-૦થી જીતી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇંડિયાએ મેળવેલો આ વિજય અનેક રીતે શાનદાર છે. જેમ કે, ચેન્નઇ ટેસ્ટમાં ભારતે તેના ટેસ્ટ ઇતિહાસમાં એક ઇનિંગમાં સાત વિકેટે ૭૫૯ રનનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો. ચેન્નઇ ટેસ્ટમાં વિજય સાથે જ ટીમ ઇંડિયાએ સતત ૧૮ મેચમાં અજેય રહેવાનો વિક્રમ નોંધાવ્યો છે. પહેલી વખત ભારતે ઈંગ્લેન્ડ સામે સતત ચોથા ટેસ્ટમાં વિજય મેળવ્યો છે.
કોહલીએ શ્રેણીમાં ઝમકદાર દેખાવ કરતાં પાંચ મેચમાં આઠ દાવમાં ૬૫૫ રન કર્યા છે. જેમાં બે સદી, બે અર્ધી સદી સામેલ છે જ્યારે એવરેજ ૧૦૯.૧૬ રનની છે. કોહલીએ બીજી બેવડી સદી પણ નોંધાવી. ભારત તરફથી બેવડી સદી નોંધાવનાર તે પ્રથમ ભારતીય કેપ્ટન છે.
શ્રેણીની છેલ્લી મેચમાં યાદગાર ઇનિંગ રમતાં કરુણ નાયરે ત્રેવડી સદી નોંધાવતાં અણનમ ૩૦૩ રન કર્યા. તો જાડેજા માટે પણ શ્રેણી યાદગાર બની રહેશે. તેણે કારકીર્દિમાં પહેલી વખત એક જ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી. બીજી ઇનિંગમાં તેણે સાત વિકેટ ઝડપી. જાડેજાએ ઈંગ્લેન્ડના સૌથી શક્તિશાળી બેટ્સમેન એલિસ્ટર કૂકને આ શ્રેણીમાં પાંચ વખત આઉટ કર્યો છે.

ત્રીજી ટેસ્ટમાં ત્રેવડી સદી

કારકિર્દીની ત્રીજી જ ટેસ્ટમાં કરુણ નાયરે ત્રેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ચેપોક સ્ટેડિયમમાં કરુણ નાયરે ૩૮૧ બોલનો સામનો કરીને ૩૨ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ ૩૦૩ રન કર્યા હતા. આ સાથે જ તે ત્રેવડી સદી ફટકારનાર ભારતનો બીજો અને વિશ્વક્રિકેટમાં ૩૦મો બેટ્સમેન બન્યો છે. આ પહેલાં ભારત તરફથી સેહવાગે બે વખત ત્રેવડી સદી ફટકારી છે.
નાયરની ત્રેવડી સદી અને લોકેશ રાહુલના ૧૯૯ રન તેમજ અશ્વિન અને જાડેજાની અર્ધી સદીના સહારે ભારતે પ્રથમ દાવમાં સાત વિકેટે ૭૫૯ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં ૪૭૭ રન બનાવ્યા હતા જેને કારણે ભારતે ૨૮૨ રનની જંગી લીડ મેળવી હતી.
નાયર સૌથી યુવા વયે ત્રેવડી સદી ફટકારનાર વિશ્વનો છઠ્ઠો ખેલાડી છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી સૌથી ઓછી વયે બનાવવાનો રેકોર્ડ ગેરી સોબર્સના નામે છે. સોબર્સે ૨૧ વર્ષ, ૨૧૩ દિવસની ઉંમરે સિદ્ધિ મેળવી હતી.
૨૦૧૬માં આ બીજી ત્રેવડી સદી છે. નાયર પહેલાં પાકિસ્તાનના અઝહર અલીએ અણનમ ૩૦૨ રન કર્યા હતા.

‘તો પછી સદીનું શું દબાણ હોય?’

જે વ્યક્તિ મૃત્યુને એકદમ નજીકથી જોવાના અનુભવમાંથી પસાર થઈ ચૂકી હોય તેના માટે ત્રેવડી સદીનું દબાણ શું હોઈ શકે? શાંત પ્રકૃત્તિના નાયરે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકાર્યા બાદ આ શબ્દો કહ્યા હતા. નાયર કેરળનો છે. તે ગયા જુલાઈ માસમાં પૂજા ઉત્સવમાં જોડાયો હતો ત્યારે તેની નાવ પમ્પા નદીમાં પલટી ગઈ હતી. ‘મને તરતા આવડતું નહોતું, પરંતુ ત્યાં હાજર લોકોએ મને બચાવ્યો હતો.’ એમ કહીને તેણે ઉમેર્યું હતું, ‘પ્રથમ સદી હંમેશાં મહત્ત્વપૂર્ણ હોય છે અને મને લાગે છે કે, મેં પ્રથમ સદી ફટકારી ત્યારે દબાણ અનુભવ્યું નહોતું. ૧૦૦ રન પૂર્ણ કર્યા બાદ હું મારા નેચરલ શોટ રમી રહ્યો હતો. મને રાહુલ, અશ્વિન, જાડેજાનો સારો સાથ મળ્યો હતો. હું તેમનો આભારી છું.’

અશ્વિનનો અનોખો રેકોર્ડ

અશ્વિને પાંચમી ટેસ્ટમાં ૬૭ રન બનાવવાની સાથે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની સિરીઝમાં ૩૦૬ રન કર્યા હતા. તેણે આ સિરીઝમાં ૨૮ વિકેટ પણ ઝડપી છે. આમ એક સિરીઝમાં ૩૦૦ કે તેથી વધુ રન અને ૨૫થી વધુ વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો છે.
આ પહેલાં ઇંગ્લેન્ડના ઇયાન બોથમે ૧૯૮૧માં એશિઝ સિરીઝમાં ૩૯૯ રન બનાવ્યા હતા અને ૩૪ વિકેટ ઝડપી હતી. બોથમ પહેલા ઓસ્ટ્રેલિયાના રિચી બેનોએ ૧૯૫૭માં ૩૨૯ રન બનાવ્યા હતા અને ૩૦ વિકેટ ઝડપી હતી. ૧૯૧૦માં આફ્રિકાના ઓબ્રે ફોકનરે ઇંગ્લેન્ડ સામે ૫૪૫ રન બનાવ્યા હતા અને ૨૯ વિકેટ ઝડપી હતી. સૌથી પહેલાં આ સિદ્ધિ ૧૮૯૪માં ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ ગિફેને ઇંગ્લેન્ડ સામે સિદ્ધિ મેળવતાં ૪૭૫ રન બનાવ્યા હતા અને ૩૪ વિકેટ ઝડપી હતી.


comments powered by Disqus