આર્કીપિલેગો?’ જુઓ ને, સમુદ્ર કિનારે અહીં છૂટાછવાયા ન જાણે કેટલા બધા સમુદ્ર-બેટ છે. વસતિથી દૂ...ર, કોઈ પહોંચી જ ના શકે!
ચંદ્ર બોઝે દૂ...ર સુધી નજર નાખી. વાત સાચી હતી. રાજકીય ગતિવિધિથી ધમધમતા લેનિનગ્રાડથી દૂર ઉત્તરમાં આ દ્વીપસમુહો જાણે કે, બીજું રશિયા અસ્તિત્વ ધરાવતી દુનિયા!
કોણ વસે છે ત્યાં?
પેલાએ એક જ શબ્દ કહ્યોઃ બુર્ઝવા. રશિયન ઇતિહાસમાં આ એકમાત્ર શબ્દ પોપટપાઠની જેમ દરેકનાં દિલોદિમાગમાં ભેળવી દેવાયો હતો. આર્કીપિલેગોનાં જેલખાનાંઓમાં મોટા ભાગે લેખકો, વિજ્ઞાનીઓ, કવિઓ, વિદ્યાર્થીઓ અને તેમાંનું કશું ના હોય તેવા નાગરિકો. સંખ્યા એક, એકસો, એક હજારથી શરૂ કરીને લાખ્ખોની. તેઓ એક વાર ગુલાગમાં ધકેલાઈ જાય છે પછી તેઓ ડાહ્યા-શાણા બની ગયા હતા, પાગલ થઈ ગયા હતા, ઋણ બની રહ્યા હતા, આશાવાદી હતા કે નિરાશાવાદી... તેના દસ્તાવેજો અપાર હતા પણ ‘જાહેર જીવનના હિતમાં’ તેને પ્રકાશિત કરાયા નહોતા...
પેલો અફસર - જાણે કે કોઈ ઇરાદા સાથે બોલ્યે જ જતો હતો, તેને ખબર હતી કે આ વિગતોની અસર ‘ઇન્ડિયન ચંદ્રા બોઝ’ પર એવી જ થવાની, જે તેને ભયભીત બનાવી મૂકે. આ પહેલાં એક ઉદ્દામ ભૂગર્ભવાસીની આવી જ હાલત થઈ હતી.
તેણે કહ્યુંઃ ‘આ અટકાયતો મોડી રાતે જ થાય છે, જેથી બીજા કોઈને ખબર ન પડે. કોલ્તારની સાંકડી સડક પર રાત્રે કેદીઓને લઈ જતી ‘બ્લેક મારિયા’ ગાડી ચાલે છે... ત્યાં જ દિવસે જાણે કે કશું ન થયું હોય તેમ બાળકો હાથમાં દફતર લઈને શાળા તરફ દોડતાં દેખાય છે...’
તે હસ્યો. સજા પણ એક પ્રકારની નહીં, હોં, મહાશય! થોડાક જ મહિના પૂર્વે જર્મન યુવક યુવતીઓની એક ટોળીને અહીં પ્રવેશ મળ્યો. તેઓએ સંગીત સંધ્યા યોજી હતી. ગુનો એટલો કે તેની મંજૂરી નહોતી મેળવી. એટલે ‘રાજ્યવિરોધી સંગીત’ માટે ગોળીથી ઠાર મારવાની સજા મળી... બચી ગયા તે બધા અહીંની જેલમાં.
જેમની મુલાકાતનું ભાગ્ય પ્રાપ્ત થયું હતું તે મહામહિમ જોસેફ સ્તાલિનની પ્રશંસા કરવાનું આ અફસર ચૂક્યો નહીં. પોતાનો નેતા કઈ માટીનો બનેલો છે તેની ખબર તો ચંદ્ર બોઝને થવી જ જોઈએ.
‘મોસ્કો પ્રાંતમાં જિલ્લા પાર્ટી સંમેલન હતું. તેમાં હું પણ સામેલ હતો. નિયમ એવો કે શરૂઆતમાં અને સંમેલન પૂરું થાય ત્યારે સ્તાલિન-પ્રશંસાનો તાળીઓનો ગડગડાટ થવો જ જોઈએ. એવું થયું. તાળીઓનો ગડગડાટ શરૂ થયો, પણ બંધ કોણ કરે? બધા વ્યગ્ર નજરે પ્રમુખ તરફ જોઈ રહ્યા હતા. ગુપ્તચર ડાઘિયાઓની નજર હતી કે પહેલી તાળી કોણ બંધ કરે છે! તાળીઓ અવિરત ચાલતી રહી. છેવટે હા-શ થઈ! એક ખિસકોલી પ્રમુખના પગ પાસેથી કૂદીને પસાર થઈ. ગભરાયેલો પ્રમુખ ખુરશી પર બેસી પડ્યા. તે રાતે એ પ્રમુખને તાળી બંધ કરવાના ક્રાંતિ વિરોધી કાર્ય માટે પકડી લેવાયો!’
શિદેઈ ચંદ્ર બોઝના ચહેરા પર પ્રતિભાવ નિહાળવાની મથામણ કરતો હતો. પણ આ માણસ તો સા-વ શાંત ચિત્તે સાંભળી રહ્યો હતો!
પેલો અફસર - જાણે કે તેને સ્તાલિન દરબારમાંથી સૂચના અપાઈ હોય તે રીતે - એક પછી એક ઘટનાનું બયાન કરી રહ્યો હતો...
‘તમે લુમ્બ્યાંકા જેલ તો ક્યાંથી જોઈ હોય? ભલભલા ત્યાં જઈને ખલાસ થઈ જાય છે. થોડા દિવસો માટે મને ચાર્જ સોંપાયો હતો. તેની બેરેક નંબર ૬૭માં હું ગયો. ત્રણ જ કેદી હતા. ત્રણે રાજ્યના બાહોશ વિચારકો! ઊંધી પીઠે સૂતા હતા. એક મિનિટ પણ ગુમાવવા તૈયાર નહીં! કેમ કે ક્યારે ઊઠાડીને તલાશી શરૂ કરવામાં આવે, નક્કી નહોતું. એકે તેનું માથું ઊંચું કર્યું, મને પૂછયુંઃ ‘તમાકુ છે?’ ઓહ, એ દુર્લભ ચીજ મારી પાસે નહોતી. મેં માથું ધૂણાવવાની યે તસ્દી ન લીધી. તે સમજી ગયો અને બસો વોલ્ટની રોશનીમાં વળી પાછો માથું નાખીને સૂઈ ગયો!
ચંદ્ર બોઝઃ આવા કેટલા લોકો હશે અત્યારે?
અફસરઃ બેહિસાબ. ૧૯૧૮માં મારો બાપ જહાજના ચાલક તરીકે પકડાયો હતો. તેને લેનિનમાં ભરોસો નહોતો. તે વર્ષે ૧૬૦૦૦ને ગોળીએ દેવાયા તેમાંનો એક હતો. એ જ વર્ષે એક નવો પ્રયોગ થયો. જહાજ ભરીને કેદીઓને ભર સમુદ્રે લઈ
જઈને ડૂબાડી દેવામાં આવે... ફીનલેન્ડની ખાડી તેની સાક્ષી છે.
ચંદ્ર બોઝ ચૂપ રહ્યા. ભારતીય આધ્યાત્મિકતાથી આ કેવો વિપરિત સત્તાવાદ હતો! પેલો બોલ્યે જતો હતો, તેના શબ્દો ઠંડી ધુમ્મસમાં ઓગળી જતા હતા, વચ્ચે એક જગ્યાએ વાન રોકાઈ. રસ્તા પર નાની સરખી દુકાન. એક જાડી સ્ત્રી સગડી પર કંઈક બનાવી
રહી હતી.
‘ચંદ્ર બોઝ, ભૂખ લાગી હશે, તમને? કંઈક લેશો?’ બીજા બે સિપાહી એક પ્લેટમાં કશુંક લાવ્યા. કદાચ, રોટી હતી અને સૂપ. બોઝે શિદેઈની સામે જોયું, હસ્યા અને એક ટૂકડો મોંમાં મૂક્યો.
અફસર કહેઃ અહીંથી આઈવાવો જેલ માંડ સાતસો કિલોમીટર પર હશે. મેં જોઈ છે તે જગ્યા. ૪૦૦૦ કેદી રહી શકે એટલી મોટી છે પણ ૪૦,૦૦૦ને રખાયા એટલે વિચારો કે કેવી ભીડભાડ હશે? બીજું થાય પણ શું? મોટા ભાગનાને તો ગોળીએ ઊડાવી દેવાના છે. સજા, ઉપ-સજા... એક છોકરી કાત્યા ઓલિત્સ્કાયાને વોર્ડરે બૂમ પાડીને ઊભા થવાનો આદેશ કર્યો, તે ઊભી થઈ ન શકી એટલે ‘ઉપ-સજા’ તરીકે શૌચાલય જવાથી વંચિત કરી દેવામાં આવી! ભૂખ હડતાળ પર ઉતરી ગયેલા જેનાદિસ્મેલાવને મેં પૂછયું કે શા માટે શરીરને કષ્ટ આપે છે તો ઘુરકીને કહેઃ મને ન્યાય વધુ વહાલો છે. નિકોલાઈ અલેકઝાંડ્રો વિચકોઝીરોવને મોતની સજા નક્કી કરાઈ હતી, તેની પહેલાંના દિવસોમાં તેણે ભૌતિક વિજ્ઞાન પર સંશોધન શરૂ કરી દીધું હતું!
આટલું બોલતાં તે ખામોશ થઈ ગયો. હવે તેને આ બધો બોજ લાગતો હતો. સ્તાલિનના કાર્યાલયે કહી તે પ્રમાણે ફરજ તો બજાવી - ચંદ્ર બોઝની માનસિકતાને અસર કરવાની. પણ હવે વધુ અસંભવ હતું.
ચંદ્ર બોઝે પૂછયુંઃ તારું નામ ન કહે તો ચાલશે. પણ તારો પરિવાર -
‘હા. મોસ્કોમાં જ છે. પત્ની અને એક લાલ ફૂલના ગોટા જેવી પુત્રી - ઓલ્ગા.’
‘મળવાનું બને છે ને?’
‘ના રે ના. બે ત્રણ વર્ષે એકાદ વાર.’
‘યાદ નથી આવતાં કોઈ?’ શિદેઈથી પૂછાઈ ગયું. તેણે જવાબ ન આપ્યો.
‘આવે તો છે, પણ...’
‘પણ શું?’
‘ડરું છું. ક્યાંક મારા કારણે તે બધાંને સહન કરવું પડે... તમે જાણો છો, મિસ્ટર ચંદ્ર બોઝ, આવા જ એક ગુલાગમાં તોલ્સતોયની પુત્રી પણ કેદી છે?’
ચંદ્ર બોઝ અને શિદેઈ બન્ને ચમક્યા. ‘તોલ્સતોયની પુત્રી? લિયો તોલ્સતોય - અરે,...’
‘હા. વોર એન્ડ પીસ’ના રચયિતા લિયો તોલ્સતોયની પુત્રી એલેકઝાન્ડ્રા. ક્રાંતિ વિરોધીઓ એકઠા થયા તેમને ચાનો પ્રબંધ કરી આપ્યો હતો. યાતના શિબિરમાં તેને ચાર વર્ષની સજા કરવામાં આવી હતી!’
હવે તેનું ચિત્ત ખૂલ્યું હતું. રુક્ષ-શુષ્ક દયાહીન ચહેરો ક્યાંક ઉતરડાઈ ગયો હતો. તેને પોતાની પત્નીની યાદ તાજી થઈ આવી હતી. જ્યાં જવાનું છે તે ક્રેમલિનના દબદબા વચ્ચે તે એક નાનકડા ફ્લેટમાં રહેતી હતી પણ તેને મળવા પોતે જઈ શકે તેમ નહોતો.
તે સા-વ ધીરા સ્વરે બોલતો રહ્યો, કોઈ સાંભળે કે ન સાંભળે તેની ચિંતા જ નહોતીઃ
‘તમે ઇન્ડિયન કે જાપાનીઝ, શું જાણો અહીં શું થઈ રહ્યું છે? સ્તાલિનગ્રાદે જર્મનોની સામે ઝઝૂમીને લડાઈ કરી, મોત અને જીત બંને મેળવ્યાં. પણ પછી શું? અમારે માટે તો જોસેફ સ્તાલિનની કૃપાનજર જ ને?’
તેઓ રોજબરોજ નાગરિકોને પકડીને લઈ જાય છે. રાતની રેલગાડીમાં ક્યાં લઈ જવાશે તેની કોઈ ખબર નથી. કલાકો લગી, કાળા પટ્ટાથી બંધ બારી-બારણાઓવાળી રેલવેમાં, પહેરેગીરોની સંગીનો હેઠળ બેસવાનું અને આસપાસની હવા પરથી જ નક્કી કરવાનું કે ક્યાંક મધ્ય વોલ્ગા તરફ ટ્રેન દોડી રહી છે. પણ ક્યાં? ક્યાં થોભશે? ક્યારે?
કોઈ ખબર જ નહીં. લો, આ સાઈબીરિયાની કોઈ જગ્યા આવી. મોડી રાતે એક સ્ટેશને ગાડી રોકાઈ. થોડાક વધુ કેદીઓને અહીંથી લેવામાં આવ્યા.
ફૂસફૂસાહટ જેવા અવાજે તેમાંથી કોઈને પૂછયુંઃ ‘કયું સ્ટેશન?’
‘તુફાનેલો.’
તુફાનેલો? ઓહ્... જગ્યા તો જાણીતી છે. આનો અર્થ એ કે ટ્રેન ગુલાગ તરફ દોડી રહી છે. આટલું સમજાતાં દરેકના ચિત્તમાં ખળભળાટ ઉમેરાઈ જાય. પેલો - લેનિનગ્રાદથી પકડાયો હતો, તેને કશી ખબર નહોતી કે શા માટે ધરપકડ કરી હતી.
રાત્રે એપાર્ટમેન્ટમાં આવ્યા, ડોર બેલ વાગી, દરવાજો ખૂલ્યો, પોલીસના લોકો હતા. પકડીને લઈ ગયા...
મારે પત્નીને ખબર તો આપવી જ જોઈએ બિચારી નાતાલની ઉજવણીની તૈયારી કરી રહી હતી. બે બચ્ચાં સ્કૂલ જવા માટે રોજેરોજ તૈયાર થતાં તેને મૂકવા જતી... પોલીસ થાણેથી સીધો આ અટકાયતી ગાડીમાં. હવે?
તેણે રસ્તો શોધવા પ્રયત્ન કર્યો. એકાદ કોરી ચબરખી મેળવી. થોડાક અક્ષરો પાડ્યા અને પોતાનું લેનિનગ્રાદનું સરનામું લખ્યું. ત્રિકોણની ગડ વાળીને છૂપાવ્યો. સવારે બે મિનિટ જાજરૂમાં જવાની છૂટ મળી તો ત્યાં લઈ જઈને નીચેના ખૂલ્લા મળદ્વારમાં ચિઠ્ઠી ફેંકી દીધી...
‘કદાચ’નો અંતહીન આશાદોર... ટ્રેન પસાર થઈ જશે. કાગળ પાટા પરથી હવામાં ઊડતો કદાચ, કોઈ ગામના છેવાડે પહોંચશે. કદાચ, કોઈ મોર્નિંગ વોક કરનારની નજરે ચડશે. તે ઉઠાવશે, વાંચશે ને સમજી જશે એટલે પત્નીનું સરનામું લખ્યું છે ત્યાં પોસ્ટ કરશે. કદાચ...
‘કદાચ’ની આ યે કેવી ક્રુર કરુણાંતિકા!
ચંદ્ર બોઝ બોલ્યાઃ શિદેઈ, જો મારું સપનું પૂરું થશે અને મારો દેશ આઝાદ થશે તો ત્યાં... અમે કમ્યુનિઝમનું વાવેતર થવા નહીં દઈએં!
શિદેઈની આંખમાં ચમક આવી ગઈ. દુશ્મનના ગઢમાં આ વીરપુરુષ પોતાના મનોરથને કોઈ એક રંગમાં રંગી નાખવા માગતો નહોતો, તેનો રંગ તો વાસંતી ભભકતો હતો, મેરા રંગ દે બસંતી ચોલા! છેક લાહોરની જેલથી ૧૯૩૧માં જે સ્વર ગરજ્યો હતો તે ચંદ્ર બોઝે આજીવન આત્મસાત્ કરી લીધો હતો એટલે તો એડોલ્ફ હિટલર, બેનિટો મુસોલિની, જોસેફ સ્તાલિન, વિન્સ્ટન ચર્ચિલ કે રુઝવેલ્ટઃ કોઈ પણનો પડછાયો બન્યા વિના તેની સ્વાધીન લડાઈ કરી રહ્યો હતો. (ક્રમશઃ)

