અભિષેક બચ્ચન પોતાની લાંબી ફિલ્મ કારકિર્દી દરમિયાન અભિનયથી લોકોનું દિલ જીતવામાં ભલે ઝાઝો સફળ થયો નથી, પરંતુ એક આનંદના સમાચાર એ છે કે આ અભિનેતાએ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું છે. જૂનિયર બચ્ચનનું નામ ગિનેસ બુકમાં ૧૨ કલાકમાં સૌથી વધુ વખત જાહેર કાર્યક્રમમાં હાજરી આપનાર સ્ટાર તરીકે સામેલ થયું છે. અભિષેક 'દિલ્હી ૬'ના પ્રમોશન દરમિયાન ૧૨ કલાકમાં સતત ૭ શહેરોમાં નજરે ચડયો હોવાનું ગિનેસ બુકમાં જણાવાયું છે. અભિનેતાએ ગાઝિયાબાદ, નોયડા, ફરીદાબાદ, દિલ્હી, ગુડગાંવ, ચંદીગઢ અને મુંબઇ જેવા શહેરમાં ફિલ્મના પ્રમોશન માટે ગયો હતો. આ દરમિયાન તેણે પોતાના પ્રાઇવેટ જેટ અને કારનો ઉપયોગ કરીને ૧૮૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. અભિષેકે હોલિવૂડ એકટર વિલ સ્મિથને આ રેકોર્ડ તોડીને હાર આપી છે. વિલ સ્મિથે ૨૦૦૪માં આરોબોટ ફિલ્મના પ્રમોશન દરમિયાન બે કલાકમાં ત્રણ વખત પબ્લિક સામે આવ્યો હતો.

