અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલા ૬૮મા વાર્ષિક પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી ત્યારે બોલિવૂડની સ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા તમામ હોલિવૂડ સ્ટાર વચ્ચે છવાઈ ગઈ હતી. એવોર્ડ સેરેમનીમાં વિવિધ અભિનેત્રીઓના ડ્રેસ ખૂબ ચર્ચામાં રહ્યાં હતા, જેમાં પ્રિયંકાએ લાલ રંગના ગાઉનમાં પોતાની સુંદરતાના કામણ પાથરીને તમામ હોલિવૂડ અભિનેત્રીઓને પાછળ રાખી દીધી હતી. પ્રિયંકાએ હોલિવૂડ અભિનેતા ટોમ હિડલસ્ટન સાથે શોનું હોસ્ટિંગ પણ કર્યું હતું. તેણે રેડ કાર્પેટ પર ભવ્ય સમારોહના ફોટા ઇન્ટ્રાગ્રામ પર મૂક્યા હતા. પ્રતિષ્ઠિત અભિનેત્રી સોફિયા વેરગેરા, વ્હાઇટ ગાઉનમાં એમેલી રેજટસોવસ્કી, બ્લૂ અને પ્રિન્ટિંગ ગાઉનમાં ક્રિસ્ટન બેલ જેવી હોલિવૂડ માનુનીઓએ પણ રેડ કાર્પેટ પર પોતાનું કામણ પાથર્યું હતું. ૧૮ વર્ષની યોસેફ અલ જાસમી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રેમી મલેકને બેસ્ટ એક્ટર અને તાતિયાના મેસલેનીને બેસ્ટ એકટ્રેસના એવોર્ડ અપાયા હતા. શોમાં ગેમ ઓફ થ્રોન્સ નામના શોને સૌથી વધુ ૩૮ એવોર્ડ મળ્યા હતા. સિરીઝની એકટ્રેસ એમિલિયા કલાર્ક ગુલાબી સિલ્કી ગાઉનમાં હાજર રહી હતી. આ ઉપરાંત બીપ, ધ પીપલ વર્સિસ ઓ જે સિમ્પસન, ધ એબોમિનેબલ બ્રાઇડ, મિ. રોબોટ જેવા શોએ પણ એવોર્ડ સમારોહમાં ધૂમ મચાવી હતી.

