વેમ્બલીના ઇલીંગ રોડ પર સતત પ્રવૃત્તશીલ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશનના મેનેજર, એડવાઝર શ્રી જગદીશભાઇ રામભાઇ પટેલનું ૧૬ સપ્ટેમ્બર, શુક્રવારે ૬૫ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું છે. ૧૯૯૪થી બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન (BIA)માં ઇમિગ્રેશન સર્વિસ કમિશ્નર ગવર્મેન્ટ યુ.કે.ના એડવાઝર તરીકે તેઅોેએ બ્રિટનસ્થિત અસંખ્ય ભારતીયોને OCI, PIOકે વીઝા સર્વિસ તેમજ હાઉસીંગ એન્ડ વેલ્ફેર બાબત માર્ગદર્શન અને નિ:સ્વાર્થ સેવા પૂરી પાડી છે. લોકલાડીલા જગદીશભાઇ બ્રેન્ટ બરોના નિવૃત્ત ભાઇ-બહેનો, વયોવૃધ્ધ વડીલો અને માતાઅોને ખૂબ મદદરૂપ બનતા હતા. છેલ્લા અાઠેક વર્ષથી કિડની બિમારીનો ભોગ બનેલા જગદીશભાઇ હેમરસ્મિથ હોસ્પિટલમાં દર અઠવાડિયે ત્રણેક વાર ડાયાલેસીસ કરાવા જતા હતા. સામાન્ય રીતે ડાયાલેસીસ પછી દર્દી અશક્ત બની થાકી જતો હોય છે જ્યારે અા જગદીશભાઇ સ્ફૂર્તિ સાથે હોસ્પિટલથી સીધા જ BIAની અોફિસમાં જનસેવા કરવા પહોંચી જતા.
મૂળ બાંધણી (તા. અાણંદ)ના વતની જગદીશભાઇએ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી સાથે MSc અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અોફ ઇન્ડિયા દ્વારા ફંડેડ PL380 સ્કીમના ભાગરૂપે PhDકર્યું હતું. તેમણે અત્રેની અનેક સામાજીક અને સેવાલક્ષી સંસ્થાઅોમાં સક્રિય સેવા અાપી છે. તેમણે બાંધણી સમાજ યુ.કે.ના સેક્રેટરી અને ટ્રેઝરર, શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજના ટ્રેઝરર, લાયન્સ કલબ ઇન્ટરનેશનલ લંડન વેસ્ટ-ઝોન ચેરમેન, પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે લાંબા ગાળાની સેવા અાપતાં તેઅોને મેલવીન જહોન્સનો એવોર્ડ અાપી સન્માનિત કર્યા હતા. અા ઉપરાંત "એજ કનર્સન યુકે.ના વાઇસ ચેર, એશિયન ફાઉન્ડેશનના ટ્રસ્ટી, ફેડરેશન પાટીદાર એસોસિએશન, બ્રહ્માકુમારીઝ, NCGO, બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલના સભ્ય તરીકે સક્રિય રહ્યા છે. એક કર્મઠ, નિ:સ્વાર્થ કાર્યકર સમાજે ગુમાવતાં બીઅાઇએના ચેરમેન અનીતાબહેન અને શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજ (યુરોપ)નું ટ્રસ્ટ બોર્ડ અત્યંત દુ:ખની લાગણી અનુભવે છે.
જગદીશભાઇ એમની પાછળ પત્ની માલતીબેન, પુત્ર કેયૂર તથા બે દીકરીઅો નિમેષા અને શમાને વિલાપ કરતા છોડી ગયા છે. સ્વ. જગદીશભાઇને અંજલિ અાપતી પ્રાર્થના સભા તા ૨૨ સપ્ટેમ્બર, ગુરૂવારે સાંજે ૭.૩૦થી ૮.૩૦ દરમિયાન શ્રી સત્તાવીશ સેન્ટર, ફોર્ટી લેન, વેમ્બલી, HA9 9PEખાતે રાખવામાં અાવી છે.

