તમારી વાત

Tuesday 20th September 2016 14:45 EDT
 

પાકિસ્તાન ક્યારે સુધરશે ?

‘ગુજરાત સમાચાર’ના તા. ૩૦ જુલાઈના અંકમાં પ્રથમ પાને ભારત-પાકિસ્તાનના સમાચાર વાંચીને જણાવવાનું કે ૧૯૪૭માં ભારતથી જુદા પડીને એક નવા દેશ તરીકે પાકિસ્તાનનો ઉદય થયો હતો. પાકિસ્તાન એક મુસ્લિમ રાષ્ટ્ર બન્યું જયારે ભારત આજે પણ સર્વધર્મમાં માનતા વિશાળ લોકશાહી દેશનો જીવતો જાગતો દાખલો છે. કાશ્મીર ભારતનું એક અંગ હોવા છતાં વર્ષોથી તે હાંસલ કરવા માટે પાકિસ્તાન અનેક પ્રકારની આતંકી કાર્યવાહી કરી રહ્યું છે, જે ખુબ જ નીંદનીય છે. પાકિસ્તાને કાશ્મીરને પ્રાપ્ત કરવા ત્રણ નિષ્ફળ યુદ્ધ કર્યા છે અને તેનાથી તેઓ વધુ અકળાયા છે.
પાકિસ્તાને છેલ્લા ૭૦ વર્ષમાં હજારો ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડીને આતંક મચાવીને નિર્દોષ લોકો અને સૈનિકોની હત્યા કરી છે અને કરી રહ્યા છે. પરંતુ, તે તેના દેશવાસીઓની ખરાબ હાલત છે તેના પર ધ્યાન આપતું નથી. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અત્યંત કારમી હાર બાદ તે વખતના પાકિસ્તાનના વડાપ્રધાન મરહુમ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએકહ્યું હતું કે પાકિસ્તાનના લોકો ઘાસ ખાઈને રહેશે પણ કાશ્મીર તો હાંસલ કરીશું. ભારતના તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તે સમયે એક તક જતી કરી. તેમણે તે સમયે જ કાશ્મીરનો ઉકેલ લાવીને યુદ્ધને વિરામ આપવાની જરૂર હતી.
હમણાં બે ચાર વર્ષ થી પાકિસ્તાનના ત્રાસવાદીઓ જીવતા પકડાય છે જે પુરાવો છે કે પાકિસ્તાન જ ભારતના અર્થતંત્રને નબળું પાડવા ભારતના નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યું છે.

- ભરત સચાણીયા, લંડન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આગળનો માર્ગ

શ્રી નરેન્દ્ર મોદી દિલ્હી ગયા પછી ગુજરાતની રાજકીય સ્થિરતા પહેલા અનામત માટે પટેલોના આંદોલનથી અને પછી દલિતો પર કહેવાતા અત્યાચારને લીધે જોખમાઈ હતી. દલિતો પર અત્યાચાર ગુજરાતમાં જ થતો હોય તેવું નથી. તાજેતરમાં જ યુપીમાં માત્ર ૧૫ રૂપિયા માટે
દલિત દંપતીની હત્યા કરી દેવાઈ હતી તે વાત આમાં મુદ્દાની છે.
વડાપ્રધાન બન્યા પછી શ્રી મોદીએ ભારતને વિશ્વમાં ખૂબ માન અપાવ્યું છે. બે વર્ષમાં તેમણે અપેક્ષા કરતાં પણ વધારે સિદ્ધિ મેળવી છે. તેઓ વાજબી અને ન્યાયી લોકશાહી પ્રક્રિયા દ્વારા રાજકીય સ્થિરતા અને તમામ ભારતીયોની આર્થિક સમૃદ્ધિ માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે સમર્પિત છે. તેમનું રાજકીય વ્યક્તિત્વ વિશિષ્ટ છે. ભારતીય ઈતિહાસમાં આ તબક્કે તેમને ભારતની જેટલી જરૂર છે તેટલી જ ભારતને પણ તેમની જરૂર છે.
તેમણે એ પણ સમજવાની જરૂર છે કે માત્ર વૈશ્વિક રાજકારણમાં સફળતા મેળવવાથી નહીં, પરંતુ દેશવાસીઓની નિઃસ્વાર્થ સેવા દ્વારા જ તેઓ સતત સમર્પિત અને પ્રતિબદ્ધ રહી શકશે. દેશભરમાં દલિતો દ્વારા થઈ રહેલા વિરોધ દેખાવો તેમને આ લક્ષ્ય હાંસલ કરવાની ઉમદા તક પૂરી પાડે છે.

- જતીન્દ્ર સહા, ઈમેલ દ્વારા

એથેન્સ રામકથાનું સુંદર આયોજન

તા. ૬-૮-૧૬નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. પહેલા પાને જ ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના રાજીનામાના સમાચાર વાંચીને દુઃખ થયું. મુખ્યપ્રધાન બન્યા બાદ તેમણે ટૂંકા ગાળામાં ઘણી સેવા આપી. જોકે, રાજીનામું કેમ આપવું પડ્યું તેનું અસલ કારણ પણ તેમણે બતાવ્યું નથી. વધુમાં, આ બાબતે જ પાન-૮ પર ‘અતીતથી આજ - પરિપક્વ રાજનેતાનું અપરિપક્વ પગલું’ લખાણ છે તે વાંચ્યું. સૌ ભાઈ-બહેનો, વડીલોએ વાંચ્યું જ હશે. ફરીથી વાંચશો તો વિશેષ આનંદ આવશે.
આ જ અંકના પાન-૨૨ અને ૨૩ પર વિદ્વાન મોરારિબાપુની રામકથા એથેન્સમાં યોજાઈ તેના સમાચાર છે. ફક્ત ‘ગુજરાત સમાચાર’માં જ ફોટા સાથે વિશેષ વિગતવાર સમાચાર જોવાની વાંચવાની ખૂબ જ મજા આવી અને સંતોષ પણ થયો. આ ધાર્મિક પ્રસંગમાં ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલે હાજરી આપી અને ત્યાં પણ તેમણે ખૂબ જ માન મેળવ્યું. મેનેજિંગ એડિટર કોકિલાબહેન પણ રામકથામાં હાજર રહ્યા. વિશેષ તો આપણા માનવંતા ડોલરભાઈ પોપટ પરિવારને ખૂબ જ ધન્યવાદ અને આ ધાર્મિક પ્રસંગની ખરેખર ખૂબ જ રંગેચંગે ઊજવણી થઈ. મોરારિબાપુ સાથે સી. બી.પટેલની વિશેષ મુલાકાત થઈ અને મોરારિબાપુએ શ્રી રામ સ્તુતિનું પુસ્તક તેમને ભેટ આપ્યું. ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે આ સેવાભાવી અનુભવી સી. બી. પટેલ ’

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

ઘરમાં ગુજરાતી જ બોલવું જોઈએ

તા. ૨૭-૮-૧૬ના ‘ગુજરાત સમાચાર’ના પાન-૨૯ પર કમલ રાવનું લખાણ વાંચ્યું. માતૃભૂમિનું ઋણ ઉતારવા ઘરમાં ગુજરાતી જ બોલજો એવા શ્રી કિર્તીદાન ગઢવીના કથનને ખૂબ જ ધ્યાનમાં લેવા જેવું છે. અગાઉ એક કહેવત હતી - ઈકલમ ત્રીકલમ ચોવીસ આના, શું શા પૈસા ચાર - આ શબ્દોને ગુજરાતી કવિઓએ ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈ ગુજરાતી ભાષાને શું શા પૈસા ચારને ચોવીસ આના કર્યા.
હાલ આપણા ગુજરાતીઓ સમગ્ર દુનિયામાં વસે છે. અહીં લંડન અને લંડન બહાર ગુજરાતીઓએ વેપાર, ભણતર, રાજકારણ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ, ગુજરાતી ભાષા માટે આપણે ઘણા પાછળ છીએ. તેનું કારણ દાદા-દાદી, નાના-નાની તેમજ નવા ઉગતા યુગલો જો ઘરમાં ગુજરાતી બોલવાનું નહીં રાખે તો આપણી ભાવિ પ્રજા ગુજરાતી ભૂલી જશે અને તેનું સ્થાન ધીરે ધીરે બીજી ભાષા લઈ લેશે.
સામાજિક સંસ્થાઓએ ગુજરાતી શાળા શરૂ કરી છે પણ ત્યાં બાળકો કેટલું શીખી શકે તે કહેવું મુશ્કેલ છે. જો ઘરમાં ગુજરાતી બોલાય અને તેને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તો શું શા પૈસા ચારને ચોવીસ આના થવામાં ક્ષણભર વાર નહીં લાગે. પરમકૃપાળુ પરમાત્મા આપણી ગુજરાતી ભાષા માટે સહુને પ્રેરણા આપે તેવી પ્રાર્થના.

- ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો

‘ગુજરાત સમાચાર’ લોકપ્રિય અખબાર

યુરોપખંડના ખૂણેખૂણામાં રહેતા ગુજરાતના પ્રગતિશીલ ગુજરાતી વર્ગને સમગ્ર વિશ્વના સમાચાર પીરસતું ઈંગ્લેન્ડનું એકમાત્ર લોકલાડીલું પ્રભાવશાળી અઠવાડીક...ધરાઈ ધરાઈને વાંચવાનું મન થાય એવું રૂડી સજાવટ સાથે શુદ્ધ ગુજરાતી ભાષામાં પ્રગટ થતું એકમાત્ર અખબાર ... ‘ગુજરાત સમાચાર’.
સમાચારપત્ર વિશેષ આકર્ષણ ધરાવે છે. તેમાં વપરાતી ઈન્ક અને અક્ષરો પણ સુંદર દેખાય છે. સૌ કોઈને વાંચવાનો ઉત્સાહ પ્રેરે એવા અલકમલકના સમાચારો. આગવી કક્ષાના રાજકારણના સમાચાર, સામાજિક સમાચાર, ધાર્મિક વલણ ધરાવતા સમાચારો, ફિલ્મીરસિયાઓ માટે ફિલ્મજગતના સમાચારો, જીવનજરૂરી આરોગ્યલક્ષી લેખો, મનને પ્રફુલ્લિત કરતા હાસ્ય પ્રગટાવતા પ્રસંગો. રોજીંદા જીવનમાં ઉપયોગી વિવિધ જાહેરખબરો. ‘ગુજરાત સમાચાર’ને હાર્દિક અભિનંદન.
તંત્રી સી. બી. પટેલ અભિનંદન ઉપરાંત ધન્યવાદને પાત્ર છે. ‘ગુજરાત સમાચાર’ની અનોખી લોકપ્રિયતા એમની આગવી ધગશ, અથાગ મહેનત અને એમની આગવી પ્રતિભાનો રણકાર છે. મેનેજિંગ એડિટર તરીકે કોકિલાબહેન પટેલનો આ લોકપ્રિય અખબારની કિર્તીમાં અગત્યનો ફાળો છે.
હું એક લેખક છું. લેખક કરતાં જબરો વાચક છું અને વાચક કરતા હું ‘ગુજરાત સમાચાર’નો લાંબાગાળાનો ચાહક છું. ‘ગુજરાત સમાચાર’ને ધન્યવાદ પાઠવતા અનેરું ગૌરવ અનુભવું છું.

- ડો. એચ. વી. કેરાઈ, વેલિંગ (કેન્ટ)


comments powered by Disqus