સુરત, નવસારી, લીમખેડા, ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો ૬૭મો જન્મદિવસ દક્ષિણ ગુજરાતના નવસારીમાં દિવ્યાંગો સાથે મનાવ્યો હતો. નવસારી આજે દિવ્યાંગોની સંવેદનાનું શહેર બની ગયું છે. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે દિવ્યાંગોને દયાભાવની નહી, પરંતુ સ્વાભિમાનની જરૂર છે. વડા પ્રધાન દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કાર્યક્રમને સંબોધતાં ભાવુક થઇ ગયા હતા.
૧૭ સપ્ટેમ્બરે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરના ૧૧,૩૩૦ દિવ્યાંગોને વ્હીલચેર, હિયરિંગ કિટ સહિતના સાધનોનું વિતરણ કરાયું હતું. કેમ છો? મજામાં? ધંધા-પાણી ઠીક છે ને... જેવા શબ્દો સાથે સંબોધનનો આરંભ કરતા મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૦ વર્ષમાં હું એવો ભાગ્યશાળી વડા પ્રધાન છું જેને દિવ્યાંગ બાળકોની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સંસ્કારીનગરી, વાંચનનગરી નવસારી આજે દિવ્યાંગો માટેની સંવેદનાનું શિરમોર બની ગઈ છે. આઝાદીનાં ૭૦ વર્ષમાં દેશના વડા પ્રધાન દિવ્યાંગોના કાર્યકર્મમાં હાજર રહ્યા હોય તેવી આ પહેલી ઘટના છે.
મોદીએ કહ્યું હતું કે રિયો ઓલિમ્પિકમાં દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું એ જ પ્રમાણે પેરાલિમ્પિકમાં ચાર દિવ્યાંગોઓએ મેડલ જીત્યા. દિવ્યાંગોને દયાભાવ જોઇતો નથી. તે સ્વાભિમાનથી જીવવા માગે છે. આપણા કરતાં પણ અનેક શક્તિ તેનામાં પડી છે. તે બરાબરીનો વ્યવહાર માગે છે. આઝાદી બાદ દિવ્યાંગો માટે ફક્ત ૫૭ કેમ્પ થયા હતા જ્યારે છેલ્લાં અઢી વર્ષમાં ૪૦૦૦ કરતાં વધારે કેમ્પ થયા છે. દેશના દિવ્યાંગો અને કરોડો માતાઓના આશીર્વાદ મારી સાથે છે. આ આશીર્વાદ થકી પાયામાં પરિવર્તન કરવાનું અઘરું કામ હાથ પર લીધું છે. ગુજરાતનાં લોકોએ મને અઘરામાં અઘરાં કામ કરવા માટે જ ઘડયો છે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનાં લોકોએ દેશના પ્રધાન મંત્રી-પ્રધાન સેવકનું ઘડતર કર્યું છે. તમે મને મોટો કર્યો છે, તમે મને ઉછેર્યો છે. માનવતા, સંવેદના, સદ્ભાવના, સંસ્કાર આ બધું ગુજરાતનાં લોકોએ મને આપ્યું છે. હું માથું નમાવીને આપ સૌને નમન કરું છું. હવે જવાબદારી મારી છે કે દિલ્હીમાં હોઉં કે વિશ્વના કોઇ પણ ખૂણે... તમે આપેલા સંસ્કારને ઊની આંચ નહીં આવે. તમે મારું જે ઘડતર કર્યું છે તેને અનુરૂપ ૧૨૫ કરોડ દેશવાસીઓની સેવામાં જાત ઘસી નાખીશ.
ભારતમાં હવે હોતી હૈ ચલતી હૈ, ચલેગા, દેખેગા એવું નહીં ચાલે. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે વિશ્વ ભારત પાસે જે અપેક્ષા રાખી રહ્યું છે ત્યારે સવાસો કરોડ દેશવાસીઓએ આ તક ઝડપી લેવાની તૈયારી રાખવી પડશે. ગુજરાતે અનેક ક્ષેત્રમાં નવી ઊંચાઇ પ્રાપ્ત કરી છે. મને ખાતરી છે કે ગુજરાતના જન જનનો વિશ્વાસ, સામૂહિક શક્તિ સમગ્ર ભારતનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે ઉદ્દીપકનું કામ કરતી રહેશે.
‘ખેડૂતોની આવક બમણી કરાશે’
ગુજરાતના ડેરીઉદ્યોગે નામના કાઢી છે ત્યારે હવે મધમાખીઓના ઉછેર દ્વારા સહકારી ડેરીઓ મધ એકત્ર કરવા આગળ આવે. ડેરી ક્ષેત્રે મોડેલ બનેલી સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓમાં લોકો દૂધ ભરે છે તેમ મધ ભરવાનો પ્રયોગ કરે. મધના પ્રોસેસ દ્રારા ગુજરાતના ખેડૂત લાભાર્થીઓની આવકમાં વ્યાપક વધારો થશે. આદિવાસીઓને સિંચાઇની સુવિધા મળી રહી છે તેથી આગામી સમયમાં ફૂલોની ખેતી દ્વારા આગળ આવશે. દેશના ખેડૂતોની આવક આઝાદીની ૭૫મા વર્ષની ઉજવણી વખતે બમણી કરાશે એમ વડા પ્રધાને જણાવ્યું હતું.
આદિવાસી જિલ્લા દાહોદના લીમખેડા તાલુકાના હાથીધરા ખાતે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સિંચાઇ અને પાણી પુરવઠા યોજનાનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે ૧૯૫૭માં ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ પડયું ત્યારે કુદરતી સ્ત્રોત પૂરતા ન હોવાથી, ઉદ્યોગો ન હોવાથી તથા પાણી પણ ન હોવાથી ગુજરાત પોતાના પગે વિકાસ સાધી નહિ શકે તેવા સંશયો રજૂ થયા હતા.
જોકે પડકારોને પડકારીને ગુજરાતે વિકાસની નવી ઉંચાઇ પ્રાપ્ત કરવાનો નવો પ્રયોગ કર્યો છે. મારી સરકાર ગરીબોને સર્મિપત છે. વિકાસની નવી દિશા પ્રાપ્ત કરવા માટે ખેડૂતને તેના ખેતરમાં પાણી મળે તો માટીમાંથી સોનું પકવવાની તાકાત ધરાવે છે તેથી કૃષિ, સિંચાઇ યોજનાઓનું ભગીરથ કામ ઉપાડયું છે. ગુજરાતમાં દસકાઓમાં રૂ. ૯૦૦૦ કરોડ જ આદિવાસી માટે ખર્ચાયા હતા. છેલ્લા દસકામાં જ વન બંધુ યોજનામાં રૂ. ૬૦,૦૦૦ કરોડનો ખર્ચ થયો છે.
મોદીએ જણાવ્યું હતું કે, તેઓ ક્યારેય જન્મદિન ઉજવતા નથી, પણ આજે તેમને અહીં વનબંધુઓ સાથે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે, એ માટે તેઓ ધન્ય છે. આ તેમનું સૌભાગ્ય છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લાના ભાજપના કાર્યકરોએ ૬૭ કિલો ચાંદીની કિંમતનો રૂ. ૩૦.૧૫ લાખનો ચેક મોદીને આપ્યો હતો. જે મોદીએ કન્યા કેળવણી માટે અર્પણ કર્યો હતો.
વનવાસી ક્ષેત્ર માટે મહત્ત્વાકાંક્ષી યોજના
વડા પ્રધાન અને મુખ્ય પ્રધાને વનવાસી વિસ્તારો માટે વિકાસની યોજનાઓની કરોડો રૂપિયાની મહત્ત્વાકાંક્ષી અને ચૂંટણીલક્ષી જાહેરાતો કરી હતી. વડા પ્રધાને રૂ. ૪૮૦૦ કરોડની સિંચાઈ યોજનાની જાહેરાત કરી તો મુખ્ય પ્રધાને રૂ. ૬૦ હજાર કરોડની વિવિધ યોજનાઓની આગામી સમયમાં શરૂઆત કરવાની ઘોષણા કરી.
આ સિંચાઈ યોજના કાર્યાન્વિત થતાં દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાના ૨૪,૭૭૫ એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા અને પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ થશે.
ડાંગની ગૌરીએ દિલ જીત્યાં
ડાંગની ગૌરી સાદુલે વડા પ્રધાન સહિત હાજર તમામ લોકોના દિલ જીતી લીધા હતા. કિટ વિતરણ કાર્યક્રમ આગળ ધપી રહ્યો હતો ત્યારે ગૌરી પણ તેમના સ્વજન સાથે કિટ લેવા પહોંચી હતી. વખતે નાની બાળાને વડા પ્રધાને ઉંચકી લીધી હતી અને માઈક સુધી લઈ આવી માઈક પાસે બેસાડી દીધી હતી. તેને રામાયણની વાત કરવાનું કહેતા ગૌરીએ રાજા દશરથ તથા ભગવાન રામના જીવનચરિત્રની રામાયણની વાતો કરી હતી. જે સાંભળી સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. વડા પ્રધાન પણ તેનાથી પ્રભાવિત થઈ ગયા હતા. અન્ય દિવ્યાંગોને પણ તેઓ સ્ટેજ પર ટ્રાઈસિકલ સુધી દોરી ગયા હતા.
ફિજીમાં પણ નવસારી...
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે થોડાક સમય પહેલાં હું ફિજી ગયો હતો તેના એરપોર્ટની બહાર ગામનું નામ નવસારી વાંચ્યું. તેનું કારણ એ હતું કે ૧૨૫ વર્ષ પહેલાં નવસારીના લોકો ફીજી ગયા તેની છબી ત્યાં આવી છે, તેના કારણે ફિજીના લોકો નવસારીને ઓળખે છે. નવસારીની આગવી ઓળખ અને અને તાકાત છે, અહીંનો માણસ મોજીલો રહ્યો છે.

