દસકાઓથી અલગતાવાદ અને આતંકવાદથી પીડાતા જમ્મુ અને કાશ્મીરમાં વાસ્તવિક અંકુશ હરોળને અડીને આવેલા ઉરીમાં લશ્કરી છાવણી પર થયેલા આતંકી હુમલામાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયાં. સહજ છે કે આ આતંકી કૃત્યથી ભારતીયોમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે. દરેક ભારતીયના મોઢે એક જ સવાલ છે કે આતંકવાદીઓને પાળી-પોષીને ભારત મોકલનારા પાકિસ્તાન સામે પગલાં લેવા માટે આવા કેટલા હુમલાની રાહ જોવાની છે? પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાનું કામ આખરે ભારત ક્યારે કરશે? ઉરીમાં આતંકી હુમલો થયાના ગણતરીના કલાકોમાં નેતાઓનાં રાબેતા મુજબના નિવેદનો આવવાં લાગ્યા હતાંઃ આ હુમલાને અમે વખોડી કાઢીએ છીએ... આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ... આ કાયરતાપૂર્ણ કૃત્ય છે... જવાબદારો સામે પગલાં લેવાશે... વગેરે વગેરે. ભારતીયો વર્ષોથી આ પ્રકારનાં નિવેદનો સાંભળતાં રહ્યા છે. પઠાણકોટ એરબેઝ પર હુમલો થયો ત્યારે પણ આવા જ નિવેદનો થયા હતા ને... પણ ફરક શું પડ્યો? ફરી એક વાર આતંકીઓ તેમનો બદઇરાદો પાર પાડવામાં સફળ રહ્યા. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં કાશ્મીરમાં સુરક્ષા દળના જવાનો અને તેના મથકો પર થયેલા નાના-મોટા હુમલાનો તો કોઇ હિસાબ જ નથી. ખરેખર તો પઠાણકોટ હુમલા પછી તરત જ ઈંટનો જવાબ પથ્થરથી આપી દેવાની જરૂર હતી. એમ ૬૦ ટકા ભારતીય માને છે. આવા ત્રાસવાદી હુમલા સામે હવે માત્ર બદલો લેવા પુરતી કાર્યવાહી કરવાનો કોઇ અર્થ નથી. માત્ર નિવેદનોમાં હાકોટા-પડકારા કરવાથી પાકિસ્તાની શાસકો અને તેના પિઠ્ઠુઓ જેવા આતંકવાદીઓની આંખ ખૂલવાની નથી.
કાશ્મીરમાં આતંકી બુરહાન વાની લશ્કરી અથડામણમાં ઠાર મરાયો છે ત્યારથી ખીણ પ્રદેશ સળગી રહ્યો છે. આ અશાંતિમાં પાકિસ્તાન-પ્રેરિત તત્વોનો હાથ હોવાનું જગજાહેર છે. પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદીઓ અને ભારતમાં સક્રિય અલગતાવાદીઓને તેનું નાપાક શરણું જગજાહેર છે. ભારત એક યા બીજા પ્રકારે મિત્રતાનો હાથ લંબાવતું રહે છે અને બદલામાં પાકિસ્તાન આતંકવાદીઓ ઘુસાડીને ભારતીયોનું લોહી વહાવતું રહે છે. પઠાણકોટ હુમલો તો વળી એવા સમયે થયો હતો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન જઇને વડા પ્રધાન નવાઝ શરીફ સાથે દોસ્તીનો હાથ મિલાવીને આવ્યા હતા. ઉરીમાં આર્મી કેમ્પ પરનો હુમલો પઠાણકોટ એરબેઝ હુમલા સાથે ઘણી સામ્યતા ધરાવે છે. અહીં પણ આતંકવાદીઓએ અંધારાનો લાભ લઇને લશ્કરી છાવણીને નિશાન બનાવી છે. આ હુમલો ભારતની સુરક્ષા વ્યવસ્થા સામે તો સવાલ ઉભા કરે છે, પરંતુ આનો એક અર્થ એવો પણ થયો કે સંબંધિત સત્તાધીશોએ પઠાણકોટ હુમલામાંથી કોઇ બોધપાઠ લીધો નથી.
આ પ્રકારની આતંકવાદી ઘટનાઓ સુરક્ષા દળોની સાથોસાથ દેશની જનતાનું મનોબળ પણ કમજોર કરતી હોય છે. હવે સમય આવી ગયો છે કે ચેતવણી ઉચ્ચારવાના બદલે આતંકવાદીઓ અને તેને પોષનારા પાકિસ્તાનને તે સમજે તેવી ભાષામાં જવાબ આપવામાં આવે. માત્ર આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પાકિસ્તાનની નાપાક હરકતોને ખુલ્લી પાડવાથી કામ નહીં ચાલે. મોદીએ જ્યારથી બલૂચિસ્તાનમાં માનવાધિકારોના ભંગ અને આઝાદ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારથી પાકિસ્તાન ભારે મૂંઝવણમાં મૂકાયું છે. તે રોજેરોજ ભારત સામે ઝેર ઓકતા નિવેદન કરતું રહે છે, અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ દ્વારા ઉરીમાં થયેલો આતંકી હુમલો પાકિસ્તાનના સહયોગ વગર શક્ય જ નહોતો એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે.
આ સંજોગોમાં ભારત સરકારે એવું કોઇ આકરું પ્રતિરોધક પગલું ભરવું જોઇએ કે જેથી પાકિસ્તાનને ત્રાસવાદી હુમલો કરતાં જ નહીં, ભારત વિરુદ્ધ નિવેદન કરતાં પણ ડર લાગવો જોઇએ. આ પગલું સીધી લશ્કરી કાર્યવાહી પણ હોય શકે કે પછી પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં દિવસરાત ધમધમતા આતંકી તાલીમી છાવણીઓ પર હુમલા હોય શકે. અથવા તો પછી અન્ય કોઇ કાર્યવાહી હોઇ શકે છે. ભારતે આ માટે વિશ્વના અન્ય દેશો પાસેથી બોધપાઠ લેવો રહ્યો. અમેરિકા, રશિયા, ઇઝરાયલ જેવા દેશો પોતાની ધરતી પર નાનુંઅમસ્તું અટકચાળું કરનાર દુશ્મન દેશ સામે પગલાં લેતી વેળા સંયમ કે આંતરરાષ્ટ્રીય લાજશરમને નેવે મૂકી દેતાં જરા પણ ખચકાતા નથી. જોકે, હાલતના તબક્કે ઈંટનો જવાબ પથ્થરથી આપવાને બદલે મુત્સદ્દીગીરીનો માર્ગ લેવાનો ભારત સરકારનો નિર્ણય વધુ વ્યાજબી ગણાય છે.
