ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ (વદ એકમ)થી પિતૃ તર્પણ કરતા શ્રાધ્ધની શરુઅાત ૧૭ સપ્ટેમ્બર શનિવારથી થઇ ગઇ છે. સોળ શ્રાધ્ધ પછી અાસો સુદ એકમ (૧, અોકટોબર)થી નવરાત્રિ પર્વનો
પ્રારંભ થશે. આસો માસ અાવે અને માઇભક્તોના મનમાં ગૂંજવા લાગે છે, "અાવે છે સોણલા મને અાઠમની રાતના, સૂણ સખી ગરબો ગાઉ, માઝમની રાતમાં". નવરાત્રી એટલે મા જગદંબાની આરાધનાનું પર્વ. જગતજનની, અાદ્યશક્તિ, સચરાચર મા જગદંબાની પૂજા-અારાધના થાય છે.
અા નવદિવસ-નવ રાતોના અા મહાપર્વ દરમિયાન ધર્મપ્રેમી શ્રધ્ધાળુઅો શક્તિ સ્વરૂપા મા જગદંબાના ગુણલા ગાતા ગરબા-રાસમાં ઉમંગે ગરબે ઘૂંમે છે અને અારતી-અર્ચના કરે છે. ગુજરાતમાં નવરાત્રિનું અનેરું મહાત્મ્ય હોય છે. પાટનગર લંડન સહિત યુ.કે.ના તમામ નગરો, શહેરોમાં પણ ઉમંગભેર નવરાત્રિ મહોત્સવની ઉજવણી થાય છે. મા જગદંબાની અસીમ કૃપા મેળવવા સામાજીક સંસ્થાઅો અને મંદિરો દ્વારા ઠેર ઠેર નવરાત્રિના ગરબાનું અાયોજન થાય છે.
ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. આપણું સામાજિક માળખું, ઉત્સવો, પરંપરાઓ, તહેવારો વગેરે સામાજિક અને ધાર્મિક રીતે વિશિષ્ટ પ્રભાવ પાડનારા હોય છે. આપણે ત્યાં ઉજવાતાં પર્વોમાં નવરાત્રિનું અનેરું મહત્ત્વ છે. આખા વર્ષમાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. ચૈત્રી નવરાત્રિ ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે જ્યારે આસો નવરાત્રિ વર્તમાન સમયમાં એક ઉત્સવ તરીકે વધારે પ્રચલિત બની છે.
નવરાત્રિ ઉજવવા પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. મહિષાસુર નામનો એક રાક્ષસ દેવો અને પૃથ્વીલોકના મનુષ્યોને ખૂબ જ કષ્ટ આપતો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે દેવતાઓનું બધું જ છીનવી લીધું હતું. દેવતાઓ આવી સ્થિતિમાં નિઃસહાય અને ભયભીત બની ગયા હતા. દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા. અા ત્રિદેવ દેવતાઅોની વાત જાણીને મહિષાસુર પર કોપાયમાન થયા અને તેમના પુણ્યપ્રકોપમાંથી એક દિવ્યપૂંજ પ્રગટ્યો જેમાંથી દૈવી શક્તિનું નિર્માણ કર્યું. સૌ દેવતાઓએ પોતાની શક્તિઓ અને શસ્ત્રો તે દેવીને આપ્યાં. આમ આ દેવી મહાશક્તિ બની ગયાં. મહાશક્તિએ નવ દિવસ અને નવરાત સુધી વિકરાળ રાક્ષસ મહિષાસુર સાથે ભીષણ યુદ્ધ કર્યું અને તેને હણી નાખ્યો. આ રીતે આસુરી વૃત્તિઓને ડામીને દૈવી શક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો ત્યારબાદ દેવો નિર્ભય બન્યા. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામે રાવણ સામે યુદ્ધ કરતાં પહેલાં શક્તિની આરાધના કરી હતી અને અાસો સુદ દશમે આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો.
શક્તિ ઉપાસક શ્રી સ્વામી ગણેશાનન્દજી જણાવે છે કે, “આ નવ દિવસોમાં બને તેટલી શ્રધ્ધાથી શક્તિની આરાધના કરવી જોઈએ. બની શકે તો સમય કાઢીને અાદ્યશક્તિ માતાજી, પોતાના કુળદેવીની પૂજા ધૂપ, દીવો, અગરબત્તી, કંકુ, ચોખા વિગેરેથી કરવી. માજગદંબાની સ્તુતિ, સ્તવન, ભજન, માળા વિગેરેથી ભક્તિ કરવી. જો પૂજા માટે સમય ના મળી શકે તેમ હોઈ તો માનસિક પૂજા પણ કરી શકાય. જયારે પણ સમય મળે ત્યારે માનસિક પૂજા કરી શકાય છે. એ માટે માતાજીના ફોટા, પૂજા સામગ્રીની જરૂર પડતી નથી. જેમકે તમે નાસ્તો કરવા કે જમવા બેસો ત્યારે મનથી માતાજીને પ્રાથના કરી ને ભોજન ધરાવી શકાય. અને ભોજન પ્રસાદ બની જાય છે જે આપણામાં ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ અને સત્વગુણની વૃદ્ધિ કરે છે.”
નવરાત્રિમાં માતાજીની ઉપાસના ભક્તિ કે ગુણગાન ગાવાથી માતાજીની અસીમ કૃપા આપણા કુટુંબ ઉપર થાય છે. સમગ્ર વર્ષ દરમિયાન દૈવીશક્તિ પ્રાપ્ત થાય છે, જેથી આપનું તથા ઘરનાં સૌનું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલે માની સ્તુતિ કરતાં "સંજીવની" કહે છે કે, "રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમેં વૃધ્ધિ દે બાગબાની, હ્દયમેં જ્ઞાન દે, ચિત્તમે ધ્યાન દે અભય વરદાન દે શંભુરાણી, દુ:ખ કો દૂર કર સુખ ભરપૂર કર અાશ સંપૂર્ણકર દાસ જાણી, સજ્જન સહિત દે, કુટુબ સો પ્રીત દે જંગ મેં જીત દે મા ભવાની મા, જંગ મેં જીત દે શ્રી ભવાની". નવરાત્રીના નવ દિવસ નવદુર્ગાનાં નવ સ્વરૂપની પૂજા-અર્ચનાનું ઘણું મહત્ત્વ છે. તે શક્તિની આરાધનાનું પર્વ છે. ધર્મશાસ્ત્રો મુજબ અષ્ટસિદ્ધિ અને નવનિધીની પ્રાપ્તિ માટે નવરાત્રીથી બીજું કોઇ શ્રેષ્ઠ પર્વ નથી. નવ દિવસ નવ દેવીની આરાધના કરીને કુંડલીની પણ જાગૃત કરી શકાય છે. નવદુર્ગાનાં પૂજન-અર્ચન, જપ-તપ, વ્રત-અનુષ્ઠાન જ ઉત્તમ ઉપાય છે. આ નવ દેવીઓ આ મુજબ છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી એમ અા નવદુર્ગાનું ભક્તિ અને શ્રધ્ધાપૃ્વક પૂજન-અર્ચન અને અારાધના કરવાથી તન, મન અને ધનનું સુખ-શાંતિ મળે છે. આદ્યશક્તિની પૂજા-આરાધના કરવા માટે જવારા વાવીને તેનું પૂજન કરવું જોઇએ. નવ દિવસ સુધી સાત ધાન્યના જવારા વાવી ષોડશોપચારોથી તેનું પૂજન કરવું જોઇએ. શક્ય હોય તો જપ-તપ-ઉપવાસ કરવાં જોઇએ. નવરાત્રીમાં નીચે મુજબના મંત્રની માળા તેમજ વિવિધ સ્તોત્રના પાઠ કરી શકાય.
• ૐ એં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચૈ|
• ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈ નમ:
• મહાકાલ્યૈ નમઃ
• વિધ્યાવન્તમ્ યશસ્વન્તમ્ લક્ષ્મીવન્તમ્ જનમકુરુ| રૂપમ્ દેહી જયમ્ દેહી ભાગ્યમ્ ભગવતી દેહી મે||
• દુર્ગા સપ્તશતી પાઠ, ચંડીપાઠ,શ્રી સૂક્ત, શ્રી સિદ્ધ કુંજીકા સ્તોત્ર, કુળદેવીની પૂજા, કુમારિકાઓની પૂજા કરી વસ્ત્ર, દક્ષિણા તથા ભોજન કરાવવું તેમજ દિવસ અખંડ દીપ રાખવો પરંતુ અત્રેના કારપેટ યુક્ત ઘરમાં ખૂબ કાળજી રાખવી જરૂરી છે.

