અહેવાલઃ કોકિલા પટેલ
બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા "દીકરીઅોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો" એવી સૌ પ્રથમવાર જાહેર જનતાજોગ અપીલ કરતાં એક શાનદાર ફેશન શોનું અાયોજન ૧૨ સપ્ટેમ્બરે અોલ્ડવીચ ખાતે વલ્ડોર્ફ હિલ્ટન હોટેલમાં કરવામાં અાવ્યું હતું. GMSP ફાઉન્ડેશનના સહયોગ સાથે યોજાયેલ અા "રાઇઝ અોન ધ રન વે" ફેશન શોમાં લંડનની અગ્રગણ્ય ફેશન ડિઝાઇનર્સ રેઇશ્મા એન્ડ લૂસી ચોઇના લેટેસ્ટ ડિઝાઇનના પોશાકનું કેટવોકીંગ કરાયું હતું. એસિડ એટેકનો ભોગ બનેલી બે યુવતીઅો ભારતની લક્ષ્મી અને લંડનની અાડેલેએ પણ મોડેલ યુવતીઅો સાથે કેટવોકિંગ કરી યુવતીઅોને-મહિલાઅોને થતા અત્યાચાર અને શોષણ બાબત સમાજને જાગૃત થવા અપીલ કરી હતી. બ્રિટિશ એશિયન ટ્રસ્ટના એકઝીકયુટીવ ડાયરેક્ટર હિતેન મહેતા જણાવે છે કે, "સાઉથ એશિયામાં નિ:સહાય, ગરીબ, જરૂરતમંદોની સહાય કાજે બ્રિટિશ એશિયન ટ્રસ્ટ ખૂબ જ સક્રિય છે. ૨૦૦૭માં માનનીય પ્રિન્સ ચાર્લ્સ અને બ્રિટિશ એશિયન બિઝનેશ કોમ્યુનિટીના અગ્રણી દીર્ઘદ્રષ્ટાઅો દ્વારા બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સ્થાપના કરવામાં અાવી હતી. સાઉથ એશિયામાં હજારો દીકરીઅો એવી છે જે અત્યંત ગરીબી હેઠળ જીવે છે અને એમની પાસે કોઇ જાતનું શૈક્ષણિક જ્ઞાન અથવા તો નિપૂણતાનો અભાવ હોય છે. કેટલાક પછાત ગામડાઅોમાં ૧૦૦માંથી ૯૪ જેટલી સ્ત્રીઅો કામવિહોણી હોય છે અને જે કામ કરે છે તેમને દિવસભરનું ૧૭ પેન્સ જેટલું વેતન મળે છે.”
બ્રિટિશ એશિયન ટ્રસ્ટ અને GMSPના CEO સોનલ સચદેવ પટેલ કહે છે કે, “GMSP ફાઉન્ડેશન સાઉથ એશિયામાં શારિરીક હુમલા અથવા માનસિક, શારિરીક અત્યાચારનો ભોગ બનેલી સમાજની શોષિત, નિ:સહાય યુવતીઅો, મહિલાઅો અને એમના પરિવારની પડખે રહી સહાયરૂપ બનવા ઇચ્છે છે. હિતેન મહેતાએ જણાવ્યું કે, “Give a Girl a future” કેમ્પેઇન દ્વારા સાઉથ એશિયાની ૧૦૦,૦૦૦ જેટલી જરૂરતમંદ, નિ:સહાય યુવતીઅો, મહિલાઅો અને એમના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનવાનું ધ્યેય રાખે છે. ૭ ડિસેમ્બર સુધીમાં યુ.કેમાંથી જેટલું ડોનેશન એકત્ર થશે એની સામે યુ.કે.સરકાર એટલી જ રકમ ઉમરશે. GMSP ફાઉન્ડેશનના સ્થાપક શ્રી રમેશભાઇ સચદેવ અને એમના પત્ની શ્રીમતી પ્રતિભાબેન સચદેવ દ્વારા ૨૦૦૬માં ભારત અને યુ.કે.ના સમાજમાં નિ:સહાય, દુ:ખી જરૂરતમંદો કાજે અા સેવાલક્ષી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં અાવી છે. અા કાર્યક્રમમાં ટી.વી અને રેડીયો પ્રેઝન્ટર જેની ફાલ્કોનર, એકટ્રેસીસ પ્રિયા કાલીદાસ, લોર્ડ ડોલર પોપટ, લોર્ડ જીતેશ ગઢિયા, જાણીતા અગ્રણી વિજયભાઇ તથા સ્મિતાબહેન પટેલ (વેમેડ હેલ્થકેર), સી.બી પટેલ (ગુજરાત સમાચાર, એશિયન વોઇસ), હાર્લી સ્ટ્રીટના પ્લાસ્ટીક સર્જન ડો. તપન પટેલ સહિત ઘણા બ્રિટિશ, ભારતીય અગ્રગણ્યો ઉપસ્થિત રહ્યા હતા.

