ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવના પરિવારમાં ઉઠેલો રાજકીય ચક્રવાત શમી રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે, પણ આ ‘યાદવાસ્થળી’થી રાજકીય પ્રતિસ્પર્ધીઓ ખુશખુશ છે. સવિશેષ તો તેમના કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડા માયાવતી. તેઓ માને છે કે શાસક પરિવારમાં સત્તા માટે જામેલી યાદવાસ્થળી તેમના પક્ષને ઓછામાં ઓછા ૨૦ ટકા મુસ્લિમ મત અવશ્ય અપાવશે. સત્તાધારી સમાજવાદી પાર્ટી (સપા)ના વિવાદથી માયાવતીને મુસ્લિમ સમુદાય વચ્ચે પોતાનું સ્થાન મજબૂત બનાવવાનો અને બસપાને ભાજપના સર્વશ્રેષ્ઠ વિકલ્પ તરીકે રજૂ કરવાનો સોનેરી મોકો મળી ગયો છે. ગત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ માયાવતીએ કબૂલ્યું હતું કે ૭૦ ટકા મુસ્લિમ મત સપાના ભાગે ગયા હોવાથી તેમને નુકસાન થયું છે. માયાવતીને ભરોસો છે કે આ વખતે તેમને ૨૧ ટકા દલિત મતો કોઇ પણ સંજોગોમાં મળશે. સાથોસાથ જ તેઓ લઘુમતી સમુદાય પાસેથી પણ આટલા જ મત મળવાની આશા રાખી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૭ અને ૨૦૧૨ના વિધાનસભા ચૂંટણી વેળા બસપા અને સમાપ બન્નેને માત્ર ૩૦ ટકા મતથી બહુમતી સાંપડી હતી.
રાજ્યમાં મુસ્લિમ મતદાતા પરંપરાગત રીતે સમાજવાદી પાર્ટીનો સમર્થક રહ્યો છે, પરંતુ ૨૦૧૨ બાદ રાજ્યમાં સાંપ્રદાયિક હિંસાઓનું પ્રમાણ વધ્યું હોવાથી મુસ્લિમ સમુદાયનો આ પક્ષ પરથી મોહભંગ થઇ ગયો હોય તેવું લાગે છે. આનો લાભ માયાવતીને મળવાની પૂરી સંભાવના છે. આ વાત સુપેરે સમજી ગયેલાં માયાવતી મુસ્લિમ મતદારોને આકર્ષવાનો એક પણ મોકો ચૂકી રહ્યા નથી. સહરાનપુરમાં યોજાયેલી તેમની રેલીને મળેલા જોરદાર પ્રતિસાદથી માયાવતીનો મનસૂબો સાકાર થઇ રહ્યાનું જણાય છે.
લોકસભાની ગત ચૂંટણી વેળા ભાજપે ૮૦માંથી ૭૧ બેઠકો જીતીને રાજ્યમાં જ્વલંત દેખાવ કર્યો હતો. આના પરથી રાજકીય પંડિતોએ અનુમાન તારવ્યું હતું કે વિધાનસભાની આગામી ચૂંટણીમાં પણ દલિત અને લઘુમતી સમુદાયના મતો મેળવવાની દોડમાં ભાજપ જ સૌથી આગળ રહેશે. જોકે છેલ્લા કેટલાક મહિનાઓમાં આ બન્ને સમુદાયના લોકો પર બનેલી હુમલાની નાની-મોટી ઘટનાઓથી માયાવતીને આ સમુદાયોને પોતાના ભણી વાળવાનો અવસર મળ્યો છે. આગામી ચૂંટણી બાદ રાજ્યમાં ક્યા પક્ષની સરકાર રચાશે તેની ચાવી દલિત અને લઘુમતીઓના હાથમાં છે. બસપાના શાસનકાળ દરમિયાન રાજ્યમાં કાનૂન-વ્યવસ્થાની જાળવણીનો રેકોર્ડ સારો રહ્યો હોવાનો દાવો કરીને માયાવતી લઘુમતી સમુદાયને આકર્ષવામાં સફળ રહ્યા તો પણ પક્ષના દેખાવમાં નોંધપાત્ર ફરક જોવા મળશે તેમાં બેમત નથી.
