આપણી યુવા પેઢી ધાર્મિક – સામાજીક સંસ્થાઅો સાથે જોડાય તે જરૂરી: રમણભાઇ બાર્બર

કમલ રાવ Wednesday 22nd June 2016 08:33 EDT
 
 

- કમલ રાવ
'આપણા ધર્મ અને સંસ્કૃતિ સામે પડકારો ઉભા થઇ રહ્યા છે ત્યારે આપણે સંપ્રદાયોમાં રહીને પણ સનાતન ધર્મને વળગી રહેવું જોઇએ તેમજ મોટા પ્રમાણમાં આપણી યુવા પેઢીને ધાર્મિક – સામાજીક - શૈક્ષણિક સંસ્થાઅો સાથે જોડી આપણા મંદિરો, સંસ્થાઅો અને સમુદાયનો વિકાસ કરશું તો જ આપણે સનાતન મુલ્યોને જાળવી શકીશું. આપણું દાન આ દેશમાં જ વડિલો, બાળકો અને મહિલાઅોના કલ્યાણ માટે કામ કરતી આપણી પોતાની સંસ્થાઅોમાં અપાય તે જરૂરી છે' એમ એક મુલાકાતમાં લેસ્ટરના જાણીતા અગ્રણી અને સનાતન મંદિર, લેસ્ટરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રમણભાઇ બાર્બર MBE DL એ જણાવ્યું હતું.
મંદિરને સમાજ સેવાનું માધ્યમ બનાવી આપણા વડિલો, યુવાનો અને બાળકો માટે ધર્મ, શિક્ષણ અને કેળવણીની અનેક તક પૂરી પાડનાર લેસ્ટરના અગ્રણી સામાજીક કાર્યકર શ્રી રમણભાઇ બાર્બરને ની ખાસીયત એ છે કે તેમણે પોતાની સમાજ સેવાનો વારસો પોતાના સંતાનોને આપવાની સાથે સાથે જ અન્ય નવયુવાનોને પ્રેરણા આપીને આગળ કર્યા છે. જે સમુદાયે પોતાની અોળખ અને વિકાસ માટે વિપુલ સંઘર્ષ કર્યો છે તે લિંબચીયા - વાળંદ સમાજના મોભી રમણભાઇ બાર્બરની આ સફળતામાં તેમના પરિવાર, સાથીદાર સહયોગીઅો અને સ્વજનનો મહામુલો ફાળો છે.
માત્ર ૨૪ વર્ષની વયે સામાજીક સેવાના ક્ષેત્રે પગરણ માંડનાર રમણભાઇ અને તેમના સેવા કાર્યોથી ભાગ્યે જ કોઇ ગુજરાતી અજાણ હશે. આથી તેમના વિષે 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઇસ' ભારતના અનેક અખબારોમાં ઘણું લખાયું છે. કાઉન્સિલ અોફ ફેઇથ, ગુજરાત હિન્દુ એસોસિએશન, લેસ્ટર હિન્દુ ફેસ્ટીવલ કાઉન્સિલ, નેશનલ કાઉન્સિલ અોફ હિન્દુ ટેમ્પલ યુકે સહિત બીજી મહત્વની સંસ્થાઅોમાં માર્ગદર્શન અને અન્ય સેવા કાર્યો કરતા રમણભાઇની અલગ જ માહિતી અેને વિચારો ધરાવતી મુલાકાત લેવાઇ હતી.
રમણભાઇએ મુલાકાત આપતાં જણાવ્યું હતું કે 'મારા મતે સુખની વ્યાખ્યા છે મારો પરિવાર, સંગઠીત સમાજ અને તંદુરસ્તી. આપણે સૌ આપણી સંસ્કૃતિ અને ધર્મને જાળવી રાખીએ તે ખૂબજ મહત્વનું છે. સંસ્કૃતમાં શ્લોક છે ને કે "સર્વે ભવન્તુ સુખીના...." બસ મારે સૌને સુખી જોવા છે. આપણી જુની પેઢીઅોએ પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખી છે, હવે આગામી પેઢીએ તે જાળવવાના છે અને તેને માટે તેમણે અથાક પ્રયત્નો કરવા જ પડશે.'
સંપ્રદાયોના વધતા ચલણ અંગે શ્રી રમણભાઇએ જણાવ્યું હતું કે 'ભલે વિવિધ સંસ્થાઅો અને સંપ્રદાયો પોતાની માન્યતા જાળવી રાખે પરંતુ તેઅો સનાતન ધર્મના મધ્ય બિંદુને અનુસરે તે જરૂરી છે. બીજાના ધર્મને આદર આપો પણ પોતાના ધર્મને જાળવી રાખો તે ગીતા સંદેશને ભુલવો જોઇએ નહિં.
લાગલગાટ ૪૫ વર્ષ સુધી રોજ સાંજે ૫થી ૯નો સમય મંદિરને આપનાર રમણભાઇએ સનાતન મંદિર, લેસ્ટર સામે કોઇ પડકાર છે તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે 'સનાતન મંદિર, જુના દેવળમાંથી બનાવેલું મંદિર છે. ૧૯૯૩માં અમે શિખરબધ્ધ મંદિર બનાવવાનો વિચાર કર્યો હતો. પરંતુ એકતાના આભાવ અને વિચારોની વિભીન્નતાના કારણે તેમ થઇ શક્યું નહતું. મારૂ સ્વપ્ન છે કે શિખરબધ્ધ મંદિર થવું જોઇએ બીજા દાતાઅો અને સંસ્થા જો મદદ કરે તો આ શક્ય છે.'
આપણા મંદિરો અને સંસ્થાઅો સામેના પડકારો
રમણભાઇએ જણાવ્યું હતું કે 'અગાઉ યુકેની મુલાકાતે આવતા સંતો ખૂબ જ નિષ્ઠાવાન અને ઉમદા પ્રકારના હતા. દા. ત. પૂ. રામભક્ત જી. તેઅો કદી યુકેથી પોતાની સાથે કશું જ લઇ ગયા નથી. અત્યારે જે સંતો આવે છે તેઅો પોતાના પ્રોજેક્ટ લઇને આવે છે અને અહીંથી દાન લઇ જઇ તેમના ભારત સ્થિત પ્રોજેક્ટમાં વાપરે છે. હવે આપણા મંદિરો અને સંસ્થાઅોને મળતી ગ્રાન્ટ બંધ થઇ ગઇ છે ત્યારે જનતાનો પૈસો બીજે જવાને બદલે અહિંના સેવા કાર્યો કરતી અને આર્થિક તકલીફ અનુભવતી સંસ્થાઅોમાં વપરાય તે જરૂરી છે. આથી દાતાઅો અને સંસ્થાઅોએ જાગૃત થવાની જરૂર છે. આજે આપણને અહિં પૂ. રામભક્ત જેવા સ્થાનિક પણ મહામાનવ જેવા સંતની ખૂબજ જરૂર છે જેમના નિયમીત સલાહ સૂચન, માર્ગદર્શન અને આશિર્વચન આપી સંતાનોને માર્ગદર્શન આપે. આપણી ધાર્મિક સામાજીક સંસ્થાઅોએ હવે ગુજરાતી ઉપરાંત વિદ્યાર્થીઅોને મુખ્ય પ્રવાહના શિક્ષણમાં પણ મદદ કરવી જોઇએ. દા.ત. ઇંગ્લીશ, મેથ્સ અને સાયન્સ. રાહત દરે થોડીક ફી લઇને પણ તેઅો જો બાળકને ભણાવશે તો બાળકના વિકાસમાં તે ખૂજ મદદરૂપ થશે. આમ થશે તો દરેક બાળક ટોચ પર જશે અને તે દાન કરવા માટે જે તે સંસ્થાને પ્રથમ પસંદગી આપશે.'
યુવા પેઢી સંસ્થાઅોમાં જોડાય
આપણી યુવા પેઢીની આપણી સંસ્થાઅોને ખૂબ જ જરૂર છે. જો યુવાનો વધુ પ્રમાણમાં વોલંટીયરીંગ વર્ક કરશોે તો સંસ્થાઅો આગળ આવશે. યુવાનો આગળ આવે તે આશયે જ મેં અમારા યુવાન સાથી વિભુતીબેન આચાર્યનું નામ સનાતન મંદિરના પ્રમુખપદ માટે સૂચવ્યું હતું અને હજુ અમને વધુ યુવાન નેતાઅોની જરૂર છે. સંસ્થામાં નવી પેઢીને તૈયાર કરવાની ખૂબ જ જરૂર છે. સેવા કરવાથી કદાચ પ્રારંભે કોઇ દેખીતો ફાયદો નહિં થાય પરંતુ યુવાનોને આત્મસંતોષ અને લાંબે ગાળે બહુ જ સન્માન મળશે અને પરિવારજનો ગર્વથી માથુ ઉંચુ રાખશે. હું મંદિરની સેવાના કારણે કદાચ મારા બાળકોને પૂરેપૂરા લાડ લડાવી નથી શક્યો કે પછી કદાચ અોછો સમય આપી શક્યો હોઇશ પરંતુ મારા પત્ની ખુશમનબેને પરિવાર પરત્વેની આ જવાબદારી ખૂબજ સારી રીતે નિભાવી છે. આમ સમગ્ર લેસ્ટરવાસી ગુજરાતી - ભારતીય સમુદાયની સેવા કરવાનું જે સૌભાગ્ય સાંપડ્યું છે તે જરા પણ ઉતરતું નથી.'
૧૯૭૦માં સ્થપાયેલા બ્રિટનના સૌ પ્રથમ સનાતન મંદિરના સ્થાપકો પૈકીના સૌથી નવયુવાન સ્થાપક અને માત્ર ૨ વર્ષના ટૂંકા ગાળામાં જ ૧૯૭૨માં મદદનીશ મંત્રી અને તે પછી મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનાર રમણભાઇ બાર્બર ૧૯૯૩માં સંસ્થાના પ્રમુખ પદે નિમાયા હતા અને હાલ ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. મૂળ સુરત જીલ્લાના પલસાણા તાલુકાના નાની ધામડોદ ગામના વતની અને લેસ્ટર સીટી કાઉન્સિલમાં મહત્વનું પદ સંભાળનાર રમણભાઇનું બચપનથી એક જ સ્વપ્ન હતું ખૂબ જ ભણીને વકીલ થવાનું અને સમાજના દરેકની સેવા કરવાનું. પરંતુ તે શક્ય ન બનતા રમણભાઇએ લેસ્ટરમાં અભ્યાસ આગળ વધાર્યો હતો અને પોતાના સંતાનોને પણ ભણવા માટે તમામ સહકાર આપ્યો હતો.
રમણભાઇ ૧૯૬૪માં યુકે આવ્યા હતા અને ભારત જઇને વર્ષ ૧૯૬૮માં ખુશમનબેન સાથે લગ્ન કર્યા હતા. રમણભાઇને મહારાણી તરફથી ૨૦૧૦માં MBE અને છેેલ્લે મહારાણી તરફથી ડેપ્યુટી લેફ્ટનન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ડેપ્યુટી લેફ્ટનન્ટ રોયલ વિઝીટ માટે યોગ્ય કંપનીઅો અને સંસ્થાઅો તેમજ સ્વૈચ્છીક જુથોના નામ સૂચવે છે તેમજ સીટીઝનશીપ સેરેમની, પરેડ્ઝ તેમજ રીમેમ્બરન્સ ડે સર્વિસમાં ઉપસ્થિત રહે છે. ખુશમનબેને પરિવારની મદદ માટે જોબ કરવાનું નક્કી કર્યું હતું અને સંતાનોમાં દિકરી આરતીએ લંડનમાં બિઝનેસ સ્ટડીઝનો અભ્યાસ કર્યો હતો જે લંડનમાં સ્થાયી થઇને બીટીમાં સેવા આપે છે. બીજા દિકરી સ્વ. વનિષાબેને ફાઇનાન્સમાં માસ્ટર્સ કર્યું હતું. ત્રીજી દિકરી બીના પ્રેસ્ટનમાં રહે છે અને પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સંભાળે છે. જ્યારે પુત્ર હિતેન બેન્કમાં જોબ કરે છે અને લેસ્ટરમાં રમણભાઇ સાથે રહે છે.


comments powered by Disqus