લંડનઃ યુરોપિયન સંઘમાં રહેવા કે બહાર જવા વિશે જનમતની ચર્ચામાં ઈન્ડિયન ‘કરી’ પણ એક મોટો મુદ્દો બની છે. બ્રિટનમાં લોકપ્રિય ભારતીય રેસ્ટોરાં ઉદ્યોગનો તર્ક છે કે બ્રિટન અને યુરોપ વચ્ચે લોકોની મુક્ત અવરજવર થઈ રહી છે, પરંતુ આ ઉદ્યોગ માટે ભારતીય ઉપખંડમાંથી વાનગી બનાવનારા કારીગરોને બોલાવવાનું મુશ્કેલ બન્યું છે. આ માટે આ દેશમાં અંદાજે ચાર બિલિયન પાઉન્ડની કમાણી કરી રહેલા આ ઉદ્યોગ સાથે સંકળાયેલો એક વર્ગ યુરોપીયન સંઘમાંથી બ્રિટન બહાર નીકળી જાય તેમાં પોતાનું હિત જુએ છે.
‘કરી’ ઉદ્યોગ સાથે સંકળાયેલા આ વર્ગને લાગે છે કે ૨૮ સભ્યોના યુરોપિયન સંઘમાંથી બ્રિટન અલગ થવાથી ભારતીય ઉપખંડમાંથી વિવિધ શેફ્સને બ્રિટન બોલાવવામાં આસાની થશે. ઈયુ રેફરન્ડમ અગાઉ દક્ષિણ એશિયન રેસ્ટોરાંના માલિકોએ ભારતીય મૂળના બ્રિટિશ મિનિસ્ટર પ્રીતિ પટેલના આહ્વાનને સમર્થન આપ્યું છે, જેમાં બ્રિટન યુરોપિયન સંઘમાંથી અલગ થાય એ માટે તરફેણ કરી છે. તેમના કહેવા પ્રમાણે આનાથી બ્રિટનનો કરી ઉદ્યોગ જાળવી શકાશે.

