એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ -૨૦૧૬ માટે નોમિનેશન્સનો હવે આરંભ થઈ ગયો છે. લોર્ડ્સ અને લેડીઝ, પાર્લામેન્ટના સભ્યો તેમજ સેલિબ્રિટીઝની ઉપસ્થિતિ સાથેનો આ એવોર્ડ્ઝ સમારંભ સામાજિક કેલેન્ડરમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ દ્વારા આયોજિત આ એવોર્ડ્ઝ ૧૬મા વર્ષમાં પ્રવેશ્યા છે અને ગ્રોવનર હાઉસ હોટેલ, પાર્ક લેન ખાતે યોજવામાં આવનાર છે.
પબ્લિકેશન્સ દ્વારા એશિયન કોમ્યુનિટીની સેવામાં ૪૪ વર્ષને પ્રતિબિંબિત કરવા સાથે એશિયન કોમ્યુનિટીના સર્વશ્રેષ્ઠોની સિદ્ધિઓને સ્વીકૃતિ તેમજ વ્યક્તિઓના અભૂતપૂર્વ કાર્યોની કદર કરવામાં આ રાત્રિ સમર્પિત રહેશે. એશિયન સમુદાય દ્વારા સતત પસંદ કરાઈ રહેલો આ કાર્યક્રમ સૌથી પ્રતિષ્ઠિત છે અને કેલેન્ડરમાં સૌથી સન્માનીય એવોર્ડ્ઝ સમારંભનું બિરુદ ધરાવે છે. વિવિધ પ્રોફેશન્સમાં વિશાળ સંખ્યામાં એશિયનોને રોજગાર આપવામાં દેશની ભૂમિકા પર ભાર મૂકવા સાથે આ વર્ષે એવોર્ડ્ઝનો થીમ ‘ પ્રોફેશનલ ઓફ ધ યર’ રખાયો છે. કોમ્યુનિટીના ઘણા સભ્ય સીનિયર એક્ઝિક્યુટિવ અને બોર્ડ લેવલના પદ ધરાવે છે. એશિયન સંસ્કૃતિ અને કાર્યનીતિમાં સખત પરિશ્રમ, મક્કમ નિર્ધાર અને તમામ અવરોધોના પડકાર સામે સફળ થવાની ઉત્કટ ભાવના વણાયેલાં જ છે. તેઓ પોતાની સાથે ટેક્નિકલ કૌશલ્ય, એન્ટ્રેપ્રીન્યોરલ નિપુણતા અને દીર્ઘદૃષ્ટિસભર નેતૃત્વના ગુણો લાવે છે. આ વર્ષના એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ બ્રિટિશ એશિયનો દ્વારા તેમના વ્યવસાયોમાં અપાયેલા પ્રદાનના મહત્ત્વ પર વિશેષ ભાર મૂકશે અને તેમની સિદ્ધિ- સફળતાને સલામ આપશે.
નોમિની રજૂઆતો વિશેનો નિર્ણય ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો, પ્રોફેશનલ્સ, જર્નાલિસ્ટ્સ, શિક્ષણશાસ્ત્રીઓ અને મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટના બનેલા નિર્ણાયકોની સ્વતંત્ર પેનલ દ્વારા કરવામાં આવશે. નોમિનેશન્સ પર ઝીણવટપૂર્ણ ચર્ચાવિચારણા પછી તેઓ અગ્રણી વ્યક્તિત્વોની ટુંકી યાદી તૈયાર કરશે અને તેમાંથી લાયક વિજેતાઓની પસંદગી કરશે.
એવોર્ડ કેટેગરીની યાદીમાં સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર, બિઝનેસ પર્સન ઓફ ધ યર, પ્રોફેશનલ ઓફ ધ યર, એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ, એચિવમેન્ટ ઈન મીડિયા, આર્ટ્સ એન્ડકલ્ચર, વુમન ઓફ ધ યર, એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર, યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ, લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડનો સમાવેશ થાય છે.
ગત વર્ષના કેટલાક વિજેતાઓમાં પ્રખ્યાત લેખક રોમેશ ગુણાસેકરા, માનવ અધિકાર કેમ્પેઈનર જસ્વિન્દર સાંઘેરા, ક્રિકેટર મોઈન અલી, બિઝનેસમેન્ટ અને પરોપકારી લોર્ડ રુમી વેરજી અને અફઘાન મોરચે વીરતા દર્શાવવા બદલ મિલિટરી ક્રોસ એનાયત કરાયેલા લાન્સ કોર્પોરલ તુલજુંગ ગુરુંગનો સમાવેશ થયો હતો.
નોમિનેશન્સ મોકલવાની આખરી તારીખ ૩૧ જુલાઈ ૨૦૧૬ છે.

