ચલચિત્રો દ્વારા પણ થઈ શકે ચારિત્ર્ય ઘડતર

Tuesday 21st June 2016 13:07 EDT
 

‘આઈડિયા સારો છે, પરંતુ આ શો કેવો જશે? ચિરાગે કહ્યું.

‘મેરે લીયે તો સબ ગાને નયે હી હૈ’ નયનાએ ટહુકો કર્યો.

આ અને આવા સંવાદો વચ્ચે વળી કાર્યક્રમ આયોજકોની ચિંતા કે ‘ગાયિકા આનલ અમેરિકાથી આવી તો જશે ને?’

પરંતુ મા સરસ્વતીની આરાધના અને ગોસ્વામી તુલસીદાસજીની ચોપાઈઓ દ્વારા જીવનમાં ભરોસાનું સિંચન થયું છે એટલે વિશ્વાસપૂર્વક એ શો થયો ને યાદગાર બન્યો.

કિશોરાવસ્થાથી જેની ફિલ્મો જોઈ છે એ રાજશ્રી પ્રોડ્ક્શનની ફિલ્મો - એના ગીતો - એના થકી સમાજમાં ફેલાયેલા હકારાત્મક સંદેશ સાથે એક શો કરવાની ઈચ્છા એકાદ વર્ષથી હતી.

૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ રાજસ્થાનના વતની અને પછી મુંબઈમાં સ્થાયી થયેલા તારાચંદ બરજાત્યાએ રાજશ્રી પ્રોડક્શન્સનો આરંભ કર્યો. ચંદ્રલેખા, બહાર, બૈજુ બાવરા, આઝાદ જેવી ૯ ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુશન બાદ પોતે જ ૧૯૬૨માં પ્રથમ ફિલ્મનું નિર્માણ કર્યું ‘આરતી.’ એ પછી ૧૯૬૪માં આવેલી ‘દોસ્તી’ ફિલ્મે સંવેદનાપૂર્ણ વાતાવરણ રચ્યું અને મૈત્રીનું પ્રતિક બની રહી.

એ પછી રજૂ થયેલી તકદીર, જીવનમૃત્યુ, ઉપહાર, પિયા કા ઘર, મેરે ભૈયા સૌદાગર, ગીતા ગાતા ચલ, તપસ્યા, ચિત્તચોર, અખીયોં કે ઝરોખો સે, શિક્ષા, નૈયા, નદીયા કે પાર અને સારાંશ તથા અબોધ જેવી ફિલ્મોએ નવા ગાયકો, સંગીતકારો અને કલાકારો હોવા છતાં પારિવારિક ફિલ્મોની અસર દર્શકોના માનસપટ પર અંકિત કરી. આ ફિલ્મોની વાર્તા-ગીતોમાં પ્રકૃતિ, માનવતા, ગ્રામ્યજીવન, ઉત્સવ, ઉદારતા, માનવીય સંબંધો, ભક્તિ, પ્રાર્થના અને પ્રેમ-મૈત્રી જેવા પોઝિટિવ ગુણો અભિવ્યક્ત થયા અને તેના કારણે આ ફિલ્મો આજે પણ લોકો યાદ કરે છે.

૧૯૮૯માં તારાચંદ બરજાત્યાના પૌત્ર સુરજ બરજાત્યા યુવાનવયે લઈને આવ્યા ‘મૈને પ્યાર કિયા.’ ભાગ્યશ્રી અને સલમાન ખાન અભિનિત આ ફિલ્મે સિદ્ધિના શિખરો સર કર્યાં. વીડિયો કેસના આક્રમણ સામે ફરી દર્શકો સિનેમાઘરમાં આવતા થયા. એ પછી ૧૯૯૪માં રજૂ થયેલી ‘હમ આપકે હૈ કૌન’માં કુલ ૭૧.૯ મિનિટ તો માત્ર ગીતોથી ભરપૂર હતી. એ ગીતો કથાપ્રવાહનો ભાગ બન્યા. દર્શકો જાણે કોઈ લગ્ન એટેન્ડ કરીને આવ્યા હોય તેવું લાગતું હતું. એ જ ક્રમમાં ‘હમ સાથ સાથ હૈ’ અને પછીથી ‘વિવાહ’ તથા ‘પ્રેમ રતન ધન પાયો’ પણ આવી.

ટોટલ ફેમિલી એન્ટરટેઈન્મેન્ટ આપતી ફિલ્મોના ગીતો અને તે ફિલ્મો દ્વારા સમાજમાં પ્રસરેલા પ્રેમ-ત્યાગ-સમર્પણ-મૈત્રી-ભક્તિનો સંદેશ આપતા કાર્યક્રમનું ગાંધીનગરમાં તાજેતરમાં આયોજન કરાયું ત્યારે આ સંવાદ થયા હતા.

કલાકારોની શ્રેષ્ઠ રજૂઆતથી શ્રોતાઓ પણ રાજી થયા અને કાર્યક્રમ પૂરો થયો. પ્રસન્નતાનો પ્રસાદ લઈને ગીતો ગણગણતા ઘરે ગયા.

•••

શાળાની વકતૃત્વ સ્પર્ધાઓમાં એક વિષય જોવા મળે છે. ‘સિનેમા સમાજને ઘડે છે કે સમાજ સિનેમાને.’

રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોએ સમાજજીવનમાં પારવારિક મૂલ્યોને પ્રેમ-મૈત્રી અને પ્રાર્થનાને વાર્તા અને ગીતોના માધ્યમ દ્વારા પ્રસ્થાપિત કર્યાં છે.

પોઝીટીવીટી અને નેગેટીવીટી બંનેનો ફેલાવો ફિલ્મો દ્વારા થઈ શકે. દર્શકે શું ગ્રહણ કરવું એ પોતાના પર વ્યક્તિગત રીતે નિર્ભર હોય છે.

પરિવારો વિભક્ત થઈ રહ્યા છે. માનવી અતિઝડપી - યંત્રવત્ જિંદગી જીવતો થયો છે ત્યારે પરસ્પર પ્રેમ પ્રસરાવતી, પારિવારિક સંબંધોના મૂળને સિંચતી, ચિત્ત અને હૃદયને આનંદ-પ્રેમથી સભર કરતી ફિલ્મો એના દર્શકોમાં પરિવાર જીવનના સંબંધોને ઊર્જાથી-પ્રેમથી જીવવાની પ્રેરણા પૂરી પાડે છે.

ચલચિત્રો દ્વારા પણ ચારિત્ર્ય ઘડતર થઈ શકે એવી પ્રતિતી જ્યારે કોઈ ફિલ્મો જોઈને થાય - એના ગીતો વર્ષો પછી ગણગણવાનું મન થાય ત્યારે આપણી આસપાસ પ્રેમના અજવાળા રેલાય છે.

લાઈટ હાઉસ

કથા કે સત્સંગમાં ગયા પછી આપણને પ્રસાદ મળે છે, એમ જ ફિલ્મો નિહાળીને દર્શક વધુ સારો માણસ બનીને જાય છે તો એ ઘટના આનંદની છે.
- સુરત બરજાત્યા


comments powered by Disqus