ઋતિક રોશનની પૂર્વપત્ની સુઝૈન ખાન વિરુદ્ધ રૂ. ૧.૮૭ કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ છે. આ ફરિયાદ પણજીમાં નોંધવામાં આવી છે. કહેવાય છે કે સુઝૈને પોતાને આર્કિટેક્ટ દર્શાવી પણજીની એક પેઢી એમ્ગી પ્રોપર્ટીઝ સાથે આ છેતરપિંડી કરી છે. આવું તેણે રૂ. ૧.૮૭ કરોડનો કોન્ટ્રાક્ટ પોતાના નામે કરવા માટે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સુઝૈન વ્યવસાયે ઈન્ટિરીયર ડિઝાઈનર છે.
એમ્ગી પ્રોપર્ટીઝના મેનેજિંગ ડિરેક્ટર મુદિત ગુપ્તાએ પોલીસને જણાવ્યું હતું કે, સુઝૈને તેમને કહ્યું હતું કે વર્ષ ૨૦૧૩થી આર્કિટેક્ટ અને ઈન્ટિરીયર ડિઝાઈનર તરીકે કામ કરે છે. જે પછી કંપનીએ તેમની સાથે આર્કિટેક્ચરલ અને ડિઝાઈનિંગનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.
સુઝૈનને એમ્ગી પ્રોપર્ટીઝના નાઈરા કોમ્પલેક્ષની ડિઝાઈન તૈયાર કરવાની હતી, જે ઉત્તર ગોવાના તિસવાડી ખાતે સિરિદાઓમાં બની રહ્યું છે. જોકે સુઝૈન કોન્ટ્રાક્ટના આપેલા સમયમાં ડિઝાઈન બનાવીને આપી શકી નહોતી અને તેનું કામ જોતાં કંપનીને પણ સમજાયું હતું કે તે વ્યાવસાયિક આર્કિટેક્ટ નથી.

