સૌરાષ્ટ્ર અને કચ્છની દરિયાપટ્ટી આતંકવાદીઓ માટે સહેલાઈથી ભારતમાં ઘૂસી શકાય તેવાં સ્થળો હોવાથી અગાઉ આતંકવાદીઓ દરિયાઈ માર્ગેથી ઘૂસી ચૂક્યાની ઘટનાઓ બન્યા પછી તાજેતરમાં ગુજરાતના પાંચ ટાપુ સહિત મહારાષ્ટ્રના બંદરો નિશાનામાં હોવાની વિગતો મળી છે. જેના પગલે સુરક્ષા તંત્રો એલર્ટ થઈ ગયા છે. સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓની વાતચીતના રેકોર્ડ મેળવ્યા પછી બહાર આવેલી વિગતો મુજબ આતંકવાદીઓના હિટલિસ્ટમાં બેટ દ્વારકા પણ છે. આ ઉપરાંત આસપાસના મામલિયા, આલિયા, મુરગા અને પીરમ ટાપુ પણ નિશાનામાં છે. કેન્દ્રએ આ અંગે રાજ્ય સરકારને સાવચેત કર્યાં છે.
• રાષ્ટ્રીય શાયર હવે દરેક સરકારી લાઇબ્રેરીમાંઃ રાજ્યની તમામ સરકારી લાયબ્રેરીઓમાં હવે ઝવેરચંદ મેઘાણી રચિત દેશપ્રેમના ગીતોના પુસ્તક અને મ્યુઝિક સીડી જોવા મળશે. ‘ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે’ નામની સીડી અને પુસ્તક રમત-ગમત અને સાંસ્કૃતિક મંત્રાલયને અર્પણ કરવામાં આવ્યું છે. જેમાં કસુંબીનો રંગ, રક્ત ટપકતી સો-સો ઝોળી, શિવાજીનું હાલરડું વગેરે જેવી યાદગાર રચનાઓને સમાવવામાં આવ્યા છે.
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા સાંસ્કૃતિક પ્રધાન નાનુભાઈ વાનાણીને તાજેતરમાં
યોજાયેલા એક કાર્યક્રમમાં તેની ભેટ આપવામાં આવી હતી. જેમાં ઝવેરચંદભાઈના પૌત્ર પિનાકીનભાઈ
અને તેમના માતા કુસુમબેન સહિતના ઉપસ્થિત
રહ્યાં હતાં.
• પિતાના ખૂનીના બાતમીદારને રૂ. ૧૫ લાખનું ઇનામઃ ઉપલેટાના પાટણવાવમાં ૧૯ વર્ષ પહેલાં ભાદાભાઇ ભાદાણીનું ખૂન થયું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં સાત જેટલા અધિકારીઓએ તપાસ કરી હોવા છતાં કંઈ પરિણામ ન આવ્યું હોવાથી ભાદાભાઇના ઓસ્ટ્રેલિયા નિવાસી દીકરા દિવ્યેશે અંતે પોતાના પિતાના ખૂનીની ભાળ આપનારને રૂ. ૧૫ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
• ઓખા-બેટ વચ્ચે અંડરવોટર ગ્લાસ બ્રિજ થશેઃ દ્વારકા તથા બેટ દ્વારકા યાત્રાધામની મુલાકાતે ભારત સરકારની એક ખાસ ટીમ ૧૬મી જૂને આવી હતી જેમણે દ્વારકામાં મીટિંગ યોજી બેટ દ્વારકાના મુખ્ય દ્વારાકાધીશજીના મંદિર તેમજ હનુમાન દાંડી સહિતના મંદિરો અને સ્થાનિક ભૌગોલિક સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીની જાહેરાતો બાદ અંદાજિત રૂ. ૪૯૦ કરોડના ખર્ચે ઓખા તેમજ બેટ દ્વારકા વચ્ચે અન્ડર વોટર ગ્લાસ બ્રિજ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. આ ઉપરાંત દ્વારકા તથા બેટ દ્વારકાના વિકાસ માટે બીજાં રૂ. પાંચસો કરોડની યોજનાઓ પણ હાથ ધરવામાં આવનાર હોઈ આ સંદર્ભે કેન્દ્રીય ટીમે સર્વેક્ષણ માટે દ્વારકાની મુલાકાત લીધી હતી.
