૫૦૦૦ વર્ષ પુરાણી વિદ્યાને આધુનિક વિશ્વના ૧૯૧ દેશોમાં આવકાર

Tuesday 21st June 2016 13:57 EDT
 
 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ૨૧ જૂનની પસંદગી કરવા પાછળનું કારણ એ છે કે આ દિવસે ગ્રીષ્મ સંક્રાતિ હોય છે. એટલે કે, સૂર્ય પોતાની દિશાને બદલે છે. એવા સમયે કરવામાં આવેલો યોગાભ્યાસ સ્વાસ્થ્ય માટે ઘણો લાભદાયક છે. મંગળવારે બીજી વખત વિશ્વસમસ્તે યોગ દિવસ મનાવ્યો. યુનાઇટેડ નેશન્સ (યુએન)એ ડિસેમ્બર ૨૦૧૪માં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આધુનિક યુગ પ્રમાણે યોગ દ્વારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ વેલનેસ ફંડા થઈ ગયો છે. આથી જ યોગ સાથે થયેલા બદલાવને વેલનેસ રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. મંગળવારે ચંડીગઢમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પંજાબ અને હરિયાણાના મુખ્ય પ્રધાનો સહિતના મહાનુભાવોએ ભાગ લીધો હતો.

દરેક દશકમાં યોગનો વ્યાપ વધ્યો

૨૦૦-૪૦૦ ઇસવી સનમાં લખવામાં આવેલા મહર્ષિ પતંજલિના પુસ્તકમાં અષ્ટાંગ યોગ વિશે લખવામાં આવ્યું છે. પ્રથમ વખત યોગ મુદ્રાને વિશ્વ સમક્ષ લાવવાનું શ્રેય સંત ગોરખનાથને આપવામાં આવે છે. ૧૨૦૦-૧૭૦૦ ઇસવી સનમાં પ્રથમ વખત યોગની મુદ્રાઓ સામે આવી હતી. ૧૮૪૯માં કલકતાના ડો. એન. સી. પોલ દ્વારા લખાયેલું ‘અ ટ્રિટીઝ ઓન ધ યોગા ફિલોસોફી’ યોગનું પ્રથમ વૈજ્ઞાનિક અધ્યયન માનવામાં આવે છે. ત્યારબાદ પરમહંસ યોગાનંદ (૧૯૨૦) અને શિવાનંદ (૧૯૩૬)એ રાજામહારાજાઓના સમયમાં યોગાસનને દેશભરમાં નવા શીખરે પહોંચાડ્યા હતા.
બીમારીઓની સારવાર માટે યોગની ભૂમિકા ૧૯૨૦થી ૧૯૩૦ના દશકમાં સામે આવી હતી. ત્યારે ભારત અને અમેરિકા સહિતના ઘણા દેશોએ માથામાં દુખાવો, બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં યોગની ભૂમિકા પર સંશોધન પ્રકાશિત થયા હતા.
૧૯૫૦થી ૧૯૭૦ના દશક વચ્ચે મહર્ષિ મહેશ યોગીનું મેડિટેશન ચર્ચામાં આવ્યું. તેઓ અતીંદ્રિય ધ્યાનના જનક મનાય છે. ૧૯૭૦થી ૧૯૯૦ વચ્ચે રજનીશ (ઓશો)એ દુનિયાભરમાં યોગનો ફેલાવો કર્યો હતો.

યોગનો પ્રાચીન ઇતિહાસ

યોગ ૫૦૦૦ વર્ષ જૂની વિદ્યા છે. એવું કહેવામાં આવે છે કે, મોહેંજો દડોના ખોદકામ દરમિયાન જે મોહરો મળી હતી તેમાં યોગ મુદ્રામાં એક આકૃતિ જોવામાં આવી હતી. આ વાત ઇસવી સન પૂર્વે ૭૦૦૦થી ૧૩૦૦ વર્ષની વાત છે. ભારતીય વેદોમાંથી એક ઋગ્વેદમાં પણ યોગનો ઉલ્લેખ છે. કેટલાક વિદ્વાન હિરણ્યગર્ભ દેવતાને યોગદર્શનના જનક માને છે
હિંદુ ગ્રંથ ભગવદ્ ગીતામાં પણ યોગ શબ્દનો ઘણી વાર પ્રયોગ કરવામાં આવ્યો છે - જેમાં શ્રીકૃષ્ણ અને પરમાત્મા સાથે જોડવા માટે યોગ શબ્દનો પ્રયોગ કરે છે. આ ૧૨૦૦થી ૧૪૦૦ ઇસવી સન પૂર્વની વાત છે.
ઘણા ઉપનિષદો અને અન્ય ગ્રંથોમાં પણ યોગનો મન પર નિયંત્રણસાધન તરીકે પ્રયોગ કરાયો છે. બુદ્ધકાળના પ્રારંભિક ગ્રંથોમાં ધ્યાન, પ્રાણાયામ અને મંત્રનો ઉલ્લેખ હતો.

પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૧૫

૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ યુએનમાં ૧૯૩ દેશોમાંથી ૧૭૫ દેશોએ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના પ્રસ્તાવને લીલી ઝંડી આપી હતી. માત્ર ૯૦ દિવસની અંદર જ વડા પ્રધાન મોદીના આ પ્રસ્તાવને સંપૂર્ણ બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. યુએનમાં કોઈ વિશેષ દિવસને લઈ પ્રસ્તાવ પસાર કરવાનો આ સૌથી ઓછો સમય છે. એવું કહેવામાં આવે છે કે પ્રથમ વખત ૨૧ જૂને, ૨૦૧૫ના રોજ ફક્ત ભારતમાં જ ૨૦ કરોડ લોકોએ યોગ કર્યા હતા. દુનિયાભરમાં આ સંખ્યા ૨૫ કરોડથી પણ વધુ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૩૫,૯૮૫ લોકોએ ૨૧મી જૂન, ૨૦૧૫ રોજ નવી દિલ્હીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ૩૫ મિનિટ સુધી ૨૧ યોગાસન કર્યા હતા. રાજપથ પર થયેલા સમારોહમાં બે ગિનિસ રેકોર્ડ બન્યા હતા. પ્રથમ સૌથી મોટો યોગ કલાસ (૩૫,૯૮૫ લોકો) અને બીજો ૮૪ દેશોના લોકો દ્વારા આ આયોજનમાં ભાગ લીધો હતો.

યોગ સાથે જોડાયેલી રસપ્રદ વાતો

• ‘એસોચેમ’ના રિપોર્ટ અનુસાર ૧.૪૩ કરોડ ભારતીયો જ નિયમિત યોગ કરે છે. જોકે, યોગ કરનારાની સંખ્યા ૩ કરોડ સુધી પહોંચી હોવાનું અનુમાન છે.
• અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા હાલ ભારત કરતાં વધુ છે. ૨૦૧૨માં અમેરિકામાં ૨.૦૪ કરોડ લોકો યોગ કરતાં હતા અને હવે તેમની સંખ્યા ૩.૬ કરોડ સુધી પહોંચી ગઈ છે.
• ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને જર્મનીમાં યોગ શાળાઓ યુવા પેઢી માટે નવું ફેશન સ્ટેટમેન્ટ બની છે.

આજના સમયમાં ચર્ચિત યોગી

• બાબા રામદેવઃ કપાલભાતી અને પ્રાણાયમમાં નિપુણતા, યોગને દેશના ઘરે-ઘરે ફેલાવવાનું શ્રેય બાબા રામદેવને મળે છે.
• સદ્ગુરુ જગ્ગી વાસુદેવઃ ઇશા યોગના જનક, ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેમના યોગ ધૂમ મચાવી રહ્યા છે.
• શ્રી શ્રી રવિશંકરઃ સુદર્શન ક્રિયા માટે વિખ્યાત યોગની આ વિદ્યાના પહેલી વાર પેટન્ટ મેળવ્યા
• બિક્રમ ચૌધરીઃ ૧૯૭૩માં અમેરિકામાં પ્રથમ યોગ કોલેજ ખોલી. તેમણે ૨૬ મુદ્રાઓનું પેટન્ટ પણ કરાવ્યું. તેમના યોગ બ્રિકમ યોગા નામથી ઓળખાયા.

ભવિષ્યમાં પણ વેગ મળશે

ભારતમાં યોગ સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ આયુષ મંત્રાલય સંચાલિત કરે છે. સરકારની યોજના દેશના દરેક જિલ્લામા વેલનેસ સેન્ટર, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાલય ખોલવાની છે. ફક્ત યોગના પ્રસાર માટે મંત્રાલય પાસે ૨૦૦ કરોડ રૂપિયાનું બજેટ છે. દેશભરમાં ૧૪ લાખથી વધુ શાળાઓમાં બાળકોને યોગ કરાવવાની યોજના છે. હાલ આ અનિવાર્ય નથી કરવામાં આવ્યું. દેશમાં ૪૫થી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજો સર્ટિફિકેટથી લઈને ડિગ્રી સુધીના કોર્સ કરાવી રહી છે. આયુષ મંત્રાલયે શાળાઓને ફિઝિકલ ટ્રેનિંગ દરમિયાન યોગ કરાવવા જણાવ્યું છે.


comments powered by Disqus