ફિલ્મ ‘ઊડતા પંજાબ’ અંગે સેન્સર બોર્ડ સાથેના વિવાદ, હાઈ કોર્ટની લીલીઝંડી અને રજૂઆતના એક જ દિવસ પહેલાં ઈન્ટરનેટ પર લીક થવાની ઘટનાથી ફિલ્મને ઘણી પબ્લિસિટી મળી. એ પછી ૧૭મી જૂને ‘ઊડતા પંજાબ’ રજૂ થઈ અને દર્શકો દ્વારા વખણાઈ પણ છે. ફિલ્મ પંજાબ જેવા રાજ્યમાં ફેલાયેલા નશાના સામ્રાજયને પ્રમાણિકતાથી અને કોઈપણ ફિલ્મી છાંટ વિના ઉજાગર કરે છે.
વાર્તા રે વાર્તા
ફિલ્મની વાર્તામાં ચાર મુખ્ય પાત્ર છે. આ ચારેય પાત્રો પંજાબના કોઈપણ શહેરના હોઈ શકે છે. ટોમીસિંહ ઉર્ફે ગબરુ એક પોપસ્ટાર છે. તે નશાની આદતથી હંમેશાં નશામાં ચકચૂર હોય છે. ટોમી જેવા લોકો સુધી નશીલા દ્રવ્ય ઇન્સ્પેક્ટર સરતાજ જેવા લાંચિયાઓને કારણે પહોંચે છે, પરંતુ એક દિવસ જ્યારે સરતાજનો નાનો ભાઈ બલ્લી નશાની લતે ચડીને હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે તેને અહેસાસ થાય છે કે, ડ્રગ્સ કેટલી ભયાનક અને હાનિકારક ચીજ છે. તેના ભાઈની હાલતથી દુઃખી સરતાજ અને ડો. પ્રીત રહાની (કરીના કપૂર) નશામુક્તિ માટે અભિયાન શરૂ કરે છે. આ બધામાં ક્યાંક દૂર પિંકી (આલિયા ભટ્ટ) પણ છે જેને ડ્રગ્સે શિકાર બનાવી છે. તે પ્રીતને મળે છે. પિંકી બિહારથી હોકી ખેલાડી બનવા આવી હોય છે, પણ નશાની લતે ચડી ગઈ હોય છે. ફિલ્મમાં ઘટનાક્રમો ચારેય પાત્રોને કડીની જેમ જોડે છે. ફિલ્મના ફર્સ્ટ હાફ સુધી પાત્રોનો પરિચય જ મુખ્ય છે અને પછીથી સ્ટોરી ફિલ્મનો આધાર બની જાય છે.
ફિલ્મમાં ડ્રગ્સના મુદ્દાને બખૂબી રીતે રજૂ કરાયો છે અને એવી રીતે મુદ્દાને દર્શાવાયો છે કે નશાના આંતકથી ઝઝૂમતા રાજ્ય પ્રત્યે સહાનુભૂતિ પ્રગટે છે. આશરે અઢી કલાકની ફિલ્મમાં ૨૦ મિનિટ જેટલો સમય ફિલ્મ ડોક્યુમેન્ટરી જેવી પણ લાગે છે.

