ચીન-પાકિસ્તાનઃ ભારત માટે ચિંતાજનક યુતિ

Tuesday 22nd March 2016 13:43 EDT
 

લદ્દાખ ક્ષેત્રમાંથી છાશવારે ભારતીય પ્રદેશમાં ઘુસણખોરી કરતી રહેલી રેડ આર્મી હવે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં પગદંડો જમાવી રહ્યાના ચિંતાજનક અહેવાલ છે. ભારતીય સેનાએ નૌગાંવ સેક્ટરની સામેની બાજુએ આવેલી પાકિસ્તાની મોખરાની ચોકીઓ પર પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના અધિકારીઓ અને જવાનોની હિલચાલ નિહાળી છે. અંકુશ રેખા સાથે જોડાયેલા પીઓકેના આ ક્ષેત્રમાં ચીની જવાનો કોઇ નિર્માણકાર્ય કરવા માટે પહોંચ્યા હોવાના અહેવાલ છે. ઇંડિયન આર્મી તો આ મુદ્દે મગનું નામ મરી પાડતી નથી, પણ ગુપ્તચર એજન્સીઓ આ પ્રદેશમાં ચીની સૈનિકોની સતત હાજરી હોવાના રિપોર્ટ આપતી રહી છે.
ભૂતકાળમાં મિત્રતાના ઓઠા તળે ભારતની પીઠમાં ખંજર ભોંકી ચૂકેલું ચીન આ વખતે પણ સત્ય છુપાવવાની ફિરાકમાં હોવાનું સ્પષ્ટ જણાય છે. બૈજિંગમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પીઓકેમાં ભારત સાથે જોડાયેલી નિયંત્રણ રેખા નજીક ચીની સેનાની હાજરી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે વાતને ટલ્લે ચઢાવતા કહ્યું કે તમે જે ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા છો, તે અંગે મેં કંઇ સાંભળ્યું નથી. મતલબ કે ચીને સાચો જવાબ આપ્યો નહીં. આ પછી તેમને લદ્દાખમાં પીએલએની તાજેતરની ઘૂસણખોરી અંગે પૂછાયું તો અફસોસ વ્યક્ત કર્યો કે મીડિયા જ આ મુદ્દાને ચગાવતું રહે છે. એટલુ જ નહીં, કાશ્મીર મુદ્દે તેણે એવી સ્પષ્ટ કરી કે આ મુદ્દા પર ચીનનું વલણ બદલાયું નથી.
ચીન ગમેતેવી સૂફિયાણી વાતો કરે, ભારત માટે તેના દાવામાં ભરોસો મૂકવો મુશ્કેલ છે. નોર્થ કાશ્મીરના નૌગાંવ સેક્ટરની સામે પાર આવેલી પાકિસ્તાનની મોખરાની લશ્કરી ચોકીઓ પર ચીની સેનાના ઉચ્ચ અમલદારોની હાજરી હોવાના અહેવાલ અખબારોમાં ચમક્યા છે. લદ્દાખમાં ઘૂસણખોરી એ ભલે જૂની સમસ્યા હોય, પરંતુ પીઓકેમાં ચીની ગતિવિધિ વધી રહી છે તે વાતને ભારત નજરઅંદાજ કરી શકે તેમ નથી. ગયા વર્ષે ચીને પાકિસ્તાનમાં ૪૬ બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનાના ભાગરૂપે જ તેણે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં મોટા પાયે નિર્માણકાર્ય શરૂ કર્યું છે. આ વિસ્તારમાં ચીની સરકારની માલિકી ધરાવતી કંપની ૯૭૦ મેગાવોટની ઝેલમ-નીલમ હાઇડ્રો-પાવર પ્રોજેક્ટનું નિર્માણ કરી રહી છે. આ યોજના ભારત સરકાર દ્વારા નોર્થ કાશ્મીરના બાંદીપોરામાં હાથ ધરાયેલા કિશનગંગા પાવર પ્રોજેક્ટનો જવાબ હોવાનું મનાય છે. ૨૦૦૭માં શરૂ થયેલો કિશનગંગા પાવર પ્રોજેક્ટ આ વર્ષે પૂરો થવાની શક્યતા છે.
એક અહેવાલ એવો પણ છે કે રેડ આર્મી હવે પીઓકેમાં આવેલી લીપા ઘાટીમાં સુરંગ ખોદીને બારે માસ ઉપયોગમાં લઇ શકાય તેવા હાઇ-વેનું નિર્માણ કરવાની છે. આ માર્ગ કારાકોરમ નેશનલ હાઇ-વેનો વિકલ્પ પણ પૂરો પાડશે. ચીન જે પ્રદેશ પર ગેરકાયદે કબ્જો ધરાવે છે તેમાં કારાકોરમનો સમાવેશ થાય છે. ચીનના ખંધા શાસકો કારાકોરમ હાઇ-વેના માર્ગે કરાચીના ગ્વાદર પોર્ટને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડવા માગે છે. ભારતના સરહદી ક્ષેત્ર સાથે જોડાયેલા આ તમામ પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ભાગરૂપે હાથ ધરાયા છે.
આ નિર્માણકાર્યોની સાથોસાથ રેડ આર્મી આ વિસ્તારમાં સ્થાનિક નામ તળે સિક્યુરિટી એજન્સી સ્થાપવાની ફિરાકમાં છે. જેના ત્રણ ડિવિઝનોમાં લગભગ ૩૦ હજાર સૈનિક હશે. આ જવાનોને ચીની કંપનીઓ દ્વારા સાકાર થયેલા પ્રોજેક્ટ્સ અને તેની આસપાસના વિસ્તારની સુરક્ષા માટે તૈનાત કરવાનો તેનો ઇરાદો છે. પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરનો પ્રદેશ અસલમાં ભારતની માલિકીનો હોવાનું સર્વવિદિત છે અને ચીન પણ આ પ્રદેશને વિવાદાસ્પદ માનતું રહ્યું છે. છતાં તે આ પ્રદેશમાં શ્રેણીબદ્ધ નિર્માણકાર્ય કરી રહ્યું છે અને તેની સેના પણ આમાં જોડાઇ છે તે ભારત માટે ચિંતાજનક છે. ચીની સેનાએ નિયંત્રણ રેખા સાથે સંકળાયેલા પ્રદેશમાં માળખાગત સુવિધા ઉભી કરવા માટે હાથ ધરેલી તમામ ગતિવિધિઓ ભારતવિરોધી છે. આ સંજોગોમાં ભારત માટે પોતાની સરહદોના રક્ષણ માટે નક્કર પગલાં લીધા વગર છૂટકો નથી.


comments powered by Disqus