ભારતના રાજકીય પક્ષોમાં શીર્ષ નેતૃત્વના ગુણગાન ગાતા રહેવાનો સિલસિલો આમ જૂઓ તો દસકાઓ જૂનો છે. હા, નેતાઓની ચડતીપડતી અનુસાર તેમાં વધઘટ થતી રહી છે તે વાત અલગ છે. લોકતંત્ર પરના કલંક સમાન કટોકટીકાળમાં આ સિલસિલો ચરમસીમાએ પહોંચ્યો હતો તેવું ઇતિહાસ દર્શાવે છે. તે સમયે કોંગ્રેસના અધ્યક્ષ દેવકાંત બરુઆએ ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઇંડિયા ઇઝ ઇંદિરા’ કહીને ચાપલૂસીની હદ વટાવી દીધી હતી. હવે સંસદીય બાબતોના પ્રધાન વેન્કૈયા નાયડુ તેમના પગલે ચાલી રહ્યા હોય તેમ લાગે છે. નાયડુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇશ્વરે આપેલી ભેટ ગણાવીને ચાપલૂસીનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. ચઢતા સૂરજને સહુ કોઇ પૂજે તેમાં કંઇ નવાઇ નથી, પણ છેક આ હદ સુધી?!
દક્ષિણ ભારતમાં અસ્તિત્વ ધરાવતા મોટા ભાગના પ્રાદેશિક પક્ષો વ્યક્તિ કેન્દ્રીત છે. આ રાજ્યોના લગભગ પક્ષો કોઈ એક વ્યક્તિના કરિશ્માથી ચૂંટણી જીતતા રહ્યા છે. બહુધા પ્રજા રાજકીય વિચારધારામાં નહીં, વ્યક્તિના નેતૃત્વમાં આંખો બંધ કરીને વિશ્વાસ મૂકતી રહી છે. કદાચ આ જ કારણસર ત્યાં આવા કરિશ્માઇ નેતાઓ ભગવાનની જેમ પૂજાય છે, અને તેમના મંદિરો પણ છે. લોકો આજેય પોતાના લાડલા નેતા માટે જીવ આપતા ખચકાતા નથી. પરંતુ રાષ્ટ્રીય પક્ષોમાં આ હદે વ્યક્તિપૂજન દુર્ભાગ્યપૂર્ણ જ ગણાય.
એક વ્યક્તિના કારણે જ લોકો સુરક્ષિત છે અને તે જ દેશ કે રાજ્યનું કલ્યાણ કરી શકે છે તેવી માન્યતા (કે ભ્રમ) દેશના હિતમાં પણ નથી, અને પક્ષના હિતમાં પણ નથી. ઇતિહાસ આ વાતનો સાક્ષી છે. કટોકટી બાદ કોંગ્રેસમાં વ્યક્તિપૂજનને પ્રોત્સાહન મળ્યું અને જૂઓ કે એક સમયે સૌથી વધુ જનાધાર ધરાવતો પક્ષ આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. સત્તા તો છોડો, સંસદમાં કોંગ્રેસ પાસે એટલા સભ્યો પણ નથી કે તે વિરોધ પક્ષનું નેતાપદ મેળવી શકે. આ જ પ્રકારે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના નેતા માયાવતીએ ઉત્તર પ્રદેશના જાહેર પાર્કમાં ઠેર ઠેર પોતાની પ્રતિમા મૂકાવડાવી હતી. આ પછી ઉત્તર પ્રદેશમાં તેમના પક્ષની કેવી દશા થઇ છે? એક સમયે કોંગ્રેસનો નેતા ઇંદિરા ગાંધીની હાજરીમાં જ તેમના વિચારો સાથે અસંમતિ દર્શાવી શકતો હતો. જોકે કટોકટીકાળ વેળા સમય બદલાયો. ઇંદિરા ઇઝ ઇંડિયાનો નારો આપવામાં આવ્યો ત્યારે પક્ષના ઘણા નેતાઓ તેની સાથે અસહમત હતા, પરંતુ તેઓ ખુલ્લો વિરોધ ન કરી શક્યા કર્યો કેમ કે પક્ષને વ્યક્તિપૂજાનો ચેપ લાગી ચૂક્યો હતો. આજે આ રાજરોગે કોંગ્રેસને અજગરભરડો લીધો છે.
જોકે ભારતની રાજકીય ક્ષિતિજ પર ઉભરી રહેલા ભાજપમાં આવું નહોતું. કુશાભાઉ ઠાકરે ભાજપના અધ્યક્ષ હતા ત્યારે તેમણે કદી અટલ બિહારી વાજપેયીને દેવતાપુરુષ દર્શાવવા પ્રયાસ કર્યો નહોતો. ભાજપને ઊભો કરવામાં વાજપેયી-અડવાણીની જોડીએ દિવસ-રાત એક કર્યા હોવાનું જાણવા છતાં. જોકે અત્યાર સુધી ચાપલૂસીના ચેપથી મુક્ત જણાતા ભાજપનો હવે સમય બદલાઇ રહ્યો હોય તેમ લાગે છે. આશા રાખીએ કે મોદી વેન્કૈયા નાયડુની ભાષાને સારી રીતે સમજતા હશે. નરેન્દ્રભાઇ ખુદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી ભાજપમાં આવ્યા છે ત્યારે એવું માનવું અસ્થાને નથી કે તેમણે સંઘના સંસ્થાપક ડો. કેશવરામ બલિરામ હેડગેવારની આત્મકથા પણ વાંચી જ હશે. ડો. હેડગેવારે હંમેશા વ્યક્તિપૂજાથી બચવાના હિમાયતી રહ્યા છે. આવા સંઘ પરિવાર સાથે જોડાયેલા સાથે ભાજપમાં જો વ્યક્તિપૂજા શરૂ થઇ જાય તો પક્ષ કઇ દિશામાં જઇ રહ્યો છે તે અંગે વિચારવું જરૂરી બની જાય છે.
હજુ સુધી તો નરેન્દ્ર મોદીએ નાયડુના શબ્દો પર પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી. સંભવતઃ તેઓ આ વાતને વિશેષ મહત્ત્વ આપવા નહીં માગતા હોય. જો આ કારણ સાચું હોય તો વધુ સારું છે, નહીં તો ભવિષ્યમાં તેમની રાજકીય પ્રતિષ્ઠા ખરડાતા વાર નહીં લાગે.
