કોલકતાઃ ટીમ ઇંડિયાએ વધુ એક વખત કટ્ટર પ્રતિસ્પર્ધી ટીમ પાકિસ્તાનને પરાજય આપીને વિશ્વભરમાં વસતા ભારતીય ક્રિકેટચાહકોના દિલ જીતી લીધા છે. ઇડન ગાર્ડન મેદાનમાં ૧૯ માર્ચે રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપની આ મેચમાં ભારતે છ વિકેટે વિજય મેળવ્યો હતો.
વિરાટ કોહલીની વિરાટ ઇનિંગના સહારે ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી. પાકિસ્તાનની ટીમે પાંચ વિકેટ ગુમાવીને ૧૧૮ રન કર્યા હતા. ૧૧૯ રનના લક્ષ્યાંકને વટાવીને ભારતીય ટીમે ૧૫.૫ ઓવરમાં જીત મેળવી લીધી હતી.
આ વિજય સાથે ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અજેય રહેવાના રેકોર્ડને જાળવ્યો હતો અને ઇડન ગાર્ડન્સમાં પાકિસ્તાન સામે સતત પરાજયના રેકોર્ડને તોડતાં ભવ્ય જીત મેળવી હતી. ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં છ વખત અને ટી૨૦ વર્લ્ડ કપમાં પાંચમી વખત જીત મેળવી હતી. પાકિસ્તાન સામેની અવિસ્મરણીય ઇનિંગ રમવાને કારણે વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ભારતીય ટીમે ૨૩ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી ત્યારે ભારતીય ટીમ પર દબાણ વધી ગયું હતું. આ સમયે ભારતના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન ગણાતા વિરાટ કોહલીએ યુવરાજ સિંહ સાથે મળી પાકિસ્તાની બોલરોનો મક્કમતાથી સામનો કરી ભારતને જીતની નજીક પહોંચાડી હતી. યુવરાજ ૨૪ રન બનાવી આઉટ થયા બાદ કોહલીએ પોતાની કારકિર્દીની ૧૪મી અર્ધી સદી પૂરી કરવાની સાથે ભારતને ૧૫.૫ ઓવરમાં ભવ્ય જીત અપાવી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમના ઓપનર સર્જિલ ખાન અને અહેમદ શેહજાદે ધીમી શરૂઆત કરતાં ૭.૪ ઓવરમાં ૩૮ રન જોડ્યા હતા. રૈનાએ આ વખતે સર્જિલને અંગત ૧૭ના સ્કોરે આઉટ કરી ભારતને પ્રથ સફળતા અપાવી હતી. પાકસ્તાને બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરતાં આફ્રિદી ત્રીજા સ્થાને આવ્યો હતો. પાકિસ્તાને સ્કોર માંડ ૪૬ રને પહોંચ્યા હતો ત્યારે શહેજાદ ૨૫ રને બુમરાહનો શિકાર બન્યો હતો. આફ્રિદી મેદાને આવતાં ભારતે સ્પિન આક્રમણ હટાવીને ઝડપી બોલરોને બોલ સોંપ્યો હતો. જેનો ભારતને ફાયદો થયો હોય તેમ ૬૦ રનના કુલ સ્કોરે હાર્દિક પંડ્યાએ આફ્રિદીને આઉટ કર્યો હતો. આફ્રિદીને ૧૪ બોલમાં માત્ર આઠ રન બનાવ્યા હતા. ઉમર અકલમ અને શોએબ મલિકે ત્યારબાદ ટીમને સંભાળતાં ચોથી વિકેટ માટે ૪૧ રનની ભાગીદારી નોંધાવી ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડ્યો હતો. ૧૦૧ રનના સ્કોરે ઉમર અકમલને ધોનીના હાથે કેચ આઉટ કરાવી ભારતને ચોથી સફળતા અપાવી હતી. અકમલે ૨૨ રન બનાવ્યા હતા. અકમલ બાદ શોએબ મલિક પણ ૨૬ રન બનાવી નેહરાનો શિકાર બન્યો હતો.
આફ્રિદીની હકાલપટ્ટી નિશ્ચિત
ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત સામે મળેલા પરાજય બાદ શાહિદ આફ્રિદી પાસેથી કેપ્ટનશિપ છીનવાઇ શકે છે. ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં ટીમના પ્રદર્શનને બાદ કરતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સુકાનીપદેથી આફ્રિદીની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લઇ ચૂક્યું છે. પીસીબી તેને લાંબા સમય સુધી કેપ્ટન પદે રાખવાનું ઇચ્છતું નથી અને બોર્ડમાં પણ આફ્રિદીના કારણે મોટા મતભેદો સર્જાયા છે. બોર્ડના નિર્ણયના કારણે આફ્રિદીની ક્રિકેટ કારકિર્દી લાંબા સમય સુધી બચે તેમ ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આફ્રિદી દ્વારા મીડિયામાં કરાયેલા નિવેદનોથી પીસીબી નાખુશ છે અને તે હવે નેતૃત્વ અન્ય કોઇ ખેલાડીના હાથમાં સોંપવા માગે છે. પીસીબીના પ્રમુખ શહરયાર ખાને તો વર્લ્ડ કપ બાદ પસંદગી સમિતિને પણ વિખેરી નાખવાનો સંકેત આપ્યો છે. પીસીબીના એક અધિકારીના અનુસાર પાકિસ્તાન સેમિ-ફાઇનલ સુધી પહોંચે અથવા વર્લ્ડ કપ જીતી જાય તો પણ હારુન રશીદના નેતૃત્વની પસંદગી સમિતિ અંગે નિર્ણય લેવાઇ ચૂક્યો છે.
પીસીબી નવા કોચની વરણીને વકાર યુનુસનો કોન્ટ્રાક્ટ પણ પૂરો કરવાની ઇચ્છા રાખે છે. એશિયા કપમાં ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવા એક સમિતિ રચવામાં આવી હતી. જેની ત્રણ બેઠકો યોજાઇ ચૂકી છે. સમિતિ ટીમ મેનેજમેન્ટ તથા પસંદગીકારોથી સંતુષ્ટ નથી. રશીદ પર જાતે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો આક્ષેપ પણ છે.
પાક. ચાહકોએ ટીવી તોડ્યા
પરંપરાગત હરીફ ભારત સામે ટી૨૦ વર્લ્ડ કપમાં પરાજય બાદ પાકિસ્તાનમાં સમર્થકોએ ટીવી તોડ્યા હતા અને તેઓએ કેટલાક સ્થળોએ રસ્તાઓ ઉપર આવીને ટીમ તથા ક્રિકેટ બોર્ડ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ કેપ્ટન આફ્રિદીની તેના નબળા નેતૃત્વની આકરી ઝાટકણી કાઢી હતી. વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાએ પણ ભારત સામેના મુકાબલામાં એક વધારાનો સ્પિનર નહીં રમાડવાની રણનીતિ અંગે આફ્રિદીની ટીકા કરી હતી. લારાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના પ્રદર્શનથી મને નિરાશાઃ થઈ છે.
ભારત સામે પાકિસ્તાનની હારના કારણ
વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારત સામે ક્યારેય કોઈ પણ ફોર્મેટમાં જતી શક્યું નથી. ઇડન ગાર્ડનમાં પણ આ સ્થિતિ જળવાઈ રહી હતી. અને આ મેદાન પર પાકિસ્તાનનો ભારત સામે નહીં હારવાનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. પાકિસ્તાન હંમેશાં વર્લ્ડ કપની મોટી મેચોમાં હારી જાય છે. આ પહેલાં પાકિસ્તાનની ટીમ વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર જેવા મોટા ખેલાડીઓ સામે ગભરાતી હતી. હવે પાકિસ્તાનના મોટા ભાગના ખેલાડીઓ વિરાટ કોહલી જેવા બેટ્સમનથી ગભરાય છે.
બીજું કારણ એ છે કે ઓપનિંગ અને ડેથ ઓવરોમાં પાકિસ્તાનની ટીમ પ્રભાવશાળી પ્રદર્શન નથી કરી શકતી. વળી પાકિસ્તાનના બેટિંગ લાઇન પણ વધારે મજબૂત નથી. બીજી તરફ ભારતની બેટિંગલાઇન ઘણી મજબૂત છે. અને એક-બે વિકેટ વહેલી પડી જાય તો ખેલાડીઓ પર દબાણ આવતું નથી. ભારત લક્ષ્ય હાંસલ કરી શકે છે. જ્યારે પાકિસ્તાનની બેટિંગમાં સાતત્ય નથી. પાકિસ્તાન પાસે કોઈ સારો ફિનિશર પણ નથી જ્યારે ભારત પાસે ધોની ઉપરાંત અન્ય ખોલાડીઓ પણ ફિનિશરની ભૂમિકા નિભાવે છે.

