‘અરે, સાહેબ, આજે પાકીટ ભુલી ગયા લાગો છો?’ રાહુલને આ શબ્દો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરનાર ગામડાના એક શ્રમિક યુવાને કહ્યા ત્યારે એ છોભીલો પડી ગયો.
એકવીસમી સદીના યુવાનોને દોડધામ - સ્ટ્રેસ અને અનેક કામો એક સાથે પૂરા કરવાની મનોવૃત્તિએ ઘેરી લીધા છે. રાહુલ પણ એમાંનો જ એક છે. ઉચ્ચ મધ્યમ વર્ગનો પરિવાર. ખુબ સારી નોકરી, પગાર પણ સારો, પત્ની પણ ટ્યુશનો કરે અને પરિવારને આર્થિક ટેકો આપે. આ બધાની સામે મહાનગરની લાઈફને અનુરૂપ ગેસબીલ, કાર તથા મકાનની લોનના હપ્તા જેવા બાંધેલા ખર્ચા અને બાળકોના અભ્યાસ તથા પરિવારમાં મહેમાનોની સતત આવન-જાવનના કારણે આર્થિક રીતે મોટી બચત થાય એવા કોઈ સંજોગો ઘરમાં અવસર બનીને આવે નહીં. ઓફિસનો વર્કલોડ પણ અતિશય રહે, પરિણામે રાહુલની સ્થિતિ એવી કે ઓફિસે જવાનો સમય નક્કી, પરંતુ ઓફિસેથી પરત આવવાના સમયના કોઈ જ ઠામ-ઠેકાણા
નહીં. પરિણામે રાહુલ સતત દોડધામમય જીંદગી જ જીવતો હતો.
આજે પણ એવી જ રીતે પૂરા દિવસનું શિડ્યુલ ગોઠવાયું હતું. બીજો શનિવાર એટલે કંપનીમાં રજાનો દિવસ હતો. દીકરીની સ્કૂલમાં પેરન્ટ્સ મિટિંગ, સ્કૂટર રિપેર, પત્ની સાથે કોઈને ત્યાં સામાજિક પ્રસંગે જવાનું, આખ્ખા મહિનાની રાશન ખરીદી અને બીજા બે-ચાર કામોની યાદી લઈને નીકળેલો રાહુલ બપોરે ૩ વાગ્યે ઘરે પહોંચ્યો હતો. પત્નીએ ભોજન માટે થાળી પીરસી ત્યાં ફોન રણક્યો. અચાનક કોઈ મહત્ત્વના દસ્તાવેજો એણે એક જગ્યાએ પહોંચાડવાના હતા. થોડુંઘણું જમ્યો અને જરૂરી કાગળોની ફાઈલ કરીને એ સ્કૂટર પર નીકળ્યો. અચાનક ધ્યાન ગયું કે પેટ્રોલ ખાલી થવામાં છે, આગળ જતાં પેટ્રોલ પંપ આવ્યો ત્યાં ઉતાવળે ઉતાવળે પેટ્રોલ રૂ. ૨૦૦નું ભરવા પેટ્રોલ ભરનારા છોકરાને કહ્યું. પાકીટમાંથી પૈસા કાઢવા ગયો તો ખ્યાલ આવ્યો કે પાકીટ જ ભૂલી ગયો છે એ ઘરે. પેન્ટના ખિસ્સા ફંફોસ્યા, પણ પાકીટ કે પૈસા કાંઈ ન હતું. રાહુલ પેટ્રોલ ભરનારા છોકરા સામે જોયું ત્યાં એ ઉપરનો સંવાદ હસતાં હસતાં કરી ગયો.
‘રહેવા દે ભાઈ, અત્યારે પૈસા નથી. ફરી આવીશ.’ રાહુલે પેલા છોકરાને ખચકાતાં ખચકાતાં કહ્યું.
‘સાહેબ ચિંતા ન કરો, ક્યારેક આવું પણ થાય, તમારી પાસે અત્યારે પૈસા નથી, પરંતુ મારી પાસે વિશ્વાસ છે તમારા પક્ષનો, લ્યો આ પેટ્રોલ ભર્યું... પૈસા અનુકૂળતાએ આપજો.’ ને મહેન્દ્ર નામના એ છોકરાએ પેટ્રોલ ભરી દીધું. હસતાં હસતાં રાહુલને આવજો કહ્યું... રાહુલે પણ થેન્ક્સ કહીને ઉમેર્યું, ‘દોસ્ત, કલાકમાં જ આવીને પૈસા આપી જાઉં છું.’ એ આપી આવ્યો પણ ખરો અને મહેન્દ્ર નામના એ નાના માણસની મોટાઈ પર ઉપજેલા સન્માનનું સ્મરણ કરતો કરતો એ ઘરે આવ્યો.
•••
ઘટના અહીં જે લખી એ સાવ નાની છે, પાત્રોનું કદ અને સમાજમાં વ્યાપ પણ કદાચ નાનો છે. આપણી આસપાસ આવી ઘણી ઘટના બનતી જ હશે, પરંતુ એમાંથી પ્રગટતો સંદેશ અને સમય પર વ્યક્ત થયેલી સમજણ કે વિશ્વાસનું મૂલ્ય બહુ મોટું છે.
પેટ્રોલ પંપ પર કામ કરનાર એ મહેન્દ્ર નામના શ્રમિકમાં રહેલી માણસને ઓળખવાની શક્તિ કાબિલેદાદ છે. મહત્ત્વનું છે કે અહીં નાના માણસે મોટાઈ દાખવી છે. નાના માણસે મોટા માણસનો સમય અને આબરૂ સાચવ્યા છે.
સમાજજીવનનું દર્શન કરીએ ત્યારે સમજાય છે કે કોઈ માણસને બીજાની જરૂર જ ન પડે એટલો કોઈ મોટો નથી હોતો અને બીજાને ઉપયોગી થઈ જ ન શકે એટલો કોઈ માણસ નાનો નથી હોતો.
આર્થિક કે સામાજિક રીતે નાના માણસો સ્વભાવ અને વર્તન દ્વારા માણસાઈને અને માણસને સર્વોત્તમ રીતે પ્રગટ કરે છે ત્યારે એમના વાણી-વિવેકને વર્તન દ્વારા મોટા માણસોના જીવનમાં અજવાળા રેલાય છે.
