લેસ્ટરની ડી મોન્ટફોર્ડ યુનિ.ને પૂર્વ વિદ્યાર્થી ડો. વિજય પટેલનું £૧ મિલિયનનું દાન

Wednesday 23rd March 2016 09:16 EDT
 
ડો. વિજયભાઇ પટેલ તથા શ્રીમતી સ્મિતાબહેન પટેલ
 

વિશ્વના સૌથી સફળ ફાર્મસીસ્ટ દંપતિઓ પૈકીના એક ડો. વિજય પટેલ અને તેમના પત્ની સ્મિતાબેન પટેલ લેસ્ટરની ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી (ડીએમયુ)ને એક મિલિયન પાઉન્ડનું ડોનેશન કરશે. પોતાના સ્વપ્નને સાકાર કરવા માગતા આર્થિક જરૂરતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અા દંપતિ પોતાની સંપત્તિનો ઉપયોગ કરશે. વે મેડ હેલ્થકેરના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર ડો. વિજય પટેલ અને તેમના પત્ની સ્મિતા પટેલ દ્વારા અપાનારું આ દાન ડીએમયુના ઈતિહાસમાં સૌથી મોટું વ્યક્તિગત ડોનેશન હશે. તેમના ડોનેશનના સન્માનમાં ફેકલ્ટી ઓફ આર્ટ, ડિઝાઈન અને હ્યુમેનિટિઝ માટેના નવા બિલ્ડીંગને ‘વિજય પટેલ બિલ્ડીંગ’ નામ અપાશે. ફેકલ્ટી ઓફ હેલ્થ એન્ડ લાઈફ સાયન્સમાં નવીનીકરણ કરાયેલી લેબોરેટરીને ડો. વિજયભાઇ પટેલના પત્ની સ્મિતાબેનનું નામ અપાશે.
ડીએમયુની લેસ્ટર સ્કૂલ ઓફ ફાર્મસીના ગ્રેજ્યુએટ ડો. પટેલ અને ફર્સ્ટક્લાસ ઓનર્સ સાથે ઉત્તીર્ણ થયેલા સ્મિતાબેન પટેલ આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અને ખૂબ ઝડપથી મેડિસીનનું ઉત્પાદન કરવા સક્ષમ ખાસ મશીન ‘એક્સટ્રુડર’ ખરીદવા માટે એક મિલિયન પાઉન્ડનું ડોનેશન કરશે.
ડો. પટેલે જણાવ્યું હતું કે તેઓ પોતાને સફળતા મેળવવામાં મદદરૂપ થનાર યુનિવર્સિટીને કંઇક પાછું આપવા માગે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં હું ઘણું શીખ્યો, જે મને કારકિર્દી ઘડવામાં સહાયક બન્યું. માત્ર શૈક્ષણિક કૌશલ્ય જ નહીં પરંતુ વિશ્વાસ અને મહત્ત્વાકાંક્ષા પણ મેળવ્યા. હું દુનિયા સમક્ષ જઉં અને મારા માટે ઈચ્છિત ભવિષ્ય બનાવી શકું તેવી લાગણી પણ મારામાં જન્મી હતી. આપણે શું હાંસલ કર્યું અને આપણને જે અનુભવની તક મળી તેવી તક વધુને વધુ લોકોને મળે તેમાં મદદરૂપ થઈ શકીએ તે માટે શિક્ષણ અને યુનિવર્સિટીનો અનુભવ એક આધાર સમાન છે.
ગ્રેજ્યુએટ થયા પછી ડો. વિજયભાઇ પટેલ અને તેમના પત્ની સ્મિતાબહેને ૧૯૭૫માં એસેક્સમાં તેમની પહેલી ફાર્મસી શરૂ કરી. તેમનો બિઝનેસ વધતો જ ગયો અને તેમણે કેમિસ્ટ શોપની ચેઈન શરૂ કરી. ૧૯૮૪માં ડો. પટેલના ભાઈ ભીખુભાઈએ અા દંપતી સાથે મળીને ડિસ્ટ્રીબ્યુશન કંપની વે મેડ હેલ્થકેરની સ્થાપના કરી. આ કંપની તેની ચેઈન શોપ્સ, તેમજ હોસ્પિટલો, હોલસેલર્સ અને અન્ય ફાર્મસીને મેડિસીન પૂરી પાડતી હતી.
૨૦૦૩માં ગ્રૂપે વિશ્વભરની બ્રાન્ડેડ પ્રોડક્ટસ ખરીદવા અને પ્રમોટ કરવા માટે એમડીફાર્મ નામે નવું ડિવિઝન શરૂ કર્યું. એમડીફાર્મનો ખૂબ ઝડપી વિકાસ થયો. ૨૦૧૨માં તે વેચાઈ ત્યારે માત્ર નવ વર્ષના ગાળામાં ૧૦૦થી વધુ દેશોમાં તે કાર્યરત હતી. ડો. પટેલ અત્યારે યુકેના સૌથી સફળ એન્ટ્રેપ્રીન્યોર્સ પૈકીના એક છે અને તેમણે યુકે અને વિદેશમાં ઉચ્ચ સ્તરીય બિઝનેસ સંપર્કો બનાવ્યા છે.
શ્રીમતી સ્મિતાબહેને જણાવ્યું કે તેઓ અને તેમના પતિ સંપત્તિનો ઉપયોગ અન્યોને લાભ આપવા માટે કરવા માગે છે. તેમણે કહ્યું,‘ એક પરિવાર તરીકે અમે હંમેશા માનીએ છીએ કે શિક્ષણ એ જીવન માટેની ભેટ છે, જે વ્યક્તિને તેના સપના પૂરા કરવા માટેનું બળ પૂરું પાડે છે.
ડો. પટેલના ડોનેશનથી અપાનારી સ્કોલરશિપ વે મેડ સ્કોલરશિપ તરીકે ઓળખાશે અને ૨૦૧૬-૧૭ના શૈક્ષણિક વર્ષના આરંભથી ફૂલ ટાઈમ તેમજ પાર્ટ ટાઈમ અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણે અપાશે.


comments powered by Disqus