ઇન્દોર-પટણા રેલ દુર્ઘટનાઃ બોધપાઠ ક્યારે લેશું?

Tuesday 22nd November 2016 13:49 EST
 

ભારતના ટ્રાન્સપોર્ટેશન નેટવર્કમાં ધોરીનસ જેવું સ્થાન ધરાવતું રેલવે તંત્ર ફરી એક વખત ગમખ્વાર દુર્ઘટનાને કારણે સમાચારમાં છે. રેલવે તંત્રના સબ સલામતના દાવાઓમાં ભરોસો મૂકીને નિરાંતની નીંદર માણી રહેલા ૧૪૬ પ્રવાસીઓ હંમેશા માટે મૃત્યુની ગોદમાં પોઢી ગયા. આ વાત શરમજનક હોવા ઉપરાંત દુઃખદ છે. કાનપુર નજીક ઇન્દોર-પટણા એક્સપ્રેસ ખડી પડવાની દુર્ઘટનાએ રેલવેના સુરક્ષાના દાવાઓની પોકળતા છતી કરવાની સાથોસાથ આમ આદમીનો ભરોસો પણ તોડ્યો છે. દુનિયાના સૌથી મોટા રેલવે નેટવર્કમાં સ્થાન ધરાવતી ભારતીય રેલમાં દરરોજ સવા બે કરોડથી પણ વધુ મુસાફરો પ્રવાસ કરે છે. આમ છતાં રેલ દુર્ઘટનાઓ રોકવા માટેના પ્રયાસોમાં ઢીલોઢાલો અભિગમ ખરેખર ચિંતાજનક છે.
અહીં સવાલ એ છે કે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઇ હોવાના ભારપૂર્વકના દાવા છતાં ભારતમાં આવી દુર્ઘટનાઓ અટકતી કેમ નથી? સંસદ ગૃહમાં બેસતાં નીતિ ઘડવૈયાઓથી માંડીને આમ આદમી પણ આવી દુર્ઘટનાઓના કારણો અને તેના નિવારણથી માહિતગાર છે. છતાં દર વર્ષે ટ્રેનના કોચ ખડી પડવાની કે કોચમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. આ અકસ્માત માટે પ્રાથમિક કારણ એવું અપાયું છે કે ઠંડીના કારણે રેલવે ટ્રેકમાં તિરાડ પડી ગઇ હતી. નિષ્ણાતોના મતે શિયાળામાં આમ થવું સામાન્ય છે. પરંતુ જો ખરેખર ઠંડીના કારણે પાટામાં તિરાડ પડવાથી આ દુર્ઘટના સર્જાઇ હોય તો તે વધુ દુર્ભાગ્યપૂર્ણ અને ચિંતાજનક છે. દુનિયાના કેટલાય દેશોમાં માઇનસ તાપમાન છતાં પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક રેલવે સંચાલન થાય જ છે. દુર્ઘટનાનું સાચું કારણ તો તપાસ બાદ બહાર આવશે જ, પરંતુ પીડાદાયક બાબત એ છે કે ભૂતકાળમાં આટલા અકસ્માત થવા છતાં રેલવે તંત્રે તેમાંથી કોઇ બોધપાઠ લીધાનું જણાતું નથી. આજે દુનિયાભરમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રેલવે દુર્ઘટનાનું પ્રમાણ શક્ય તેટલું ઘટાડવા પ્રયાસ થઇ રહ્યો છે. જ્યારે ભારતમાં ૮૦ ટકા દુર્ઘટનાઓ માનવીય ભૂલ કે અન્ય કોઇ ચૂકના કારણે થતી હોવાનો અંદાજ છે.
ભારતીય રેલવેના આંતરિક અભ્યાસ અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષમાં રેલવેનો સુરક્ષા રેકોર્ડ સૌથી ખરાબ રહ્યો છે. એક તરફ રેલવે તંત્રને આધુનિક બનાવવા કરોડો રૂપિયાનું બજેટ ફાળવાયું છે ત્યારે બીજી તરફ અકસ્માતોનું પ્રમાણ ઘટવાના બદલે વધી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે એપ્રિલથી નવેમ્બરના આઠ માસમાં ડિરેલમેન્ટના કિસ્સામાં ૬૭ ટકાનો વધારો થયો છે. આવી ઘટનાઓ બનવાનું મુખ્ય કારણ રેલવે દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણીમાં બેદરકારી ગણાય છે. રિપોર્ટ અનુસાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અપૂરતી કામગીરીના કારણે ડિરેલમેન્ટ વધ્યું છે. ગયા વર્ષે એપ્રિલથી નવેમ્બરમાં પાટા પરથી ટ્રેન ઊતરી જવાના ૩૭ કિસ્સા બન્યા હતા, જે આંકડો આ વર્ષે વધીને ૬૨ થયો છે. ગયા વર્ષે આ જ ગાળામાં ટ્રેન અકસ્માતોની સંખ્યા ૬૯ હતી, જે આ વર્ષે વધીને ૮૦ થઇ છે.
ભૂતકાળમાં હંમેશા બનતું રહ્યું છે તેમ આ વખતે પણ દુર્ઘટના થઇ કે શાસક-વિપક્ષના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે. સરકારે વળતર જાહેર કર્યું છે. પરંતુ આ બધાથી મૃત્યુ પામેલા પ્રવાસી પાછા આવી જવાના નથી. રેલવેની એક કમિટીના રિપોર્ટના આંકડાઓ અનુસાર ભારતમાં દર વર્ષે રેલવે દુર્ઘટનાઓ ૧૫ હજાર માનવજિંદગી ભરખી જાય છે. બુલેટ ટ્રેનનું સપનું જોઇ રહેલા દેશ માટે આ આંકડો ચોંકાવનારો છે. ભારત જાપાન-ચીનની જેમ બુલેટ ટ્રેન તો ચલાવવા માગે છે, પણ રેલવે સુરક્ષાના મામલે તેમની પાસેથી કંઇ શીખવા માગતો નથી. જાપાનમાં છેલ્લા ૫૦ વર્ષમાં આંગળીના વેઢે ગણાય તેટલી ત્રણ-ચાર રેલવે દુર્ઘટનાઓ જ થઇ છે. જ્યારે ભારતમાં દર વર્ષે પાંચથી સાત મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. રેલવેને દુર્ઘટનારહિત બનાવવાના નામે અધિકારીઓ વિદેશપ્રવાસ કરી આવે છે, પણ ત્યાંથી શીખીને કંઇ આવતા હોય તેવું લાગતું નથી. જો તેઓ કંઇક શીખીને આવતા હોત, અને ભારતમાં તેનો અમલ કરતા હોત તો દર વર્ષે સેંકડો પરિવારોની હંસતી-ખેલતી જિંદગી મોતના મુખમાં ન ધકેલાઇ જતી હોત.


comments powered by Disqus