સુપ્રીમ કોર્ટ - ભારતીય ક્રિકેટ બોર્ડનો કાનૂની મેચ

Tuesday 22nd November 2016 13:50 EST
 

ભારતની સર્વોચ્ચ અદાલત અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત ક્યારે આવશે એ તો સમય જ કહેશે, પરંતુ એટલું નક્કી છે કે સુપ્રીમ કોર્ટે આ રમતગમત સંગઠન પર જે કાનૂની સકંજો કસ્યો છે તેનાથી ક્રિકેટ અને ક્રિકેટરોનું ભલું તો અવશ્ય થશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રચાયેલી લોઢા કમિટીએ બોર્ડના તમામ પદાધિકારીઓની બરતરફીનું સૂચન કરીને જંગને નિર્ણાયક વળાંક પર લાવી દીધો છે. એટલું જ નહીં, કમિટીએ દિશા-નિર્દેશોનું પાલન નહીં કરનારા રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને પણ બરતરફ કરવાનો અનુરોધ કર્યો છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં રચાયેલી લોઢા કમિટીએ ૨૨ મહિનામાં અનેક ભલામણો, સૂચનો કર્યા છે, પરંતુ કંઇ નક્કર પરિણામ આવ્યું નથી. સુપ્રીમ કોર્ટ ક્રિકેટ બોર્ડને રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની ચુંગાલમાંથી છોડાવીને તેનું સુકાન ખેલાડીઓના હાથમાં સોંપવા માગે છે, જેથી ક્રિકેટ બોર્ડ માત્ર નામ અને દામ કમાવાનું કેન્દ્ર બનીને ન રહી જાય. છેલ્લા કેટલાક વર્ષોના બોર્ડના વહીવટ અને તેમાં ખેલાતા રાજકારણ પર નજર ફેરવશો તો સમજાઇ જશે કે સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ કેટલો આવકાર્ય છે. બે દસકા પહેલાં ક્રિકેટ બોર્ડના અધ્યક્ષપદે રાજસિંહ ડુંગરપુર હતા, આ પછી કોઇ ખેલાડીને આ સ્થાને પહોંચવાનો અવસર મળ્યો નથી. સુનિલ ગાવસ્કર અવશ્ય એક વખત ટૂંકા ગાળા માટે વચગાળાના અધ્યક્ષ બન્યા હતા. આ સિવાય ક્યારેક એ. સી. મુથૈયા તો ક્યારેક જગમોહન દાલમિયા, ક્યારેક એન. શ્રીનિવાસન્ અને હવે સાંસદ અનુરાગ ઠાકુર જેવા ઉદ્યોગપતિઓ કે રાજકીય નેતાઓ બોર્ડનું સુકાન સંભાળી રહ્યા છે. આ લોકોની નજર ક્રિકેટ અને ખેલાડીઓના ઉત્થાન કરતાં વ્યાવસાયિક બાબતો પર જ વધુ હોય છે.
બીસીસીઆઇમાં સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ બેશક આવકાર્ય છે. પરંતુ અહીં સવાલ એ છે કે રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને હટાવવાની આ ઝૂંબેશ ક્રિકેટ પૂરતી જ કેમ સીમિત રહેવી જોઇએ? દેશના અન્ય કોઇ પણ રમતગમત સંગઠન પર નજર નાખશો તો આવી જ સ્થિતિ જોવા મળશે. નેતાઓથી માંડીને અધિકારીઓ અડીંગો જમાવીને અંગત હિતો સાધી રહ્યા છે. કેટલાક રમતગમત સંગઠનો પર એક જ વ્યક્તિએ બે-ત્રણ દસકાઓથી કબ્જો જમાવી રાખ્યો છે. દાવો તો થાય છે કે આ પદાધિકારીઓ ચૂંટણી જીતીને સંગઠનનો કાર્યભાર સંભાળે છે, પરંતુ ચૂંટણી કઇ રીતે થાય છે તેનાથી કોઇ અજાણ નથી. આઝાદી બાદ ભારતે લગભગ દરેક ક્ષેત્રમાં સિદ્ધિના શિખરો સર કર્યા છે, પરંતુ રમતગમતની વાત કરશો તો કડવી હકીકત ઉડીને આંખે વળગશે કે ક્રિકેટ જેવી એકાદ રમતને બાદ કરતાં બાકીની તમામ રમતોમાં ભારત પાછળ છે. ઓલિમ્પિક ગેમ્સના ચંદ્રકવિજેતા દેશોની યાદી આની સાક્ષી છે. સુપ્રીમ કોર્ટ ક્રિકેટ બોર્ડની અનિયમિતતા તો દૂર કરે જ, પરંતુ સાથોસાથ બીજા રમતગમત સંગઠનો પર પણ ધ્યાન આપે તે સમયની માગ છે. રાષ્ટ્ર, રમત અને ખેલાડી - સહુ કોઇના હિતમાં છે.


comments powered by Disqus