ક્રાઈસ્ટચર્ચઃ ન્યૂ ઝિલેન્ડના બ્રેન્ડન મેક્કુલમે ક્રિકેટના મેદાનમાંથી યાદગાર ઇનિંગ સાથે નિવૃત્તિ લીધી છે. વિદાય ટેસ્ટમાં પણ તે એવા જ અંદાજમાં રમ્યો, જેના માટે તે ઓળખાય છે. તેણે વિદાય ટેસ્ટમાં માત્ર સૌથી ઝડપી સદી નથી ફટકારી, પરંતુ અનેક રેકોર્ડ્સ પણ તેના નામે કર્યા છે. અંતિમ ટેસ્ટના પહેલા દાવમાં પહેલા ૫૦ રન ૩૪ બોલમાં, બીજા ૫૦ રન ૨૦ બોલમાં અને અંતિમ ૪૫ રન ૨૫ બોલમાં બનાવ્યા હતા. તેણે ટેસ્ટમાં ૧૨ સદી ફટકારી છે. તેમાંથી ૮ વખત ૧૪૦થી વધુ રન બનાવ્યા છે.
• સૌથી ઝડપી ઈનિંગઃ માત્ર ૭૮ મિનિટ ક્રિઝ પર રહ્યો. સદી માટે ૧૬ ચોગ્ગા, ૪ છગ્ગા ફટકાર્યા. માત્ર ૧૨ રન દોડીને કર્યા. ૫૪માંથી ૨૫ બોલ ડોટ્સ રહ્યા. ૧૪૫ રનની ઈનિંગમાં ૬ છગ્ગા, ૨૧ ચોગ્ગા માર્યા. એટલે કે માત્ર ૨૫ રન દોડીને લીધા.
• સૌથી વધુ છગ્ગાઃ ૧૦૬ છગ્ગા મેક્કુલમના નામે છે. અગાઉ ટેસ્ટ મેચોમાં સૌથી વધુ છગ્ગાનો વિક્રમ ગિલક્રિસ્ટના નામે હતો, જેણે ૧૦૦ છગ્ગા લગાવ્યા છે. સિક્સર કિંગ કહેવાતા ક્રિસ ગેલ ૯૮ છગ્ગા સાથે ત્રીજા નંબરે છે.
• સૌથી ઝડપી સદીઃ મેક્કુલમે ૫૪ બોલમાં ૧૦૦ રન કર્યા. ઝડપી ટેસ્ટ સદીનો વિવ રિચર્ડ્સ, મિસ્બાહનો વિક્રમ તોડ્યો. રિચર્ડ્સે ૧૯૮૬માં, મિસ્બાહે ૨૦૧૪માં ૫૬ બોલમાં ટેસ્ટ સદી કરી હતી. ભારત તરફથી કપિલ દેવે ૧૯૮૬-૮૭માં ૭૪ બોલમાં સદી કરી હતી.
• સતત ૧૦૧ ટેસ્ટ રમ્યોઃ મેક્કુલમે ડેબ્યુથી નિવૃત્તિ સુધી સતત ૧૦૧ ટેસ્ટ મેચ રમનાર
વિશ્વનો સૌપ્રથમ ક્રિકેટર છે. ૧૩૯ વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં અને કોઈ ખેલાડી ડેબ્યુથી નિવૃત્તિ સુધી સતત નથી રમ્યો. ૨૦૦૪માં ડેબ્યુ કરનાર મેક્કુલમ પહેલી મેચના પહેલા દાવમાં શૂન્ય પર આઉટ
થયો હતો.

