અનામતની માગઃ આ આગ ક્યારે બૂઝાશે?

Wednesday 24th February 2016 05:44 EST
 

ગુજરાતના પાવરફુલ પટેલ સમાજની અનામતની માંગનું કોકડું વણઉકેલ છે ત્યારે હરિયાણામાં ગુજરાતના પટેલ સમુદાય જેવા જ શક્તિશાળી જાટ સમુદાયે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની માગ સાથે રાજ્યને ભડકે બાળવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારે માગણી સ્વીકારવાની સૈદ્ધાંતિક ખાતરી આપી હોવા છતાં જાટ સમુદાય આ મુદ્દે વટહુકમ બહાર ન પડે ત્યાં સુધી આંદોલન સમેટવાના મૂડમાં નથી. હિંસક આંદોલનના કારણે અત્યાર સુધી લગભગ ૨૦નાં મૃત્યુ થયા છે, સેંકડોને ઇજાગ્રસ્ત થયા છે અને હિંસા-આગજનીમાં જાહેર અને ખાનગી માલમિલકતને સેંકડો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વેપાર-ધંધા ઠપ્પ થઇ જવાથી થયેલું નુકસાન તો અલગ. સામાન્યતઃ અનામત જેવા આંદોલન વખતે રાજ્ય સરકારની ભારે કફોડી હાલત થતી હોય છે. વિપક્ષ સરકારવિરોધી અંસતોષનો લાભ ઉઠાવવા ટાંપીને જ બેઠો હોય છે. જોકે આ બાબતમાં મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર સરકારને નસીબદાર ગણવી રહી. મુખ્ય પ્રધાને યોજેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષોએ આ આંદોલન સમેટવામાં સહયોગ આપવાની ખાતરી આપી છે. સાથોસાથ જાટોને અનામતનો લાભ આપવાનો કાયદો બનાવવા પણ રાજકીય પક્ષોએ સંમતિ દર્શાવી છે.
જાટ સમુદાયને અનામતનો લાભ આપવાના મુદ્દે રાજકીય પક્ષોમાં ભલે સર્વસંમતિ પ્રવર્તતી હોય, પણ આ વાતનો અમલ દેખાય છે તેટલો આસાન નથી. અગાઉ યુપીએ સરકારે જાટ સમુદાયને કેન્દ્રીય નોકરીઓમાં પછાત વર્ગ હેઠળ અનામતનો લાભ આપ્યો હતો. જોકે પછી સુપ્રીમ કોર્ટે આ સરકારી આદેશને રદ ઠરાવ્યો હતો. આ પછી સરકારે જાટ સમુદાયને વિશેષ આર્થિક પછાત વર્ગના સમુદાયોની અનામત શ્રેણીમાં મૂકીને ૧૦ ટકા અનામતનો લાભ આપ્યો તો હાઇ કોર્ટ તેને પણ ગેરકાયદે ઠરાવ્યો. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. હવે હરિયાણા સરકારે ફરી એક વખત આ શ્રેણીમાં ૨૦ ટકા અનામતની દરખાસ્ત કરી છે, જે જાટ સમુદાયને સ્વીકાર્ય નથી. આમ જાટોને અનામત આપવાનું કોકડું ભારે ગૂંચવાયું છે. જાટ જેવા શક્તિશાળી - અને તગડી વોટબેન્ક ધરાવતા - સમુદાયને અનામત જેવો લાભ આપવાનો ફાયદો રાજકીય પક્ષોને મળે જ તેવું પણ નથી. ગયા વખતે યુપીએ સરકારે જાટ સમુદાયને અનામતનો લાભ આપ્યો હોવા છતાં કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોનો જાટ વર્ચસ ધરાવતા વિસ્તારમાં જ પરાજય થયો હતો.
એક તરફ ગુજરાતના પટેલ સમુદાયની અનામતની માગણી હજી પેન્ડીંગ છે ત્યાં જાટ સમુદાય મહદ્ અંશે પોતાનું ધાર્યું કરાવવામાં સફળ રહ્યો છે. હવે દેશના અન્ય ભાગોમાં પણ વગદાર વર્ગો અને સમુદાયો તરફથી આવી માગ ઉઠે તેવી વિકટ સ્થિતિ આકાર લઇ રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે દેશને દિન-પ્રતિદિન અશાંતિના વમળમાં ફસાતો અટકાવવો હશે તો શાસકો અને સામાજિક અગ્રણીઓએ સાથે મળીને આ અંગે કંઇ નક્કર ઉકેલ શોધ્યા વગર છૂટકો નથી.


comments powered by Disqus