જોહાનિસબર્ગઃ ડીવિલિયર્સના ઝંઝાવાતી ૨૯ બોલમાં ૭૧ રન અને હાશિમ અમલાના ૩૮ બોલમાં અણનમ ૬૯ રનની મદદથી સાઉથ આફ્રિકાએ બીજી ટી૨૦માં ઇંગ્લેન્ડ સામે નવ વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે જ સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને બે મેચની શ્રેણીમાં ૨-૦થી હરાવ્યું છે.
સાઉથ આફ્રિકાએ રવિવારે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રવાસી ટીમને દાવ આપ્યો હતો. ઇંગ્લેન્ડનો દાવ ૧૯.૪ ઓવરમાં ૧૭૧ રનમાં સમેટાયો હતો, જેની સામે યજમાન ટીમના ઓપનરો વિલિયર્સ અને અમલાએ માત્ર ૮.૨ ઓવરમાં ૧૨૫ રન કરીને ટીમનો વિજય નિશ્ચિત કર્યો હતો. ડીવિલિયર્સે ૨૯ બોલની ઇનિંગ્સમાં છ બાઉન્ડ્રી અને છ સિક્સર ફટકારી હતી. અમલાએ ૬૯ રનની ઇનિંગ્સમાં આઠ બાઉન્ડ્રી, ત્રણ સિક્સર ફટકારી હતી.
કેપટાઉન ટી૨૦
ઇમરાન તાહિરની ચાર વિકેટ બાદ મોરિસે અંતિમ ઓવર્સમાં રમેલી ઝડપી ઇનિંગ્સની મદદથી યજમાન સાઉથ આફ્રિકાએ પ્રવાસી ઇંગ્લેન્ડને પ્રથમ ટી૨૦ મેચમાં ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. કેપટાઉનમાં ૨૦ ફેબ્રુઆરીએ રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૩૪ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ સાત વિકેટે ૧૩૫ રન કર્યા હતા. જેમાં મોરિસે બાઉન્ડ્રી તથા સિક્સર ફટકારી હતી. તેણે સાત બોલમાં ૧૭ રન ફટકાર્યા હતા.

