કૈરોઃ ઈજિપ્તની રાજધાની કૈરોમાં એક છોકરી કોઈ વાત પર પરેશાન થઈને હતાશ અને નિરાશવદને રસ્તો ક્રોસ કરી રહી હતી. તે સમયે તેના પર કેટલીક મહિલાઓની નજર પડી. તેઓ તેની પાસે પહોંચી. તેમની સાથે વાત કરે છે, પ્રોત્સાહિત કરે છે અને કહે છે કે તમે પણ ઘણું કરી શકો છો. નિરાશ થશો નહીં. તમે ૧૦૦ પુરુષ બરાબર છો...
આજકાલ આ વાક્ય ઈજિપ્તના મીડિયા અને લોકો વચ્ચે ઘણું ચર્ચામાં છે. આ વાક્ય દેશની યુવતીઓને પ્રોત્સાહન, મહત્ત્વકાંક્ષા, આશા અને આત્મસન્માન જગાવવા માટે છે. તેમને કહેવામાં આવે છે કે પડકારનો સામનો કરો અને સંઘર્ષ કરી તમે સફળ થઈ શકો છો. હકીકતમાં એક અભિયાન છે. જેનું નામ એક છોકરી ૧૦૦ની બરાબર.
અભિયાનના સ્થાપક રાનિયા અયમાન છે. તેઓ પોતાની એક કંપની ચલાવે છે. તેઓ મહિલા ઉદ્યોગકારોને જુસ્સો આપવાનું કામ કરે છે. અયમાન ઉપરાંત પોતાની ઘણી ડિજીટલ કંપનીઓ પણ ચલાવે છે. રાનિયા કૈરોના રસ્તા પર તથા દૂર દૂરના વિસ્તારોમાં જઈ મહિલા સહયોગીઓ સાથે કન્યાઓને પણ તેમના અધિકારો માટે પ્રેરિત કરે છે. દેશની તમામ ક્ષેત્રની સફળ મહિલાઓને મળે છે. તેમની સાથે વાત કરે છે. અને તેમની કથા રેકોર્ડ કરે છે. આ ઉપરાંત દુનિયાની સફળ મહિલાઓની ખરેખર સંઘર્ષની કથા હોય તે અખબારો, ટીવી, રેડિયો મારફતે મેળવે છે. તેનું ડોક્યુમેન્ટેશન કરે છે. ત્યારબાદ તેને એવી કન્યાઓને સંભળાવે છે, વંચાવે છે, બતાવે છે કે જેઓ થાકી હારીને નિરાશ થઈને બેસી ગઈ હોય. તે કન્યાઓને ફરીથી પોતાના લક્ષ્ય સુધી પહોંચવા આગળ વધવા પ્રેરિત કરે છે. મુશ્કેલીઓમાં પણ રાનિયા તેમને મદદ કરે છે.
રાનિયા કન્યાઓને કહે છે કે દેશમાં નોકરીઓની ખોટ નથી. નોકરીઓ માત્ર છોકરાઓ માટે નથી. તમે પણ તેના સરખા ભાગીદાર છો. અભિયાનમાં દેશની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર ઓમ રાનિયા પણ જોડાઈ છે.

