એક સાહસિક છોકરો

મેક્સિમ ગોર્કી Wednesday 24th February 2016 10:21 EST
 
 

હું ઉનાળાના વાસંતી દિવસો દરમિયાન કે પછી કોઈ રવિવારે છોકરાઓને ભેગા કરીને જંગલમાં લઈ જતો. પક્ષીઓની જેમ ચણતા છોકરાઓના ઝૂંડમાં તેમના મિત્ર બનીને ફરવામાં મને આનંદ આવતો.
શહેરના ગીચ મકાનો, રસ્તાઓ અને ગલીઓની ભીડમાંથી મુક્ત થઈને આ રીતે દૂર દૂર કુદરતના સાંનિધ્યમાં જવું છોકરાઓને પણ ગમતું હતું. એમની મમ્મીઓ એમને નાસ્તો ભરી આપતી હતી. હું થોડીક ચોકલેટો ખરીદી લેતો હતો. નાનકડું ઘેટું જેમ મોટાંઓની પાછળ ચાલ્યા કરે તેમ હું આ બિન્દાસ્ત રીતે ફરતા ટોળાની પાછળ પાછળ ચાલ્યા કરતો હતો. ક્યારેક ખેતરોની પાર ગીચ વન તરફ જ્યાં વસંતે પોતાનું મુગ્ધ સામ્રાજ્ય ફેલાવ્યું હોય ત્યાં અમે ચાલી નીકળતા.
સાધારણ રીતે તો પ્રભાત થતાં મંદિરોની ઘંટડીઓનો રણકાર થતો એ અરસામાં છોકરાઓ સાથે કેડી કંડારી હોય એવા રસ્તા પર અમે ચાલવાનું શરૂ કરી દેતા. બપોરે સૂર્ય માથા પર આવે અને છોકરાઓ રમીને લોથ થઈ જાય ત્યારે વનમાં એક જગ્યાએ અમે ભેગા થતા. પછી સાથે મળીને નાસ્તો કરતા. કેટલાક છોકરાઓ તો ત્યાં ઘાસ પર જ વૃક્ષોની છાંય હેઠળ લંબાવી દેતા. અમુક છોકરાઓ મારી ફરતે વીંટળાઈ વળતા અને મને વાર્તા કહેવા ફરજ પાડતા. હું વાર્તા શરૂ કરતો અને એવો જુસ્સામાં આવી જતો. જાણે હું પરિષદમાં બેઠો હોવ એવો અનુભવ થતો હતો.
અમારી ઉપર અનંત આકાશ છે, ચારેબાજુ ઝાડની વિવિધતા દેખાય છે. હવાનો એક સપાટો બાજુમાંથી સડસડાટ પસાર થઈ જતો હોય એવું લાગે છે. વગડામાં સુગંધિત હવાની સાથે ફરીથી એક અજબની શાંતિ મારા મન પર છવાઈ જાય છે. આકાશમાંથી રૂની પૂણી જેવા ધોળાં ધોળાં વાદળો મંદ મંદ ગતિએ ફરી રહ્યા છે. વાદળાંને કારણે વાતાવરણમાં શીતળતા છવાઈ ગઈ. મારી ચારેબાજુ નાના નાના છોકરાઓ છે, જેમને જિંદગીનો આનંદ બતાવવા હું લઈ લાવ્યો છું. ખરેખર એ મજાના દિવસો હતા. જિંદગીના બોજથી કંટાળેલું મારું મન બાળકોની ગમ્મતો અને લાગણીઓના નિર્દોષ ઝરણામાં ડૂબકી મારીને પ્રફુલ્લિત થઈ જતું.
એક દિવસ શહેરની ભીડમાંથી આવી જ રીતે બહાર નીકળીને અમે એક ખેતરમાં પહોંચ્યા તો ત્યાં અમને એક અજાણ્યો છોકરો મળ્યો. એ કિશોર વયનો યહૂદી છોકરો હતો. તેણે પગમાં કશું પહેર્યું નહોતું. શરીર દૂબળુંપાતળું હતું અને માથાનાં વાળ વિખેરાઈ ગયા હતાં. તેના કપડાં મેલાં હતાં. એ કોઈ કારણથી દુઃખી હોય એમ તેના ચહેરા પરથી જણાઈ આવતું હતું. એને જોઈને સ્પષ્ટપણે કહી શકાય કે એ ક્યારયનોય રડી રહ્યો હશે. એની નિર્દોષ આંખો સૂજી ગઈ હતી અને લાલ થઈ ગઈ હતી. ભૂખથી બેસી ગયેલા ગાલમાં આંખ વધારે મોટી લાગતી હતી. છોકરાઓની ભીડમાંથી રસ્તો કરીને તે ગલીની વચ્ચોવચ્ચ ઊભો રહ્યો. બીજી જ ક્ષણે એક છલાંગ મારીને તે ફૂટપાથ પર ચાલ્યો ગયો.
‘પકડો એને...’ બધા છોકરાઓ બૂમ પાડવા લાગ્યા, ‘એ યહૂદી છોકરો છે, પકડો એને.’
મને એમ હતું કે છોકરાઓની બૂમો સાંભળીને એ ભાગી જશે. પણ એવું ન થયું. એ તો ઊભો જ રહ્યો. એની મોટી મોટી આંખોવાળા ક્ષીણ ચહેરા પર ભયની રેખા અંકાયેલી હતી. છોકરાઓના ટોળાંના શોરબકોરની વચ્ચે તે ફસાઈ ગયો હતો. એ વારંવાર પગના પંજા ઉપર ઊભો થઈ થઈને બધાથી ઊંચે આવવાનો પ્રયાસ કરતો હતો. રસ્તા પર એક બાજુએ આવેલી દીવાલ સાથે ખભા ટેકવી, બન્ને હાથ પાછળ નાખી, શિસ્તબદ્ધ રીતે ઊભો હતો. પછી અચાનક તે બોલી ઊઠ્યો, ‘હું તમને એક રમત બતાવું?’ એનો અવાજ અત્યંત તીક્ષ્ણ હતો. પહેલાં તો મને લાગ્યું કે એ પોતાની જાતને બચાવવાનો કોઈ કીમિયો કરતો હશે. છોકરાઓને એની વાતમાં રસ પડવા લાગ્યો અને બધા એનાથી થોડેક દૂર હટી ગયા. કેટલાક મોટા છોકરાઓ જોકે હજીય તેની સામે શંકાથી જોતા હતા. અમારી શેરીના આ છોકરાઓ બાજુવાળી શેરીના છોકરાઓ સાથે લડ્યા કરતા હતા. આથી એમના મનમાં એવું વસી ગયું હતું કે અમારા સિવાય બીજા કોઈ પણ તરફ તેઓ ઉપેક્ષા અને તિરસ્કારનો જ ભાવ રાખતા. પણ નાના છોકરાઓ તો ખુશ ખુશ થઈ બોલી ઊઠ્યા.
‘રમત બતાવ,’ એ મોહક છોકરો દીવાલ પાસેથી આઘો ઘસ્યો. એણે પોતાના નાનકડા શરીરને પાછળથી બાજુએ કમાનની પેઠે વાળ્યું અને આંગળા જમીનને અડકાડ્યાં. એક ધક્કો આપી બંને પગ ઊંચે આકાશ તરફ કરી દીધાં અને શીર્ષાસનની સ્થિતિમાં હાથ પર ઊભો રહ્યો. પછી તેણે ગોળગોળ ફરવા માંડ્યું. જાણે કોઈ આંતરિક શક્તિ તેને ઊલટાવી પલટાવી રહી હોય તેમ તે હાથપગની ચાલાકીથી રમત બતાવતો રહ્યો. એનાં મેલાં કપડાંમાંથી એનો પાતળો દેહ, કાળી ચામડી અને હાડકાં બહાર આવી જતાં હતાં. જાણે એવું લાગતું કે જો વધુ એક વાર તે નીચો વળ્યો તો ચોક્કસ એનાં હાડકાં તૂટી જશે. એને પરસેવો વળવા લાગ્યો. પરસેવાને લીધે તેનાં કપડાં ભીનાં થઈ ગયાં હતાં. રમત પૂરી થતાં તે છોકરાઓની સામે જોતો. એની ફિક્કી આંખો મોટી કરતો ત્યારે તેમાં કોઈક પીડા દેખાતી. કોઈ વિલક્ષણ રીતે તે આંખો પટપટાવતો. એની નજરમાં એક ખેંચાણ હતું. એક છોકરાની આંખમાં ન હોઈ શકે એવું ખેંચાણ. છોકરાઓ શોરબકોર કરીને એને પાનો ચડાવતા હતા. કોઈ કોઈ તો એનું અનુકરણ પણ કરવા લાગ્યા હતા.
એકાએક મનોરંજન કાર્યક્રમ પૂરો થયો. છોકરો પોતાની રમત છોડી દઈ ઊભો થઈ ગયો અને કોઈક પીઢ કલાકારની જેમ છોકરાઓ સામે જોવા લાગ્યો. એના પાતળા હાથ લંબાવીને કહેવા લાગ્યો, ‘કંઇક આપો.’
બધા ચૂપ થઈ ગયા.
કોઈકે પૂછ્યું, ‘પૈસા?’
‘હા.’ છોકરાએ જવાબ આપ્યો.
‘ભાઈને પૈસા જોઈએ છે. લે, જોયું?’
‘પૈસા જ લેવા હોયને ભાઈ, તો જ આવાં નખરાં કરીએ.’
પછી કલરવ કરતા છોકરાઓ ખેતરો ભણી દોડી ગયા. હકીકતમાં તેમાંના કોઈનીય પાસે એક કાણી કોડીયે નહોતી. મેં બે સિક્કા તેની ધૂળવાળી હથેળીમાં મૂક્યા. છોકરાએ એને ઉપાડી લીધા અને થોડુંક હસીને કહ્યું,
‘ધન્યવાદ.’ એમ કહી તે પાછળ ફર્યો તો એની પીઠ પર કાળાં કાળાં ઘાનાં નિશાન પડ્યાં હતાં.
‘ઊભો રહે, શું છે?’
તે થોભી ગયો. એણે મારી તરફ ધ્યાનથી જોયું અને ખૂબ શાંતિપૂર્વક હસતો હસતો બોલ્યો,
‘પીઠ ઉપર? એ તો એક મેળામાં ખેલ કરતાં અમે પડી ગયા હતા. પિતાજી તો ત્યારના હજી ઘેર ખાટલામાં પડ્યા છે.’
મેં એનું ખમીસ ઊંચું કરીને જોયું તો એની પીઠ પર ખભાથી માંડી છેક સાથળ સુધી એક કાળો લાંબો ઘા પડ્યો હતો. જેના પર હવે પોપડા બાઝી ગયા હતા. અત્યારે ખેલ બતાવતાં બતાવતાં પોપડો વળેલી ચામડી ઉઝરડાઈ ગઈ હતી અને ત્યાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
‘જોકે, હવે બહુ દુખતું નથી.’ તે બોલ્યો, ‘હવે સારું છે. માત્ર ખંજવાળ આવે છે એટલું જ.’ અને પછી કોઈક મહાન વીર હોય અદાથી તેણે મારી સામું જોયું. પછી વડીલ હોય અદાથી તેણે કહ્યું,
‘તમે એવું માનતા હશો કે બધું હું મારે પોતાને માટે કરું છું? પરંતુ સોગંદ ખાઇને કહું છું કે કંઈ મેં મારે ખાતર નથી કર્યું. અમારી પાસે રૂપિયા નથી અને મારા પિતા સખત રીતે ઘવાયા છે એટલે એક જણે તો કામ કરવું રહ્યું. વળી પાછા અમે રહ્યા યહૂદી એટલે બધાં અમને હસે-ચીડવે, ધુત્કારે, કામ પણ જલદી આપતા નથી.... સારું, ચલો આવજો!’
એ મારી સાથે વાતો કરી ગયો. આગળ આવી ગયેલી વાળની લટોને પાછળ લાવી, તેણે મારું અભિવાદન કર્યું અને ચાલ્યો ગયો. આમ તો કિસ્સો સાવ સામાન્ય છે પણ તેમ છતાં મુશ્કેલીઓના સમયે હજીય હું કૃતજ્ઞતાપૂર્વક છોકરાના ‘સાહસ’ ને યાદ કરું છું ત્યારે મને રોમાંચ થાય છે.


comments powered by Disqus