શ્રેષ્ઠ ચેરિટી સંસ્થાઓની કામગીરી દર્શાવવા માટે ચેરિટી ક્લેરિટીના સહયોગ થકી એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સની ચેરિટી સંસ્થાઓમાંથી માત્ર એક ટકાના હાથમાં કુલ આવકના ૭૧ ટકા અથવા અધધ.. કહેવાય તેવા ૫૦ બિલિયન પાઉન્ડની આવક જાય છે. આટલી રકમ તો બ્રિટિશ રાષ્ટ્રીય બજેટની સમગ્ર ખાધ નાબૂદ કરવા માટે પણ પૂરતી કહેવાય. આનાથી વિપરીત, ચેરિટીઝની કુલ આવકના માત્ર ૦.૩ ટકાથી પણ ઓછી આવક નાની ૬૬,૮૩૮ ચેરિટી સંસ્થાને મળે છે.
સખાવતી સંસ્થાઓ સમગ્ર બ્રિટનમાં દરરોજ મહાન કાર્ય કરે છે. ચેરિટી ક્લેરિટીના સહયોગ થકી લોન્ચ કરાયેલા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સનું ઉદ્ઘાટનકીય આયોજન લંડનમાં શેરેટન પાર્ક લેન હોટેલ ખાતે ૨૦ મે ૨૦૧૬ના દિવસે ખાસ બ્લેક-ટાઈ ઈવેન્ટ તરીકે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ મહાન વિચારો કરતી સંસ્થાઓનું સન્માન કરવાનો છે.
આ એવોર્ડ્સ સમગ્ર બ્રિટન અને વિશ્વભરમાં વર્તમાનકાળની સૌથી મુશ્કેલ સામાજિક મુદ્દાઓના નિરાકરણ માટે કાર્યરત ચેરિટીઝ સંબંધિત છે. આ સંસ્થાઓ નવીનતા સાથે શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રયાસશીલ રહે છે, જેમની સફળતા અંગેનો નિર્ણય પરિણામોના આધારે કરાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો, મોટી સંસ્થાઓ પાસે માર્કેટીંગ, ભંડોળ એકત્ર કરવા તેમજ પોતાની પ્રવૃત્તિઓનો પ્રચાર કરવાના બજેટો હોય છે. નાની સંસ્થાઓ પાસે આમ હોતું નથી, પરંતુ અમે અસંખ્ય ચેરિટીઝ, સામાજિક સંસ્થાઓ, CICs, ઈન્કોર્પોરેટ નહિ થયેલી કંપનીઓ, પ્રોજેક્ટ્સ અને વ્યક્તિઓમાં અસ્તિત્વ ધરાવતી શ્રેષ્ઠતાને પ્રદર્શિત કરવા ઈચ્છીએ છીએ.
આ એવોર્ડ્સ અનોખા એટલા માટે છે કે વિજેતાઓને એશિયન વોઈસમાં તેમના પ્રોફાઈલ સહિત ૨૦,૦૦૦ પાઉન્ડથી વધુ મૂલ્યનું સહાયકારી પેકેજ ઉપરાંત, ગ્રાન્ટ એપ્લિકેશન્સ, નિઃશુલ્ક કોસ્ટ ઓડિટ સહિત ચેરિટી ક્લેરિટીની નિઃશુલ્ક સેવાઓ તેમજ સ્પેશીયાલિસ્ટ ટ્રસ્ટી ઈન્સ્યુરન્સ પ્રોડક્ટ્સ અને સંસ્થાઓને સંભવિત દાતાઓ સમક્ષ રજૂઆત કરવાની ખાસ તાલીમ સહિત માત્ર ચેરિટીના અર્થે ધ ફંડિગ નેટવર્ક સાથે ભંડોળ એકત્રીકરણ ઈવેન્ટમાં ભાગ લેવાની વિશિષ્ટ સુવિધાનો પણ તેમાં સમાવેશ થાય છે.
Unltd ના સહસ્થાપક, ખ્યાતનામ સામાજિક ઈનોવેટર અને એન્ટ્રેપ્રીન્યોર પેટ્રન માઈકલ નોર્ટન OBE કહે છે કે,‘યુકેમાં પરોપકારના ક્ષેત્રે એશિયનોનું પ્રમાણ નોંધપાત્રપણે વધી રહ્યું છે. વૈશ્વિકસ્તરે કાર્યરત ચેરિટીઝ પર ભાર મૂકવા સાથે એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ મારફત વધુ સારા વિશ્વના સર્જન માટે યુકેમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવતી સર્જનાત્મક પહેલને પ્રોત્સાહિત અને પ્રદર્શિત કરવાના કાર્યને હું આવકારું છું.’
ધ ફંડિગ નેટવર્કના સીઈઓ કેટ માર્શ કહે છે કે તેઓ ચેરિટી ક્લેરિટી સાથે સહયોગ કરી રહ્યા છે કારણ કે તે ‘પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે કાર્યરત લોકોનું સન્માન કરવાની ઈચ્છા’ ધરાવે છે.
અગ્રણી ફાર્માસ્યુટીકલ કંપની રોશના કંપની સેક્રેટરી અને જનરલ કાઉન્સેલ તેમજ પેટ્રન ફન્કે અબિમ્બોલાએ કહ્યું હતું કે,‘ડાઈવર્સિટી ચેમ્પિયન્સ, મહેનતુ વ્યક્તિઓ અને સંસ્થાઓના વ્યાપક પ્રયાસોની કદર કરાય તેની ચોકસાઈ માટે આ પ્રકારના એવોર્ડ્સ આવશ્યક છે.’ બ્રુમેલ્સ મેગેઝિન દ્વારા યુકેમાં ડાઈવર્સિટીના ૩૦ સર્વોચ્ચ મહિલા હિમાયતીમાંના એક તરીકે તેમનું સન્માન કરાયું છે.
આ એવોર્ડ્સ તેની સાથે સંકળાયેલા પાર્ટનર્સ અને પેટ્રન્સ માટે જ નહિ, પરંતુ દેશમાં સારા ઉદ્દેશો માટે સખાવતી દાનને પ્રોત્સાહન આપવા માટે પણ મહત્ત્વપૂર્ણ અને અનોખા છે. ધ ચેરિટીઝ એઈડ ફાઉન્ડેશનના તાજેતરના તારણો અનુસાર ૨૧ ટકા લોકો સખાવત કરતાં નથી અથવા કોઈ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં નથી. સૌથી વધુ નાણા કે દાન ધાર્મિક કારણોસર અપાય છે અને તે પછી મેડિકલ રિસર્ચ અને હોસ્પિટલ્સ/હોસ્પિસીસ તેમજ બાળકો અને યુવાન લોકોનો ક્રમ આવે છે. વસ્તીની દૃષ્ટિએ વૃદ્ધ, ધનાઢ્ય મહિલાઓ દાન કરવામાં આગળ રહેવાની શક્યતા છે. ૧૬-૨૪ વર્ષના વયજૂથના લોકો સખાવતી દાન કે સામાજિક પ્રવૃત્તિઓમાં સૌથી ઓછાં સંકળાય છે.
આ એવોર્ડ્સ પોતાના સ્વપ્નો-ભલે તે નાના કે મોટા હોય- સાકાર કરવાની દિશામાં પ્રગતિ કરતી સંસ્થાઓને પુરસ્કૃત કરવા માટે છે. તમે www.asianvoicecharityawards.com પર તમારા નોમિનેશન્સ નોંધાવી શકો છો.

