તમારી વાત

તમારી વાત

Wednesday 24th February 2016 05:46 EST
 

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ  પર સુવિધાનો અભાવ
તા.૨૦ ફેબ્રુઅારીના 'ગુજરાત સમાચાર'માં પાન-૯ ઉપર અમદાવાદ એરપોર્ટ પર નવા બેગેજ સ્કેનર મૂકવાના સમાચાર વાંચ્યા પણ સાહેબ, અમદાવાદ જતા-અાવતા પેસેન્જરોને ભારે હાલાકી વેઠવી પડે છે એનું સત્તાવાળા કંઇક કરે તો સારું. અાપે વર્ષો સુધી પીટીશનો દ્વારા ઝૂંબેશ ચલાવી લંડન-અમદાવાદની એરઇન્ડિયાની ડાયરેક્ટ ફલાઇટ કરાવી એથી અમારા જેવા ઘરડા-અશક્તોને ખુબ રાહત થઇ છે. હું ગયા અઠવાડિયે જ એરઇન્ડિયાના પ્લેનમાં લંડન પાછો અાવ્યો છું. મુંબઇ એકાદ કલાક એ પ્લેન ઉભું રહે છે અને ખાવા-પીવાનો સામાન લઇ ફરી લંડન ભણી ઉડાન ભરે છે પણ અમારે પ્લેનમાં જ બેસી રહેવાનું હોય છે એટલે સામાન ફેરવવાની મથામણ નથી રહેતી. લંડનથી અમદાવાદ સીધા જઇએ ત્યારે લંડનની જેમ સીધા જ પ્લેનમાથી બહાર નીકળવાને બદલે ટારમેટ ઉપર સીડીઅો દ્વારા ઉતારવામાં વૃધ્ધોને ભારે અગવડ પડે છે. અમદાવાદથી પાછા અાવીએ ત્યારે પણ અાખી રાત માથે કરવી પડે છે. એ વખતે લાંબા કલાકો ત્યાં બેસીએ ત્યારે એકાદ સ્ટોર સિવાય બીજી કોઇ ડ્યૂટી ફ્રી શો્પ્સ જોવા મળતી નથી. એરપોર્ટ એડવાઇઝરી કમિટીના સાંસદ પરેશ રાવલે અાપણી અગવડોને ધ્યાનમાં લઇ નવા એરોબ્રીજ બનાવવા સાથે સુધારા સુચવ્યા એ બદલ ધન્યવાદ.
- ચીમનભાઈ ડી. પટેલ, ઈસ્ટહામ
દિલ્હીમાં દેશદ્રોહઃ દેશમાં રાજકીય દંગલ
ગયા અઠવાડિયાના અંકમાં પહેલા પાને ભારતના પાટનગર દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઅોએ અાતંકવાદી હુમલાના દોષિત અફઝલ ગુરુ અને મકબૂલ બટ્ટને શ્રધ્ધાંજલિ અાપવા યોજાયેલા કાર્યક્રમમાં ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કર્યો એ સમાચાર વાંચી મન ખૂબ વ્યથિત થયું. જવાહરલાલ યુનિ.ના સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ કન્હૈયા અને ભૂતપૂર્વ લેકચરર ગિલાનીની રાષ્ટ્રદ્રોહના અારોપસર ધરપકડ થઇ એમાં રાજકીય પક્ષોએ એક થવાને બદલે શાસકપક્ષ સામે જીભાજોડી શરૂ કરી દીધી છે. ગૃહપ્રધાન રાજનાથ સિંહે દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરનાર સામે કડક વલણ અપનાવ્યું છે ત્યારે રાજકીય સત્તાની સાંઠમારીમાં ભૂખ્યા વરૂની જેમ ખુરસીઅોની લાળ પાડનારા રાજકારણીઅો વાતનું વતેસર કરી બળતામાં ઘી ઉમેરી રહ્યા છે એ શરમનાક ગણાય. ભારતની પ્રજાએ દેશદ્રોહીઅો અને એમનું પીઠબળ બનનારા રાજકારણીઅોને પાઠ ભણાવવાની જરૂર છે. જો પ્રજા જ નિર્બળ કે નમાલી હશે તો દેશનું ભવિષ્ય નરેન્દ્રભાઇ મોદી જેવા ખમતીધર નેતા કેવી રીતે ઉજળું બનાવી શકશે?
- ભલુભાઈ આર. પટેલ, નોર્ધમ્પ્ટન
વાહ ભાઈ... મનગમતું અજવાળું
બે- એક અઠવાડિયાથી ગુજરાત સમાચારના વાંચનથાળમાં ‘અજવાળું... અજવાળું’ ઉમેરાયું એ બદલ તંત્રીમંડળને ધન્યવાદ. તુષાર જોશીના સ્ટેજ કાર્યક્રમોમાં એમની અસ્ખલિત વાણી સાંભળી છે. સંતાનોને શિક્ષણની સાથે અનુભવનું ભાથું પણ આપો એ શિર્ષક હેઠળ એમણે જે ટૂંકું અને ટચ પણ બહુ અસરકારક રીતે રજૂઆત કરી એમાંથી આપણે આ પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે શીખવાની જરૂર છે. અહીં આપણે સૌ નોકરી-ધંધામાં ખૂબ વ્યસ્ત રહીએ છીએ પણ સાંજે નિરાંતે ડાઈનિંગ ટેબલ પર જમતા હોઈએ ત્યારે સંતાનોના ગમા-અણગમા, રસ-રૂચિને જાણી- સમજીને એ દિશામાં યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. હું તો માનું છું કે યુવાન દીકરા-દીકરીઓ કે પુત્રવધુઓ સાથે આપણી માતૃભાષામાં જે રીતે વિચારોની આપ-લે કરી શકીએ એ વધુ યોગ્ય રહે. દિવસ દરમિયાન બહાર આખો વખત અંગ્રેજીનો વ્યવહાર ભલે રાખીએ પણ ઘરમાં ગુજરાતી ભાષા હશે તો સંસ્કારિતા જળવાઈ રહેશે. તુષાર જોશી જેવા લેખકો દ્વારા આપ આવું ગાંઠે બાંધવા જેવું ભાથું આપો છો એ બદલ ધન્યવાદ.
- ભારતી પાઠક, કેન્ટન, હેરો
બ્રેન્ટમાં ગંદકી કરનારા સામે પગલાં જરૂરી
અાપણા ભારતના વડાપ્રધાન મોદીજીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે ત્યારે ગુજરાત સમાચારમાં દર અઠવાડિયે ભારતના ગામો, શહેરોની સ્વચ્છતા વિષેના સમાચાર વાંચવા મળે છે. હવે અહીં ખાસ કરીને બ્રેન્ટ બરોમાં સ્થાનિક કાઉન્સિલે સ્વચ્છતા અભિયાન કરવાની જરૂર છે. વેમ્બલી હાઇરોડથી માંડી તમે ઇલીંગ રોડ સુધી ચાલતા જાવ તો તમને એમ જ લાગે કે તમે ભારતના કોઇક નગરમાં ફરો છો! રસ્તા પર જયાં ને ત્યાં ગૂટકા ને પાનમસાલાની પીચકારીઅોથી ઝાડનાં થડ અને મકાનોના ખૂણા લાલ રંગે રંગાયેલા દેખાય છે. અાપણા ભાઇઅો ભારતથી અહીં અાવ્યા પણ બ્રિટીશ પરંપરા અપનાવી શક્યા નથી.બાજુમાં કે અાગળ-પાછળ અંગ્રેજ ગોરો ચાલતો હોય તો પણ બેધડક મોંઢામાંથી પીચકારી મારવાનું છોડતા નથી. બ્રેન્ટ કાઉન્સિલે રસ્તા ઉપર કેમેરા મૂકી અાવા ગૂટકા ઘેલાઅોને થૂંકવાની ખો ભૂલાડવી જોઇએ.
- ગોવિંદભાઇ પટેલ, અાલ્પર્ટન
સગવડ સુવિધાનો હાનિકારક દુરુપયોગ
એક સમય એવો હતો જ્યારે અહીં કોઈ જગ્યાએ કચરો કે ગંદકી જોવામાં આવતા ન હતાં. ખરેખર નંદનવન હોય એમ લાગતું હતું. અત્યારે ગમે ત્યાં થૂકવું નહીં, ખંખેરવું, કચરો-કાગળ, ખાદ્ય પદાર્થો ફેંકવા જેવી અનિચ્છનિય આદતથી અમુક લોકો સ્વસ્છતાના અનિવાર્ય અભિગમની અવગણના કરી અણગમો ધૃણા વ્હોરી લેવા જેવા અસભ્ય વર્તનથી ખરેખર દુઃખ થાય છે.
અહીંની સરકાર મા-બાપ દરેક નાગરિકનું યથાર્થ જતન કરે છે. અભ્યાસ, આહાર, આવાસ, ઉપચાર વગેરે સેવા પૂરી પાડે છે. ઉપરાંત ઘરે ઘરે કચરાપેટીની વ્યવસ્થા હોવા છતાં ગમે ત્યાં કચરો, બોટલ, ડબલાં ફેંકવા એમાં કોને શું ફાયદો થાય?
સરકારે લોકોની સુખાકારી માટે ખુલ્લા લીલા હરિયાળા પાર્ક (બાગ બનાવ્યા) તેમાં પણ બેસવા માટે બાંકડાની તોડફોડ કરી બોટલો તોડી જોખમકારક કાચના ટુકડા વેરવા મનાઈ હોવા છતાં દારૂ પીવા, ખાદ્ય પદાર્થો ફેંકવા જેવી ગુનાઈત પ્રવૃત્તિ માટે મનાઈ તથા દંડની નોટિસ ઠેર ઠેર મૂકવાથી કોઈ સુધારો થઈ શકે એમ લાગતું નથી. પરંતુ સ્થાનિક સરકાર, નગરપતિ તથા કાઉન્સિલના સત્તાધીશ સાહેબોએ કડકાઈપૂર્વક ગુનેગારોને પકડી દંડ કે સજાનો અમલ કરાવવો આવશ્યક લેખાય.
બાકી તો ચેતવણી કે નોટિસોની ઐસીતૈસી કરનારાને કોણ રોકી શકે?
- વલ્લભભાઈ એચ. પટેલ, વેમ્બલી
ચોળીને ચીકણું કરતાં ઇલેકટ્રોનિક મિડિયા
ભારત ને દેશવિદેશની ગતિવિધિ અને રાજકારણના પ્રવાહોને સતત પ્રદર્શિત કરતા ઇલેકટ્રોનિક્સ મિડિયા કયારેક માથાનો દુ:ખાવો બની જાય છે. કોઇ અાતંકવાદીને ફાંસીની સજા અાપ્યા પછી એના ઉપર ચર્ચા ને મંતવ્યો લેવાય, કન્હૈયા ને ગિલાની જેવા કહેવાતા દેશદ્રોહી અારોપીઅો બાબત સત્તાલાલચુ રાજકારણીઅોનાં મંતવ્યો લેવાય, પૂર્વ અને પશ્ચિમના દેશોમાં પ્રવાસ કરી વડા પ્રધાન મોદી ભારતને ‘શાઇન’ કરી રહ્યા હોય ત્યારે ભારતનું ઇલેકટ્રોનિક્સ મિડિયા એકની એક વાત રજૂ કરી ચોળીને ચીકણું કરે અથવા ‘પાણીમાંથી પોરા’ કાઢે એ જોઇ મનમાં ચીડ અાવે છે. એટલું જ નહિ પણ ટીવી ઉપર ચાર-પાંચ રાજકારણીઅો કે વિરોધાભાસીઅોની ફોજ પ્રદર્શિત કરી જીભાજોડી થાય ત્યારે તો હદ થઇ જાય છે. બધી બાબતની ચર્ચા જરૂરી છે પણ એકબીજા સામે બાથડતા હોય એવું કયા દર્શકને જોવાનું ગમે? ન્યુઝ ચેનલવાળા જાણવા જેવું કે માહિતી અાપે એવું બતાવે તો સૌને ગમે.
- પ્રવિણ એમ. પટેલ, ગ્રીનફોર્ડ


comments powered by Disqus