ઉના અને થાનગઢના નામે દલિતોનું રાજકારણ પેદા થયું તેની પાછળ ખતરનાક ઇરાદાઓ છે. તે નજર અંદાજ કરવા જેવા નથી. અહીં એક ‘નવસર્જન’ નામે સંસ્થા વર્ષોથી ચાલે છે. તેનાં ફંડિંગ વિશે હજુ જાહેર વિગતો પ્રાપ્ત નથી. બીજી સેન્ટ ઝેવિયર્સ સાથે જોડાયેલી બિહેવિયરલ સંગઠના છે. તેનું કામ મુખ્યત્વે ‘હિન્દુ કોમવાદ’ને ‘ખૂલ્લો કરવાનું’ છે. તેણે બહાર પાડેલી રામ પુનિયાની લિખિત ચોપડી ‘લઘુમતિ તો નિરુપદ્રવી છે, હિંસાચાર બહુમતી અને કટ્ટર સંગઠનો કરાવે છે’ તેવી વિગતો સમજાવે છે. એક ફાધર ફ્રેડરિક પ્રકાશ છે, તેને વારંવાર ‘માનવાધિકાર’ના નામે નિવેદનો અને ભાજપ-વિરોધી વલણો માટે જાણીતા ગણવામાં આવે છે. પાઠ્યપુસ્તકો પર ક્રાંતિકારોના જ ફોટા કેમ છે એવા વાહિયાત સવાલો કરનારાઓને કેટલાક આંતરરાષ્ટ્રીય ‘સન્માન’ મળી ચૂક્યાં છે. ‘નવસર્જન’ના મેકવાને એવો વિવાદ થોડા સમય પહેલાં ઊભો કર્યો હતો બાળ-વાર્તા-શિક્ષણકાર ગીજુભાઈની બાળવાર્તાઓમાં દલિતોનું અપમાન થાય તેવા શબ્દો છે! ગુજરાતમાં તિસ્તા સેતલવાડ અને મેઘા પાટકરને ‘મહાન’ માનનારો વર્ગ પણ છે!
તાજેતરના ઊના આંદોલનમાં જેએનયુનો કનૈયા કૂદી પડ્યો છે. તેને અડવાણીની સોમનાથ યાત્રા વિભાજન કરનારી લાગી છે. અહીં એક જિજ્ઞેશ મેવાણીને કેટલાકે ‘આંદોલનના નવા યુવા નેતા’ તરીકે બિરદાવ્યો છે. તે પોતાના આદર્શ તરીકે ત્રણ ‘કાકા’ને માને છે એમ નોંધતાં એક કોલમિસ્ટે ભારે ધન્યાતા અનુભવી છે. મેવાણીએ ઊનામાં જઈને પીડિતોને મળવાનું ટાળ્યું હતું એવી ફરિયાદ થઈ છે. તેણે સભામાં મુસ્લિમ સાથે લગ્નની સોનેરી સલાહ આપીને ‘દલિત-મુસ્લિમ એકતા’ પર ભાર મૂક્યો હતો. મેવાણીનું મૂળ ‘આપ’ રાજકીય પક્ષનું છે, પણ હવે તેણે પક્ષ છોડી દીધો છે. ‘આપ’નું આ આંદોલનને સમર્થન છે. કોંગ્રેસને લેવા જેવો એક વધુ મુદ્દો લાગ્યો એટલે છેક રાષ્ટ્રપ્રમુખ પાસે ધા નાખી છે.
દલિતોમાં આખો પ્રશ્ન ચમાર-વણકર વચ્ચેનો ગજગ્રાહ બનવા લાગ્યો છે. ગાંધીનગરમાં થાનગઢમાં ‘અત્યાચાર’ પર સરકારની સાથે સમાધાન થયું અને રાત્રે તેને નકારવામાં આવ્યું. દરેક આંદોલનોમાં આવી તિક્કડમબાજી ચાલતી રહે છે. સામ્યવાદી આનંદ પટવર્ધનને કેમેરા સાથે આવવાની અને દસ્તાવેજી ફિલ્મ બનાવવાની ખ્વાહિશ રહી. ઊનાની રણનીતિ જેએનયુના કેમ્પસમાં તેયાર થઈ રહી છે. સરકારમાં પ્રધાન બનેલા આત્મારામ પરમારનું કહેવું છે કે ઊનાકાંડમાં સ્થાનિક કોંગ્રેસી સરપંચનો હાથ હતો, જે સ્થાનિક ધારાસભ્યની સાથે મેળમિલાપ રાખે છે અને તેણે જ વીડિયોગ્રાફી કરાવી હતી. આ બધો વર્ગવિગ્રહ માટેનો દારૂગોળો છે.
વાસ્તવિકતા એ છે કે ગુજરાતનાં આંદોલનો મોટા ભાગે ઉભરો આવે ને શમી જાય એવાં રહ્યાં છે. તેમાંથી નક્કર નેતાગીરી, જે દિશા બદલે તેવી, મળી નથી. મહાગુજરાત આંદોલન પછીની ચૂંટણીમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને મહાગુજરાત જનતા પરિષદને બહુમતી મળવી જોઈતી હતી, પણ તેવું ના થયું. સત્તા પર આવી તો કોંગ્રેસ જ અને પોતાના છેલ્લાં વર્ષોમાં ઇન્દુલાલ પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. નવનિર્માણ ભ્રષ્ટાચારના મુદ્દે ખેલાયેલી લડાઈ હતી, પણ પછી અસરકારક નેતૃત્વ સર્જી શકી નહીં. અનામત-આંદોલનો ૧૯૮૩ અને ૧૯૮૫માં થયાં. હમણાં પાટીદારોનું આંદોલન થયું. અત્યારે તે થોડુંઘણું ચાલતું હોય તો તેનું શ્રેય પોલીસે કરેલા દમનને આપવું જોઈએ.
અનામતનો મુદ્દો હવે કામિયાબ થાય તેવો રહ્યો નથી કેમ કે ગરીબી અને રોજગારીનો ભીષણ પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. આમાં લઘુમતી, પીડિત, પછાત, નબળો વર્ગ વગેરે પરિભાષા બદલવા લાગી છે. માત્ર રાજકીય લાલચુઓ તેને જીવતી રાખે છે. સ્થાપિત હિતો પર કેન્દ્રિત નાગરિકતાના આવા જ હાલહવાલ થાય છે.
વિજય-શૈલીનો પ્રારંભ
ગુજરાતમાં નવા મુખ્ય પ્રધાને પોતાની કાર્યશૈલી પ્રમાણે કામ શરૂ કરી દીધું. સૌરાષ્ટ્રને તો તેની પીડાના ઉપાયમાં બદલાવી રહ્યા તેનું પ્રમાણ ‘સૌની’ યોજના છે. નર્મદા અને બીજી નદીઓનાં પાણીથી સૌરાષ્ટ્રને તરબતર કરવાનું આયોજન રણનીતિનો ભાગ હોય તો યે આવકાર્ય છે. આવાં કાર્યોની બીજે પણ શરૂઆત થવી જોઈએ. આનંદીબહેને મહિલાઓના કલ્યાણની જે યોજનાઓ બનાવી તેનાં અમલીકરણનું સાતત્ય પરિણામકારી બની જશે. સંગઠન અને સત્તા - બેનો સુમેળ પડકારોનો સામનો કરવામાં ઉપયોગી થશે એમ સૌને લાગે છે. કચ્છ-દક્ષિણ અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં આદિવાસી અને પાટીદારો ઉપરાંતનો એક મોટો વર્ગ અસ્તિત્વ ધરાવે છે.
‘આપ’ની જીભ સળવળી તો છે કે પાટીદાર-દલિત આંદોલનોનો લાભ તેને મળશે. કેજરીવાલની ગણતરી એવી છે કે કંઈ નહીં, તો ‘ન્યૂસન્સ વેલ્યુ તો સાબિત થશું!’ એનસીપીનો ઇરાદો કોઈ એક (ભાજપા અથવા કોંગ્રેસ)ની સાથે રહીને થાય એટલી ભાગબંટાઈનો છે. એકંદરે, કોંગ્રેસ જો રાહુલગ્રંથિથી મુક્ત થાય (જેમના નિર્ણયો આસામ કોંગ્રેસને ભારે નુકસાનકારક સાબિત થયા હતા) અને ગુજરાત ચૂંટણીજંગનું સુકાન કોઈ એક શક્તિશાળી નેતાના હાથમાં સોંપે તો સારાં પરિણામ આવે એમ કોંગ્રેસનો કાર્યકર્તા માનતો થયો છે. આ નામ શંકરસિંહ વાઘેલાનું હોઈ શકે, એકમાત્ર તેમને મુખ્ય પ્રધાન અને સંગઠન - બેવડા અનુભવો છે એ નજરમાં લેવાય તો ‘સારા દિવસો’ આવે એમ એક કોંગ્રેસી નેતાએ વાતચીત દરમિયાન પોતાનો અભિપ્રાય કહ્યો હતો.

