તમારી વાત

Tuesday 23rd August 2016 14:00 EDT
 

કોમ્યુનિટીએ ઉમદા ફરજ બજાવી

તા.૧૬-૭-૧૬નું ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ મળ્યું. દરેક સમાચાર વિગતવાર વાંચીને અત્યંત આનંદ-સંતોષ થયો. પહેલા પાને જ આપણા યુકેના નવા વડાપ્રધાન થેરેસા મેના ફોટા સાથેના સમાચાર વાંચ્યા. પાન-૧-૨-૩ ઉપર ખૂબ વિગતવાર માહિતી સાથે તેમના જીવનનો અહેવાલ વાંચ્યો. પાન-૩ ઉપર આપણા ભીખુભાઈ પટેલ, લોર્ડ ધોળકીયા, શૈલેષ વારા, વિરેન્દ્ર શર્મા અને બોબ બ્લેકમેન સૌએ થેરેસા મેની પ્રશંસા કરી તેમને માન આપ્યું અને પોતાની ઉમદા ફરજ બજાવી તે વાંચ્યુ. આ સૌને ખૂબ ધન્યવાદ. દરેકના ફોટા સાથે વિગતવાર સમાચાર આપવા બદલ ‘ગુજરાત સમાચાર’ને ધન્યવાદ.
પાન-૭ ઉપર NRI TDSમાં રાહતની જે વિગત આપી છે તેથી અહીંના NRIને ખૂબ જ જાણવા મળ્યું છે. આ બાબતે મારા જેવા ઘણા લોકો અજાણ હોય છે, ધન્યવાદ. ખાસ તો આ કાગળ લખવાનું પ્રયોજન એ જ કે પાન. ૧૪ ઉપર ‘જીવંત પંથ’માં જે વિગતે લખાણ, સમજણ, સાવચેતી જણાવેલ છે, તેનાથી ખૂબ જાણવા મળ્યું. છે. ખરેખર સી. બી. સાહેબ આપની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી જ છે. વધુમાં, ‘ગુજરાત સમાચાર’માં કેટલું અને કેવું જાણવાનું મળે છે તે તો જે વિગતવાર વાંચે તેને જ સમજાય.

- પ્રભુદાસ પોપટ, હંસલો

•••

પૂ. પ્રમુખસ્વામીના મારા જીવનના બે પ્રસંગો

કેનેડામાં ટીવી ઉપર પ.પૂ.પ્રમુખસ્વામી અક્ષરધામમાં બ્રહ્મલીન થયાના સમાચાર જાણીને દુઃખ થયું. અમારા વૈષ્ણવ પરિવારમાં મા-બાપે દરેક સંપ્રદાયના ધર્મગુરૂઓને આપણા સંપ્રદાય જેટલો જ આદરભાવ, સન્માન તથા સત્કાર આપવા અને જ્યારે તેમના ધાર્મિક પ્રવચન, કથા સાંભળવાનો, તેમના દર્શન કરવાનો તથા પધરામણી કરી તેઓના આશીર્વાદ લેવાનો જેટલો લ્હાવો મળે તે અચૂક લેવાની શીખ આપી હતી.
માર્ચ ૧૯૭૧માં હું અમેરિકા ભણવા જવાનો હતો તે સમયે પૂ.પ્રમુખસ્વામી અક્ષરપુરૂષોત્તમ છાત્રાલય, વલ્લભ વિદ્યાનગરમાં આવેલા. હું તેમના દર્શને ગયો ત્યારે તેમણે મને આશીર્વાદ આપીને તેમના હસ્તાક્ષરો આપ્યા. આ મારા જીવનમાં એક યાદગાર પ્રસંગ બની ગયો. પરદેશમાં તે સમયે સ્થાઈ થવામાં તેમના આશીર્વાદ મદદરૂપ થયા.
૧૯૮૦માં તેઓ ટોરોન્ટોમાં ધર્મયાત્રાએ આવેલા ત્યારે ફરીથી તેમના દર્શનનો લાભ મળ્યો. મેં તેમના હસ્તાક્ષરવાળો પત્ર તેમને બતાવ્યો. તેમણે અનુયાયીઓને સામેથી કહ્યું કે સુરેશભાઈને ત્યાં પધરામણીનો પ્રોગ્રામ જરૂરથી કરજો. તે સમયે અમોને કેનેડામાં થોડાક જ વર્ષ થયેલા. નવું વાતાવરણ, નવી સંસ્કૃતિ અને નવા દેશમાં બે- ચાર મિત્રો, એકાદ સગા-સંબંધી એટલે શરૂઆતના વર્ષોમાં અઘરું લાગે. પરંતુ, તેમની પધરામણી અને આશીર્વાદ મળ્યા બાદ મોટું મનોબળ અને શાંતિ મળ્યા.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા

•••

ગુજરાતની જ્ઞાતિવાદી હિંસા

ગુજરાતના ઉનામાં તાજેતરમાં દલિતો પર થયેલો અત્યાચાર એ ખૂબ ખોટી બાબત છે એટલું જ નહીં પરંતુ, તે સામાજિક અસહિષ્ણુતાનું નીંદનીય કૃત્ય છે. કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓના માનવા મુજબ દલિતોએ ચાર મૃત ગાયનું ચામડું ઉતાર્યું હતું. તેથી તેઓ ભવિષ્યમાં ફરી આવું ન કરે તે માટે તેમને પાઠ ભણાવવાનો હતો.
દલિતોની અમાનવીય અને નિર્દયી મારઝૂડને ‘ગૌ રક્ષા’ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. ભારતમાં દર વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમી તેમજ પાણીની તંગીને લીધે રખડતા ઢોરો મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે. આ કહેવાતા ગૌ રક્ષકો ભૂખે મરતી ગાયોના રક્ષણ માટે કશું કરતા નથી. પરંતુ, તે જ્યારે મરી જાય છે ત્યારે તેઓ ખૂબ ચિંતિત થાય છે. તેઓ વાતચીત અને ચર્ચા દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવી શક્યા હોત. તેને બદલે તેમણે હિંસાનો આશરો લીધો. આ સ્વભાવ, આ માનસિકતા અશિષ્ટ છે અને હિંદુધર્મ તથા હિંદુ સમાજના હિત વિરુદ્ધ છે.
હિંદુઓની સમસ્યા શું છે ? હિંદુ ધર્મ અદ્વૈત – એકત્વની ફિલસુફી શીખવે છે. જ્યારે વ્યવહારિક જીવનમાં તેઓ જ્ઞાતિ ભેદભાવ અને સામાજિક અસમાનતાનું આચરણ કરે છે. તેને લીધે ઘણા હિંદુઓનું ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ થયું છે. આ બધું હજારો વર્ષોથી ચાલ્યા કરે છે. ભારતમાં માત્ર રખડતા પશુઓ જ નહીં હજારોની સંખ્યામાં લોકો પણ ગરીબી અને કુપોષણને લીધે મૃત્યુ પામે છે. ઉચ્ચ વર્ણના આ હિંદુઓ ગમે તે રીતે પોતાનો વિશેષાધિકાર જાળવી રાખવા માટે ગરીબો અને વંચિતોને મદદ કરવાને બદલે અમીરોને વધુ અમીર અને ગરીબોને વધુ ગરીબ બનાવે તેવી સામાજિક સમસ્યાઓ ઉભી કરે છે.

- જતીન સહા, ઈમેલ દ્વારા

•••

કોચરબ આશ્રમની માહિતી રસપ્રદ

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’નો તારીખ ૨૦મી ઓગસ્ટનો અંક મળ્યો. આ અંકમાં ભારતમાં સ્વતંત્રતાની ઉજવણી વિશેના અહેવાલો વાંચીને વતનની યાદ આવી ગઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી અને ગુજરાતના નવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોરબીમાં કરેલા ધ્વજવંદનની વિગતો વાંચવી ખૂબ જ રસપ્રદ રહી.
‘ગુજરાત સમાચાર’માં કોચરબ આશ્રમ વિશેનો લેખ વાંચવો ગમ્યો. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાત સમાચારના ૧૭ જાન્યુઆરી, ૨૦૧૫ના અંકમાં તંત્રી શ્રી સી બી પટેલ અને લેખક શ્રી વિષ્ણુ પંડ્યાની કલમે આ કાર્યક્રમની વિગતો વાંચી હતી. આ ઉપરાંત તે અંકમાં પાના નં ૧૫ ઉપર પણ આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી પ્રગટ કરવામાં આવી હતી.
એ સમયે મારા કેટલાક મિત્રો અમદાવાદમાં હતા. તેઓએ પણ લંડન આવીને આ કાર્યક્રમ વિશે ચર્ચા કરી હતી કે, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ તથા ‘સંપદ’ (સાઉથ એશિયન આર્ટ્સ ઓર્ગેનાઈઝેશન)ના સંયુક્ત ઉપક્રમે ‘ઇન્સ્પાયર્ડ બાય ગાંધી’ વિષય ઉપર ઓનલાઈન નિબંધ લેખન સ્પર્ધાના લોન્ચિંગનો કાર્યક્રમ નવમી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ કોચરબમાં યોજવામાં આવ્યો હતો.
મિત્રોએ કહ્યું હતું કે, કોચરબમાં ‘સંપદ’ના પિયાલી રે અને શ્રી સી. બી. પટેલે આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. તેમાં લોર્ડ નવનીત ધોળકિયા અને ગૂજરાત વિદ્યાપીઠના (તે સમયના) નવા કુલનાયક ડો. અનામિક શાહે ગાંધીદર્શન અને ગાંધીચિંતન પર સહજ, સ્વાભાવિક અને સુંદર વાતો કરી હતી.
૨૦મી ઓગસ્ટે આવેલા ગુજરાત સમાચારના અંકમાં કોચરબ આશ્રમના લેખમાં પણ નવમી જાન્યુઆરીએ ખુલ્લી મુકાઈ હતી તે ‘ઇન્સ્પાયર્ડ બાય ગાંધી’ ઓનલાઈન નિબંધ સ્પર્ધા તથા કાર્યક્રમની યાદો વાગોળવા જેવી હતી. જોકે અહીં લંડનમાં અમે મિત્રો હમણાં ભેગા થયા ત્યારે એ કાર્યક્રમની ચર્ચા ફરી નીકળી પણ ખરી અને મિત્રોએ અમદાવાદની યાદો પણ ફરી તાજી કરી હતી.

- હરિકૃષ્ણ પટેલ, લંડન

•••

કેટરર્સ દ્વારા ગ્રાહકો સાથે ઠગાઈ

મારે કેટરીંગની વાત લખવાની જરૂર એટલા માટે પડી છે કે અમુક કેટરર્સ દુકાનવાળાએ ફેંકી દેવા માટે અલગ રાખેલા શાકભાજી વીણે છે. નામ નહીં આપું પણ મેં નજરે જોયેલું છે. લોકો ભરોસો મૂકીને તેમને ઓર્ડર આપતા હોય છે. બેસ્ટ ફૂડ માટે પૈસા પણ ચૂકવતા હોય છે. તમે ફૂડ ટેક અવે કરો છો તેમાં પણ વધેલી અને વાસી વાનગી પેક કરીને આપવામાં આવે છે. ઘરે જઈને તે પાછી આપવા જવાનો ટાઈમ કોઈની પાસે હોતો નથી.
સુભાષચંદ્ર બોઝની નવલકથા બદલ વિષ્ણુભાઈને ધન્યવાદ. તુષાર જોશીનું ‘અજવાળું અજવાળું’ અને સી. બી. પટેલના ‘જીવંત પંથ’થી ‘ગુજરાત સમાચાર’ રસથાળ બન્યો છે. ‘ગુજરાત સમાચાર’માં એક મહિલા વિભાગ શરૂ કરવા વિનંતી છે અને તેમાં મહિલાઓને લગતી સમસ્યાઓના પ્રશ્નોના જવાબ એક મહિલા દ્વારા અપાય તે જરૂરી છે.

- નયના નકુમ, સાઉથ હેરો


comments powered by Disqus