આનંદ રાય-ક્રિશિકા લુલ્લા નિર્મિત તથા મુદસ્સર અઝીઝ નિર્દેશિત ‘હેપ્પી ભાગ જાયેગી’માં હિન્દી ફિલ્મમાં હોય તે બધો મસાલો છે.
વાર્તા રે વાર્તાઃ રોમાન્સ કોમેડી અને ઓછાવત્તા અંશે સસ્પેન્સ ધરાવતી આ ફિલ્મની શરૂઆત ફિલ્મના મુખ્ય પાત્ર હેપ્પીના લગ્નથી થાય છે. હેપ્પી એટલે કે હરપ્રીત કૌર (ડાયેના પેન્ટી)ના લગ્ન ભગ્ગા પરમતુ (જિમ્મી શેરગીલ) સાથે થઈ રહ્યા હોય છે. જોકે હેપ્પીને ગુડ્ડુ (અલી ફઝલ) સાથે પ્રેમ છે તેથી તે પોતાના માંડવેથી ભાગી જાય છે. એ પછી હેપ્પી ભૂલથી પાકિસ્તાન પહોંચી જાય છે. પાકિસ્તાનમાં બિલાલ અહેમદ (અભય દેઓલ) તેની મદદ કરે છે.
માવજત મસ્તઃ વાર્તામાં વધુ નવીનતા ન હોવા છતાં ફિલ્મ જોવાની મજા એટલા માટે આવે છે કારણ કે ફિલ્મની માવજત અને દિગ્દર્શન દાદ માગી લે તેવા છે. ખાસ કરીને હેપ્પી જેવી પાકિસ્તાન પહોંચે છે તે પછી ફિલ્મમાં નવીનતા આવતી જ રહે છે. ફિલ્મમાં મુખ્ય પાત્રો એવા ડાયેના પેન્ટી, અભય દેઓલ, જિમ્મી શેરગીલ, અલી ફૈઝલ અને પાકિસ્તાની હિરોઈન મોમલ શેખ (ઝોયા)નો અભિનય સારો છે, પણ ફિલ્મમાં પીયૂષ મિશ્રા (એસીપી ઉસ્માન અફ્રિદી) સરપ્રાઈઝ પેકેજ છે.

