રિયો દી’ જાનેરોઃ ભવ્ય સમાપન સમારંભ સાથે રવિવારે ૧૭ દિવસ ચાલેલા રિયો ઓલિમ્પિક્સનો અંત આવ્યો. બ્રિટને આ ઓલિમ્પિકમાં છેલ્લા કેટલાક દસકાઓનો શ્રેષ્ઠતમ દેખાવ કરતાં ૨૭ ગોલ્ડ, ૨૩ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૬૭ મેડલ જીત્યા છે. તો ભારતને માત્ર એક સિલ્વર અને એક બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો છે.
રિયોને ઘણા રેકોર્ડ્સ બ્રેકિંગ પ્રદર્શન અને નવા યુવાન એથ્લેટ્સના ઉદય માટે યાદ રખાશે. ઓલિમ્પિક્સમાં ઘણા રેકોર્ડ્સ તૂટ્યા, ઘણા નવા બન્યા તો ઘણા એથ્લેટ્સે રેકોર્ડ્સ જાળવી રાખ્યા. યુસૈન બોલ્ટ, માઈકલ ફેલ્પ્સ અને મો ફરાહ જેવા ખેલાડીએ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યા. ભારત માટે આ રમતોત્સવ અત્યંત નિરાશાજનક રહ્યો. જોકે સાક્ષી મલિક અને પી. વી. સિંધુએ મેડલ જીત્યા હતા.
સાક્ષી-સિંધુએ આબરૂ બચાવી
ભારતે રિયોમાં ૧૧૮ ખેલાડીઓની અત્યચાર સુધીની તેની સૌથી મોટી ટીમ મોકલી હતી, પરંતુ ગેમ્સના ૧૨ દિવસ સુધી ભારત મેડલ માટે તરસતું રહ્યું હતું. અંતે ભારતની બે છોકરીઓએ રિયોમાં દેશની લાજ રાખી હતી અને બે મેડલ અપાવ્યા હતા. ૨૦૧૨ લંડન ઓલિમ્પિકસમાં છ મેડલ જીતનારા ભારત રિયોમાં બે જ મેડલ જીતી શક્યું અને આ સાક્ષી અને સિંધુના કારણે શક્ય બન્યું હતું. સાક્ષીએ મહિલા કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો હતો જ્યારે પી. વી. સિંધુએ બેડમિંટનમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો.
રિયો ઓલિમ્પિક્સઃ આંકડાઓની રમત
• ૨૦૭ દેશ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં રેફ્યુજી નેશન્સની ટીમનો પણ સમાવેશ થતો હતો.
• ૯૭૪ મેડલ માટે જંગ ખેલાયો. જેમાં ૩૦૭ ગોલ્ડ, ૩૦૭ સિલ્વર અને ૩૬૦ બ્રોન્ઝનો સમાવેશ.
• ૫૯ દેશ (આઇઓએ સહિત) એવા છે જેણે ઓછામાં ઓછો એક ગોલ્ડ મેડલ જીત્યો.
• ૮૭ દેશ એવા રહ્યા કે જે ઓછામાં ઓછો એક મેડલ જીતવામાં સફળ રહ્યા.
• ૧૨૦ દેશ એવા રહ્યા કે જે એક પણ મેડલ વિના ખાલે હાથે પરત ફર્યા.
• ૯ દેશ એવા છે કે જેણે આ વખતે પ્રથમ વાર ઓલિમ્પિક્સમાં ગોલ્ડ જીત્યો.
જેમાં વિએતનામ, ફિજી, સિંગાપુર, જોર્ડન, બહેરિન, તાજિકિસ્તાનન, આઇવરી કોસ્ટ, પ્યુર્ટો રિકોનો સમાવેશ.
• ૪૬ ગોલ્ડ મેડલ અમેરિકાએ જીત્યા. જેમાં ૨૭ મહિલા અને ૧૯ પુરુષ ગોલ્ડ મેડલ વિજેતા.
• ૨૭ વર્લ્ડ રેકોર્ડ રિયો ઓલિમ્પિક્સ દરમિયાન તૂટયા છે
• ૨૫૨૦ મેડલ અમેરિકા સમર ઓલિમ્પિક્સના ઈતિહાસમાં જીતી ચૂક્યું છે.
• ૨૮ મેડલ ભારત સમર ઓલિમ્પિક્સના ઈતિહાસમાં જીત્યું છે.
• ૯૧ ઓલિમ્પિક્સ રેકોર્ડ રિયો ઓલિમ્પિક્સ દરમિયાન તૂટયા છે.
• ૧૪૩૨ દિવસ બાદ ૨૦૨૦ની ઓલિમ્પિક્સ ટોક્યોમાં યોજાશે.

