સુભાષને આ ક્ષણે રવીન્દ્રનાથની પંક્તિનું સ્મરણ થઈ આવ્યુંઃ
તારાં સ્વજન
તને જાય જો મૂકી
એકલો જાને... રે!
‘એકલા ચલો...!’ હૃદયમાં ગંભીર નાદ ઊઠ્યો. જીવન સંઘર્ષનો આ સત્તરમો પડાવ! બ્રિટિશ અભ્યચાસ પછી ઉચ્ચ પદની લાલસા છોડવાનો નિર્ણય, વિદેશવાસે ક્રાંતિ-સંપર્કો, ભારતીય યુવા માનસ પર નેતૃત્વનું રંગધનુષ, ગાંધીજી સાથેના મતભેદોની સાથે હરિપુરા કોંગ્રેસનું અધ્યક્ષ પદ, ત્રિપુરી કોંગ્રેસમાં ભવ્ય વિજયને ઘેરી વળેલાં ગાંધી-પંથી વાદળો, બર્માની આંડલે જેલમાં અનશન, કોલકાતામાં નજરકેદ અને સરહદપારથી સાહસિક જિંદગી, હેર હિટલર અને મુસોલિનીની મુલાકાત, ટોકિયોમાં ક્રાંતિગુરુ રાસબિહારી બોઝ સાથે મિલન, આઝાદ હિન્દ ફોજની રચના, ઇરાવતીના કિનારે, આરાકાનના પહાડ અને જંગલોમાં પ્રચંડ આઝાદી યુદ્ધ, આઝાદ હિન્દ સરકારની સ્થાપના, ‘જય હિન્દ!’નો ‘ચલો દિલ્હી’ સાથેનો નારો, આંદામાન-નિકોબાર પર સ્વરાજ્યનો ધ્વજ, ઇમ્ફાલમાં મુક્તિગાન...
અને હવે-
જય પરાજયની ઉબડ ખાબડ ભૂમિ પર, અડતાળીસ વર્ષનો આ તેજસ્વી તારક ગાઢ અંધકારને ચીરી નાખીને સ્વાતંત્ર્ય સુરજ તરફ ધસવાનો સંકલ્પ કરી રહ્યો હતો...
સત્તરમો પડાવ. નજર સામે અનિશ્ચિત ભવિષ્યનો પથ!
૧૮૯૭થી ૧૯૪૫.
અડતાળીસ વર્ષની જિંદગી. હવે નૂતન પ્રભાતની આશા-
નવીન પર્વ કે લિયે
નવીન પ્રાણ ચાહિયે!
સુભાષના હોઠ પર શબ્દ આવ્યોઃ નૂતન સંકલ્પ. નૂતન જિંદગી.
દેશ સમગ્રથી અ-જાણ, અ-નામ, ભીષણ અને એકાંતિક રસ્તો પાર કરીને...
સ્વતંત્રતાનો પુનઃ પાંચજન્ય!
કઈ રીતે? સુભાષ મનોમન હસ્યા, બોલ્યાઃ રે નિયતિ! કઈ રીતે એ તો હું યે જાણતો નથી!
આકાશી વાદળાંની વચ્ચે એકાદ તેજરેખા આવી અને વિલીન થઈ ગઈ. સુભાષનો અહેસાસ-ભારત માતાનો! સાવરકરે જે સૂત્ર લંડનમાં પ્રચલિત કર્યું હતું, તેનું સ્મરણ થઈ આવ્યુંઃ
સ્વાતંત્ર્યલક્ષ્મીની જય હો!
ક્યાં છે સુભાષ?
સૌ પહેલી, ગાંધીજીની આંખો શોધતી હતીઃ ક્યાં છે મારો પુત્ર સુભાષ? આજે તે હોત મારી પાસે તો વિભાજનના વિષાક્ત દિવસો નિહાળવાના આવ્યા ના હોત!
નોઆખલીમાં, હત્યાકાંડોની વચ્ચે, સળગતાં મકાનોના ભંગારને પાર કરીને ગાંધી ‘સ્વાતંત્ર્ય દિવસ’ મનાવી રહ્યા હતા, ત્યારે લાલ કિલ્લા મુકદમામાં છૂટેલો આઝાદ ફોજનો સૈનિક તેમની પાસે હતો.
કર્નલ જીવનસિંહે એક રાતે જોયું કે ગાંધી પોતાના ઓરડામાં નહોતા!
અરે, ક્યાં ગયા બાપુ?
ઘોર ચિંતામાં જીવનસિંહે બહાર શોધવા માટે દોડ્યા.
થોડે દૂર એક વિરાન ટેકરી પર બેઠા હતા બાપુ.
જીવનસિંહ તેમની પાસે ગયા.
ગાંધીની આંખમાં આંસુની ધારા!
તેમણે પાછળ જોયુંઃ જીવનસિંહ, તું? અહીં?
હા. બાપુ... તમારી ચિંતા થતી હતી... પણ, તમે રડી રહ્યા છો? બાપુ!
ગાંધીજી ખભો પકડીને ઊભા થયા. ધીરા અવાજે બોલ્યાઃ જીવનસિંહ, મારું તપ એળે ગયું! મારાં સપનાં ધૂળ ભેગાં થયાં, આ બધા - હિન્દુ મુસ્લિમો - એકબીજાનાં ગળાં કાપવામાં પડ્યા છે. હિન્દુ મુસલમાનને મારે છે, મુસલમાન હિન્દુને છોડતો
નથી... જીવનસિંહ, મને કોઈ સમજતું નથી...
‘કોઈ જ નહીં?’ જીવનસિંહની નવાઈ શબ્દોમાં ઊભરાઈઃ ‘બાપુ, તમારી પાસે તો જવાહરલાલ છે, સરદાર છે, કૃપલાણી છે... રાજેન્દ્રબાબુ છે...’
‘ના. આમાંના કોઈ મને સમજી શક્યા નહીં... કોઈ નહીં.’ ઊંડા નિશ્વાસ સાથે બાપુ બોલ્યા.
પછી કહેઃ બસ, એક માણસ મને બરોબર સમજતો હતો. સમજી શકતો હતો. આજે તે મારી પાસે નથી.’
‘તમારી પાસે નથી?’ આપ કોની વાત કરો છો, બાપુ?
‘સુભાષ.’
પછી બેમાંથી કોઈ કશું બોલ્યું નહીં. કંઈ શેષ હતું યે શું કહેવાનું? ત્રિપુરીમાં જેની જીતને પોતાનો પરાજય માન્યો હતો તે યુવાન સુભાષ આ અગનજ્વાળાની વચ્ચે બાપુને યાદ આવી રહ્યો હતો.
પણ ૧૯૪૭ના સ્વાતંત્ર્ય દિવસોના ઘનઘોર ઉત્પાત દિવસોમાં સુભાષ હતા ક્યાં? જાપાનના કોઈ નગરમાં? મંચુરિયામાં? રશિયન ‘ગુલાલ’માં? ચીનની સરહદે? આયર્લેન્ડમાં? કે ૧૯૪૫થી ૧૮ ઓગસ્ટ તાઇકોહુ વિમાની મથકે દુર્ઘટનામાં તેમણે વિદાય લઈ લીધી હતી? સુભાષ ક્યાં હતા?
કોઈને કશી ખબર નહોતી. છતાં બધા આશ્વસ્ત હતા. સુભાષ જનજનનાં હૃદયમાં તો સુપ્રતિષ્ઠ હતા, બીજાં વિશ્વયુદ્ધના વિરામ પછીની દુર્દશા વચ્ચે, જય-પરાજયના દારુણ હિસાબની દુનિયામાં - તે ક્યાંક જીવિત હતા.
ક્યાંક...
બ્રિટિશ સરકાર આખી કામે લાગી તેમને શોધી કાઢવા માટે. આવડો મોટો યુદ્ધ અપરાધી છટકી કેમ જઈ શકે? ગુપ્તચર તેમની શોધ - સમિતિઓ ચારેતરફ સંદર્ભો મેળવી રહી હતી. જાપાની સૈનિક દળના વડાઓની સમિતિ બની હતી. લોર્ડ માઉન્ટબેટનને અજંપો હતો - બર્મા તો જીતી લીધું પણ બર્માની ધરતી પર સરકાર રચનારો મહાનાયક અંતર્ધાન થઈ ગયો!
૨૨ માર્ચ ૧૯૪૭ના વાઇસરોય વેવેલે ભારત છોડ્યું, સુકાન લોર્ડ માઉન્ટબેટનને સોંપતા કહ્યુંઃ ‘હું મેડહાઉસ ઓપરેશન સિવાય ખાસ કશું કરી શકું તેમ નથી. પહેલાં બ્રિટિશ મહિલા- બાળકોને સહીસલામત ઈંગલેન્ડ મોકલવામાં આવે. પછી તંત્રના બ્રિટિશરોને. પછી સેનાને... આ કામ હવે તમારે કરવાનું છે, લોર્ડ!
લોર્ડને હજુ બર્માની લડાઈ યાદ હતી. પૂરી સત્તા મળે તો જ આ કાર્યભાર સંભાળીશ એમ ચોખ્ખુંચટ કહી દીધું હતું. માઉન્ટબેટનની નેહરુ-મૈત્રી ‘સત્તાનાં હસ્તાંતરણ’ની હવેલી સરખી હતી! તેની આસપાસ બ્રિટિશ સત્તા હેમખેમ અનુભવતી હતી. એટલે માઉન્ટબેટનની બધી શરતોને માન્ય કરાઈ. નક્કી તો એવું થયું હતું કે ૧૯૪૮માં સત્તાની હેરફેર કરાશે પણ આ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ કેમ પસંદ કરાયા?
માઈકલ એડવર્ડ્સને સાંભળીએઃ
The ghost of Subhash Bose, Like Hamlets' father walked the battlements of the Red fort and his suddenly amplified figure over-awed the conferences that were to lead to indepenence.
અને Hugh Toyeના
શબ્દોમાં -
There can thus be little doubt that the INA, not its unhappy career on the battlefield, but in its thunderious disintegration hastened the end of British rule in India.
પછી માઉન્ટબેટન મળ્યા જવાહરલાલ અને ગાંધીજીને. ગાંધીએ સાફ કહ્યું કે કાર્યસમિતિ જ જે કરે તે અંતિમ ફેસલો ગણાશે. સરદાર સાથે વાતચીત થઈ. ૧૫ જૂને દેશવિભાજનનો ઠરાવ થયો.
સીમાંત ગાંધી ખાન અબ્દુલ્લ ગફાર ખાને સૌને વાસ્તવિક્તાનો આયનો બતાવ્યો.
નેતાજી સુભાષચંદ્ર બોઝની અનુપસ્થિતિને લીધે ભારતના ભાગલા પડ્યા છે. સામાન્ય નાગરિકને એવું કહેવાયું કે આનાથી કોમી વૈમનસ્ય સમાપ્ત થશે. ક્યાંક સુભાષ પાછા ફરે, અચાનક, તો?
એ અજ્ઞાત ભયે તો લોર્ડ માઉન્ટબેટનની યોજનાને ઉતાવળે સ્વીકારી લેવાઈ નહોતીને?
૧૮ જુલાઈ ૧૯૪૭.
બ્રિટિશ સંસદમાં જાહેર કરાયુંઃ આગામી ૧૫મી ઓગસ્ટે બે સ્વાધીન ‘ડોમિનિયન રાષ્ટ્ર - ભારત અને પાકિસ્તાનની રચના થશે.’
જનાબ જિન્નાહે આટલી સફળતા સપનામાં યે ધારી નહોતી. I never thought it would happen, i never expected to see PAKISTAN in my life.
સિયાલકોટ - ગુજરાનવાલા - શેખપુરા - લાયલપુર - મોન્ટગોમરી - લાહોર - અમૃતસર - ગુરદાસપુર - હોંશિયારપુર - જાલંધર - ફિરોઝપુર - આખું પંજાબ લોહીની નદીઓમાં ફેરવાઈ ગયું. મનુષ્યને પશુમાં બદલાવી નાખતી સ્વાધિનતા!
એકલા પંજાબમાં સરકારી આંકડા પ્રમાણે દશ લાખ લોકોની લાશો પડી. ઘરબાર વિનાના થયા ૧,૪૦,૦૦,૦૦૦, બળાત્કાર ૧,૦૦,૩૦૦, ધર્મપરિવર્તન અને ખરીદ-વેચાણની ભોગ બનેલી સ્ત્રીઓ અસીમિત.
બ્રિટિશરોને લાગતું હતું કે જે થાય તે. હવે ભારત જળવાય તેમ નથી. થોડા વધુ દિવસો રહેવાનું થાય તો પાંચ લાખ બ્રિટિશ સેનાની જ મદદથી નવી સેના તૈયાર કરવી પડી હોત, દેશના તમામ નેતાઓને ગોળીથી ઊડાવી દેવા પડ્યા હોત... બીજો રસ્તો જ નહોતો! (કેમ્બલ જ્હોન્સ)
અને પંદરમી ઓગષ્ટ - ગર્વનર જનરલ તરીકે આરૂઢ ચક્રવર્તી રાજગોપાલાચારિએ શપથ લીધા, તેના શબ્દો -
‘હું ચક્રવર્તી રાજગોપાલાચારી વિધિશઃ પ્રતિજ્ઞા લઉં છું કે હું સમ્રાટ છઠ્ઠા જ્યોર્જ, તેના વંશધર અને ઉત્તરાધિકારીઓ પ્રત્યે કાનૂનપૂર્વક વિશ્વસ્ત અને અનુગત રહીશ. ગર્વનર જનરલના પદ પર રહીને સમ્રાટ છઠ્ઠા જ્યોર્જ, તેના વંશધર અને ઉત્તરાધિકારીની સુચારુરૂપે નિયમાનુસાર સેવા કરીશ.’
૧૯૫૦માં પણ-
ભારત સરકાર કોમનવેલ્થના સભ્ય હોવાના નાતે રાજાને અને સભ્ય રાષ્ટ્રોની સ્વતંત્રતાને પ્રતીકરૂપે માન્ય કરે છે.
આવી, ભિક્ષાન્નદેહી સ્વતંત્રતા સુભાષે તો ક્યારેય માગી નહોતી અને ઈચ્છી નહોતી એટલે તો ખુદ બ્રિટિશ લેખક એલેકઝાન્ડર વર્થે ખુલ્લા દિલથી લખ્યુંઃ
‘એક દિવસ એવો આવશે જ્યારે નેતાજી વિપ્લવી નેતા ગેરિબાલ્ડીની જેમ સમ્માનિત થશે, જેમણે વિતેલી શતાબ્દિમાં ઓસ્ટ્રિયા પાસેથી પોતાના દેશને સ્વાધીન કરવા લડાઈ કરી હતી. કમ્યુનિસ્ટ ચીનમાં, સુન - યાત - સેનની જેમ જ મહાન ગણાશે, જેમણે જપાનમાં રહીને રાજવંશોના અત્યાચારથી ચીનને મુક્ત કરાવ્યું હતું. આજે કે આવતી કાલે, ડી વેલેરાની જેમ તેમને સમ્માન અને સ્વીકૃતિ મળશે. જેમણે આયર્લેન્ડને બ્રિટિશરોથી મુક્ત કરવાના પ્રયાસો કર્યા હતા. ચેકોસ્લોવેકિયાની સ્વતંત્રતા માટે જે કામ મેસારિકાએ કર્યું તેવું સુભાષચંદ્ર માટે કહેવાશે.’ (નેતાજી ઈન જર્મની)
માઈકલ એડવર્ડઝ તો ભારતીય નહોતો ને? લખ્યુંઃ India owes more to him (Subhash Bose) than to any other man.
ગાંધીજીએ તેમને ‘ઈતિહાસપુરૂષ’ કહ્યા એ અતિશયોક્તિ નહોતી. સ્મરણ આઝાદ હિન્દ ફોજની બાલ-સેનાનું, કેવું સ્પંદિત છે?
બાર-તેર-ચૌદ વર્ષના તરુણો.
અચાનક સાઈરન વાગી. તમામ બાળકો મેદાનમાં હાજર થઈ ગયાં.
‘સર, વી આર રેડી!’
તેમના હાથમાં નાના-મોટા કેશ બોક્સ અપાયાં ને સૂચના આપીઃ ‘જાઓ, જ્યાં જગ્યા મળે ત્યાં છૂપાઈ જાઓ. બ્રિટિશ બોંબ વિમાનો તારાજ કરવા આકાશમાં આવી ચડ્યાં છે.’
બાળકોએ આ કામ કર્યું એક દિવસ નહીં, ઘણીવાર!
૧૯૪૪માં ભારતીય બાળકો આ કાર્ય કરી શક્યા, તે ૧૯૪૭ પછી... કેમ પરંપરા ના રહી?
ભારત સુભાષની ખોજ કરતું રહ્યું તેનું કારણ આ છે. સ્વાધીન ભારત. સશક્ત ભારત. સાંસ્કૃતિક ભારત. મૂલ્યકેંદ્રી ભારત. સ્વાર્થ અને ભ્રષ્ટાચારથી ખદબદતો દેશ નહીં.
એટલે તો ‘ક્યાં છે સુભાષ?’ પ્રશ્ન અ-ટલ રહ્યો. ૧૯૫૧માં તો શાહનવાઝ ખાં એવું બોલ્યા હતા કે મને ભરોસો છે કે આવતા જન્મદિવસે - ૨૩ જાન્યુઆરીએ નેતાજી આપણી વચ્ચે હશે.
જવાહરલાલના મૃતદેહ પાસે એક વ્યક્તિ ઊભી હતી, તે સુભાષ હતા? લોકોને તો એવું લાગ્યું. સિનેમાઘરોમાં દસ્તાવેજી ચિત્ર દર્શાવાતું તેમાં તે ચહેરો જોઈને ગણગણાટ વધી ગયો. અખબારો એ અહેવાલ છાપ્યા. સરકારે તુરંત તે દસ્તાવેજી ફિલ્મ બતાવવાની બંધ કરી દીધી.
એક ગુજરાતી પત્રકાર હરીન શાહ જપાન જઈને એવું શોધી લાવ્યા કે વિમાની દુર્ઘટનામાં સુભાષ માર્યા ગયા તેને નજરે જોનારી પરિચારિકા સાથે મુલાકાત કરી છે. પછી તે ભારત આવીને વડા પ્રધાન જવાહરલાલ નેહરૂને મળ્યા. બધા ‘પ્રમાણો’ રજૂ કર્યાં. અને બીજા દિવસથી હરીન શાહની એ ‘સ્ટોરી’ બધે પ્રકાશિત થઈ, પુસ્તક પણ થયું.... જસ્ટિસ મુખરજી તપાસપંચે ભેદ ખોલ્યો કે ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના તાઈકોહુ વિમાનમથકે દૂર્ઘટના પછી સુભાષને હોસ્પિટલમાં દાખલ કરાયા. મૃત્યુ પછીની નોંધમાં તેમનું નામ ‘કાટકાના’ રખાયું હતું....પછી તે કાઢીને ‘ઉકારા ચીરો’ લખાયું! ખરેખર તો આવો કોઈ અકસ્માત તે દિવસોમાં થયો જ નહોતો. અે આવાં કોઈ નામો નહોતાં. પેલી નર્સની ‘વાર્તા’ કરાઈ તે પણ ક્યારેય અસ્તિત્વમાં નહોતી!
ડો. જોશિમીનું ‘ડેથ સર્ટિફિફેટ’ ગૂમ થયું. તેને બદલે કોઈ ડો. છુલ્કા તોયેજીનું નામ રખાયું. તારીખ બદલાઈ. પહેલાં ૧૮ ઓગસ્ટ હતી, પછી ના, અઢાર નહીં ઓગણીસ.
સુભાષની સાથે હતા શિદેઈ. તેમના મૃત્યુ વિશે એક તપાસ સમિતિ નિયુક્ત થયેલું એવું કહેવાયું. કર્નલ શિબુઆ તેના અધ્યક્ષ હતા એમ પણ જણાવાયું.
કર્નલ શિબુઆએ સાફ ઇનકાર કર્યો કે હું આવીકોઈ તપાસનો અધિકારી ક્યારેય નહોતો!
હબીબુર્ર રહેમાને કહ્યું, ‘નેતાજી આગામા ઝુલસી ગયા ત્યારે તેમના માથામાં ચાર ઇંચનો ઊંડો ઘાવ હતો.
હોસ્પિટલ વડા ડો. જોશિમીએ કહ્યું એવો કોઈ ઘા હતો જ નહીં. હોય તો તે મેં પહેલાં જોઈને સારવાર કરી હોત. મેં તો ઇંજેક્શન અપાવેલાં.
ઇંજેક્શન?
નર્સ સિસ્ટર છાનપીસાનો ઇન્કારઃ ‘કોઈ ઇંજેક્શન લગાવાયાં નહોતાં શરીર જ એટલું બળેલું ઝળેલું હતું કે તેમાં ઇંજેક્શનની તસુભાર જગ્યા નહોતી.’
હબીબુર્ર રહેમાને નેતાજીની અંતિમ સ્મૃતિ તરીકે પછીથી તેમની ઘડિયાળ બતાવી હતી. ‘ડોક્ટર જોશિમીએ છેલ્લી ક્રિયા પૂર્વે મને આપી હતી.’
ડો. જોશિમીઃ મેં આવી કોઈ ઘડિયાળ આપી નથી.
ફોર્મોસાના સૈનિકી કાર્યાલયમાં ચાર ટેલિગ્રામ (તાર) મળ્યા. તેમાંનો એક ટોકિયોના જાપાન ઇમ્પિરિયલ વડા મથકથી આવેલો. તેમં લખ્યું હતું. કે નેતાજીનો મૃતદેહ ટોકિયો મોકલી આપો. બીજા તારમાં જણાવાયું કે મૃતદેહ મોકલવામાં આવ્યો છે, હવાઈ જહાજથી. ત્રીજો ટોકયોના તાર - ‘મોકલશો નહીં.’
તાઈહોકુમાં જ અંતિમ ક્રિયા કરો’ શું મૃતદેહ ટોકિયો પહોંચ્યા પછી વળી પાછો લાવવામાં આવ્યો હતો?
બ્રિટિશ સૈન્યની આંખે પાટા બાંધવામાં જાપાન હોંશિયાર સાબિત થયું. બ્રિટિશરો અંધારામાં અફળતા રહ્યા - જીવતા યા મૃત સુભાષને શોધવામાં વિન્સ્ટન ચર્ચિલના હાથ હેઠા પડ્યાં. માઉન્ટબેટન હતાશ થયા. જાપાનીઝ ફાઈલમાં નોંધાયું છે. This file of telegrams contains four and most important one, which give an idea of the plan to allow to escape and to publish a false story regarding his death is a follows... (hain file No. 13; Hisc. INA. 272)
અમેરિકન ગુપ્તચરોએ ઊંડી તપાસ પછી જણાવ્યું . હબીબુર્રરહેમાનું બયાન – નેતાજીના મૃત્યુનું વિશ્વાસપાત્ર નથી. તમે આપણી ચિંતા સમજી શકશો કે ખરેખર બોઝ ત્યારે મૃત્યુ પામ્યા હતા અથવા કાયમ મરી ગયા છે કે નહીં. જાપાનના થોડાક સર્વોચ્ચ સેનાપતિઓ જ સાચું રહસ્ય જાણે છે. (No. C-s intelligence bureau) ગુપ્તચર વડા મેજર યંગે નોંધ પ્રસ્તુત કરી, પોતાના વિભાગના પ્રધાનને. તેમાં કહ્યું કે ‘એ તો સાચું છે કે બોઝ છેલ્લે ખાસ વિમાનમાં સાઈગોનથી અનિશ્ચિત મુસાફરી માટે નીકળી પડ્યા હશે અને તે પણ સાચું કે તાઇહોકુમાં વિમાની દુર્ઘટના થઈ હશે.
(ક્રમશઃ)

