વોશિંગ્ટનઃ અમેરિકામાં બનાવટી ગ્રીનકાર્ડ લગ્ન કે પછી પોતે ક્રાઇમ વિક્ટિમ હોવાનો દાવો કરીને વિઝાકૌભાંડ આચરી ચૂકેલા ૧૯ સામે ચાલતી અદાલતી કાર્યવાહીમાં સુનાવણીના અંતે ૧૪ ભારતીયો દોષિત ઠર્યા છે. આ દોષિત આરોપીઓમાં નવ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે, દેશમાં પ્રવેશ મેળવવા આ લોકોએ યુએસ સિટિઝનશીપ ધરાવતી વ્યક્તિ સાથે બનાવટી લગ્ન કર્યાં હતાં અને પછી વિશેષ સંજોગોમાં આપવામાં આવતા યુ-વિઝા માટે ગેરરીતિ આચરીને અરજી કરી હતી. યુ-વિઝા એવી વ્યક્તિને આપવામાં આવતા હોય છે કે જેઓ ચોક્કસ પ્રકારના અપરાધનો ભોગ બનીને માનસિક અને શારીરિક અત્યાચારનો ભોગ બન્યા હોય અને કાયદાનું રક્ષણ મેળવવા માટે હકદાર હોય.
યુ-વિઝા મેળવવાનાં આ કૌભાંડમાં કસૂરવાર ઠરેલા ગુજરાતીઓમાં સચિન ગિરીશકુમાર પટેલ, તરુણકુમાર પુરુષોત્તમ પટેલ, સંજય રતિલાલ પટેલ, મહેશકુમાર મંગળદાસ પટેલ, આશાબેન મુકેશભાઈ પટેલ, રંજન નરેશકુમાર પટેલ, ગોપાલદાસ ખોડાભાઇ પટેલ, સચિન ખોડીદાસ પટેલ અને બલદેવભાઇ રામાભાઇ પટેલનો સમાવેશ થાય છે.
ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ
આરોપનામામાં જણાવાયું હતું કે લાયસન્સ ધરાવતા એટર્ની સિમ્પ્સન લોઇડ ગુડમેને આરોપીઓના બનાવટી દસ્તાવેજો અમેરિકી ઇમિગ્રેશન સત્તાવાળાઓ સમક્ષ રજૂ કર્યા હતા. વિઝા મેળવવા સત્તાવાળા સમક્ષ રજૂ થયેલા બનાવટી દસ્તાવેજોમાં બનાવટી પોલીસ રિપોર્ટનો પણ સમાવેશ થતો હતો. જેક્સન પોલીસ વિભાગના અધિકારી આઇવરી લી હેરિસે આ બનાવટી પોલીસ દસ્તાવેજ તૈયાર કર્યા હતા. આ બંનેને પણ કેસમાં દોષિત ઠેરવાયા છે.
દોષિતો સામે આક્ષેપ છે કે તેમણે લગ્નકૌભાંડ આચર્યું હતું. તેમણે પારસ્પરિક પ્રેમને કારણે નહીં, પણ માત્ર ઇમિગ્રેશન કાયદેસરનો દરજ્જો હાંસલ કરવાના હેતુસર જ લગ્ન કર્યાં હતાં. લગ્નકૌભાંડ આચરવા બદલ જે લોકો દોષિત ઠર્યા છે તેમાં સચિનકુમાર ગિરીશકુમાર પટેલ, તરુણકુમાર પુરુષોત્તમભાઇ પટેલ, સિમ્પ્સન લોઇડ ગુડમેન, ચિરાગ નીલેશ પટેલ, દાના ચિતારા એડમ્સ, બ્રાન્ડી નિકોલે એડવર્ડ, તેરીલીન રેન્કિન, સેજલ સંજય કાકડિયા, જયંતીભાઇ કાકડિયા ચૌધરી, વીરેન્દ્ર રામબચન રાજપૂત અને જાવોના શાનિસે રાજપૂતનો સમાવેશ થાય છે.

