હિંદુ ધર્મ દુનિયામાં ત્રીજો સૌથી મોટો ધર્મ...

Tuesday 24th May 2016 11:47 EDT
 

હિંદુ ધર્મ દુનિયામાં ત્રીજો સૌથી મોટો ધર્મ...
હિન્દુ ધર્મ વિશે અન્ય એક વાચકે તેમના વિચારો રજૂ કર્યા. તે થોડાઘણા અંશે સત્ય હોઈ શકે. બાકી મનમાં રહેલો ઊભરો આવી રીતે ઠાલવવો યોગ્ય નથી.
હિન્દુ ધર્મએ હજારો વર્ષોની મહાત્મા, સાધુ-સંતો-ઋષિ મુનિઓની તપસ્યાનું ફળ છે, જેના અનુયાયીઓની સંખ્યા લગભગ ૧૦૦ કરોડથી
વધારે છે. હિન્દુ ધર્મ વિશ્વમાં ત્રીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે.
દરેક ધર્મમાં થોડેઘણે અંશે આવું હોય જ છે. બીજા ધર્મમાંથી એવું શું તેઓને મળ્યું છે કે જે કરવાથી તેને ફાયદો થયો હોય તે જણાય તો તે બીજાને ઉપયોગી થશે. દરેક ધર્મમાં નામ સ્મરણ, પ્રાર્થના, પૂજા છે જ. બીજા ધર્મમાં પણ થોડેઘણે અંશે બદીઓ છે જેમાં આતંકવાદ, વ્યભિચાર વગેરે જોવા મળે જ છે. તે બાબતે તે વાચકનું ધ્યાન ગયું હોય તેવું નથી લાગતું.
હા ધર્મનો ફેલાવો કરનારા ઘણી વખત અંગત પ્રતિષ્ઠા કે મોહને કારણે લોકોને અવળે માર્ગે ચડાવતા હોઈ શકે. બાકી હજારો વર્ષોની આકરી તપસ્યા, બ્રહ્મચર્ય,સન્યાસી જીવનની ફલશ્રુતિ રૂપે હિન્દુ ધર્મનો ઉદભવ થયો છે જે સત્ય છે.
જરૂર અમુક અંધવિશ્વાસ, કુરિવાજ વગેરે સામે ધ્યાન દોરવું યોગ્ય છે.
ન્યુઝીલેન્ડના મિ. બ્રાયન, ક્રિશ્ચિયન હોય તો તેઓ પહેલાં ખ્રિસ્તી ધર્મમાં કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે તે શોધવા નીકળે તો ઘણું મળે. દરેકે બીજા ઉપર કીચડ નાખતા પહેલાં પોતાના ગંદા કપડાં જોવા જોઈએ.
- પરેશ દેસાઈ, લંડન
ભારત-બાંગ્લાદેશ સરહદ સમજૂતી
૧૯૪૭માં આઝાદી મળી ત્યારે બંગાળના ભાગલા પશ્ચિમ બંગાળ અને પૂર્વ પાકિસ્તાન તરીકે પડ્યા હતા. પરંતુ, બંગાળના આ વિસ્તારો વચ્ચેની સરહદનું યોગ્ય સીમાંકન થયું નહોતું. કેટલાક પ્રયાસો કરવા છતાં પણ પાકિસ્તાન કોઈ બાંધછોડ કરવા તૈયાર નહોતું.
૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું. તેની રચનાથી ભારત સાથે સહકારનું નવું વાતાવરણ સર્જાયું. ૧૯૭૪માં વિસ્તૃત વાટાઘાટો બાદ સીમાંકન બાબતે સંમતિ સધાઈ હતી. પરંતુ બન્નેમાંથી એક પણ સરકારે ક્યારેય તેનો અમલ કર્યો નહીં. આ સમજૂતી મુજબ ભારતની અંદરના ૫૧ પ્રદેશો બાંગ્લાદેશને ફાળવાયા હતા જ્યારે બાંગ્લાદેશની અંદર આવેલા ૧૧૧ પ્રદેશો ભારતને ટ્રાન્સફર કરાયા હતા.
ભારત-બાંગ્લાદેશ સરહદ સમજૂતી નરેન્દ્ર મોદીની ઘણી સફળતાઓ પૈકીની એક છે. વડાપ્રધાન બન્યાના પ્રથમ વર્ષમાં જ તેમણે બાંગ્લાદેશની મુલાકાત લીધી. તેમણે અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સમજૂતી પર હસ્તાક્ષરો કર્યા. હવે તેનો અમલ થઈ રહ્યો છે અને તેની પ્રક્રિયા આ વર્ષે નવેમ્બરથી હાથ ધરાશે.
આ સમજૂતી થઈ ત્યાં સુધી ૧૬૨ પ્રદેશોમાં રહેતા લોકો નાગરિકત્વ વિનાના હતા. શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવી પાયાની જરૂરિયાતોથી તેઓ વંચિત હતા. હવે તે તમામ ભારત અથવા બાંગ્લાદેશના નાગરિક છે અને આ સુવિધાઓનો તેમને અધિકાર મળશે.
વડાપ્રધાન મોદીએ એટલી બધી ઉદારતા દાખવી કે તેમણે તમામ ૧૬૨ પ્રદેશોના નાગરિકોને પોતાની મરજીનું નાગરિકત્વ સ્વીકારવા સંપૂર્ણ મુક્તિ આપી.તે મુજબ ભારતમાં આવતા ૧૧૧ પ્રદેશોના દરેકે ભારતીય બનવાનું અને બાંગ્લાદેશમાં ટ્રાન્સફર થનારા ૫૧ પ્રદેશોમાંથી ૧,૦૦૦ કરતાં વધુ લોકોએ ભારતીય નાગરિકત્વ ધારણ કરવાનું પસંદ કર્યું હતું.
- જતીન્દ્ર સહા, ઈ-મેલ દ્વારા
મોદીજીના નેતૃત્વમાં ‘મેરા દેશ બદલ રહા હૈ’
તાજેતરમાં ભારતના પાંચ રાજ્યોની ચુંટણી સંપન્ન થઈ તેમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી આસામ રાજ્ય પાછું મેળવ્યું. આસામની પ્રજાએ મોદીજીને વડાપ્રધાનના પદે બે વર્ષ પુરા થયા તે બદલ આ ભવ્ય ભેટ આપી છે
પાંચ રાજ્યોમાંથી કોંગ્રેસ બે રાજ્યોમાં સતા પર હતી. તેમાંથી આસામ અને કેરળ રાજ્ય ગુમાવ્યુ. આમ કોંગ્રેસનો ભારતમાંથી સફાયો જારી છે. ભાજપ અને તેના સાથી પક્ષો લગભગ 13 રાજ્યો સાથે 75% ભારતમાં સતા પર છે જયારે કોગ્રેસ માત્ર 7 રાજ્યો, જેમાં બે સિવાય પાંચ રાજ્યો પ્રાદેશિકમાં જ સતા પર રહી ગઈ છે. ભારતની પ્રજાએ મોદીજીના કામની સરાહના કરી છે જે આ પરિણામ બતાવે છે. મોદીજીની આ સરકાર ગરીબોની છે. જન ધન પ્રધાનમંત્રીની યોજના વડે કરોડો ગરીબોના બેંકમાં ખાતા ખોલાવ્યા છે. હજારો નકામા કાયદા નાબુદ કર્યા છે.ગરીબો ને ગેસ સીલીન્ડરની ભેટ આપી છે. આગામી ત્રણ વર્ષ માં પાંચ કરોડ ગરીબોને ગેસ સીલીન્ડરની ભેટ આપવામાં આવશે. સ્વછ ભારત અભિયાનને ખુબ જ મહત્વ આપીને દેશમાં સ્વચ્છતાની યોજના કામયાબ થઈ છે. દેશ માં લાખો ટોયલેટો બનવાયા છે.
ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે ગુજરાત.
- ભરત સચાણીયા અને પરિવાર, લંડન
‘આનંદ મેળો’ બિઝનેસની પણ તક પૂરી પાડશે
તા.૧૪-૫ ના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાપ્તાહિકો મળ્યા. બહુ સારી વાંચન સામગ્રી આપે પૂરી પાડી છે. પેજ-૧૩ પર આનંદ મેળાના આયોજનના સમાચાર વાંચ્યા તેમાં એસેટ્સ ઈન્ડિયા પ્રોપર્ટી શોનું આયોજન કર્યું છે તે સારી બાબત છે. વેપારીઓ માટે આપે જે તક ઊભી કરી છે તે સારી બાબત કહેવાય. હું મારા મિત્રવર્તુળમાં આ બાબતે ચર્ચા કરીશ.
સાદિક ખાન જે બ્રિટનમાં એક પાકિસ્તાની બસ ડ્રાઈવરના પુત્ર અને વકીલ છે તેમણે ઈતિહાસ રચ્યો છે. તેઓ બ્રિટનની રાજધાની લંડનના પહેલા મુસ્લિમ મેયર બની ગયા છે. તેમને સૌથી મોટો પર્સનલ મેન્ડેટ પ્રાપ્ત થયો છે. ખુબ ખુબ શુભેચ્છાઓ.
અન્ય સમાચારો પણ રસપ્રદ છે જેવા કે ગુજરાતી ઝારા ખાનની સિદ્ધિ, બસવેશ્વરાના જન્મદિનની ઊજવણી, હિંદુ કેદીઓને છ તહેવારોમાં કામમાં મુક્તિ વગેરે જાણવાલાયક છે.
જીવંત પંથ- ક્રમાંક ૪૪૭ વાંચ્યું. ઘણીવાર નવાઈ લાગે છે સી. બી. આપ કેટલા પ્રોગ્રામોમાં હાજરી આપો છો અને કેટલું વાંચન કરો છો? પાન-૧૬ પરના વિશેષ અહેવાલના સમાચાર આમ દુઃખદ છે પરંતુ નવજીત ઢિલ્લોંએ મદદમાં આવી પોતાનાં ૧૦૦ એપાર્ટમેન્ટ્સ લોકો માટે ખોલી આપ્યાં તે ગર્વની બાબત છે.
અન્ય ઘણું બધું લખવું છે પણ સ્થળસંકોચને કારણે લખતો નથી. ‘ગુજરાત સમાચાર’ કાયમ આવી રીતે માહિતી આપતું રહે તેવી અભ્યર્થના.
- કાંતિલાલ પટેલ, હીથ્રો
જીવન જીવવાની જડીબુટ્ટી ‘જીવંત પંથ’
હું બહુ લાંબા સમયથી 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ'નો વાચક છું. મારા બાળકો અને પુત્રવધૂ 'એશિયન વોઈસ' રસપૂર્વક વાંચે છે. જ્યારે હું ને મારા ધર્મપત્ની તો 'ગુજરાત સમાચાર' જેવું આવે ત્યારે જ સંપૂર્ણપણે વાંચી લઈએ છીએ. આ વખતે જીવંત પંથ-૪૪૬માં સી. બી. સાહેબે શરીર સાચવવા માટે જે સલાહ-સૂચનો આપ્યા છે તે અમને બહુ જ ગમ્યાં છે. અમારા માટે જીવંત પંથ તો જડીબુટ્ટી જેવું છે. આ સિવાય ગુજરાતના નાનાં-નાનાં ગામડાઓના તેમજ મહિલાઓએ સાધેલી પ્રગતિ, ફિલ્મજગત વિશેના સમાચારો વાંચવાની પણ ખૂબ મજા આવે છે. સાથે સાથે પેજ-૨૭ પર આનંદ મેળાના સમાચાર છે તો હું અને મારો પરિવાર આનંદ મેળો માણવા
અચૂક જઈશું જ. તેમાં પણ પ્રવેશ ફીની રકમ દાન કરી દેવાની છે તેવો ઉમદા વિચાર તો ભાગ્યે જ કોઈ કરી શકે.
બસ, વધુ લખતો નથી પણ ગુજરાત સમાચાર અમારું પ્રાણપ્યારું છે. કાયમ આવી જ સેવા આપતા રહેશો.
- ભરતભાઈ પટેલ, લેસ્ટર


comments powered by Disqus