સાદિક ખાનનું આવકારજનક પગલું
આપણા ‘ગુજરાત સમાચાર’ના તા.૨૨.૧૦.૧૬ના અંકના પાન. ૨ પર લંડનના હાલના લોકપ્રિય મેયર સાદિક ખાને યુકેમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિઓની એક મિટીંગ બોલાવી હતી તેના સમાચાર વાંચ્યા. હાલ, યુકે યુરોપિયન યુનિયનમાંથી નીકળી ગયું છે. આથી હવે યુકેને ઇયુ બહારના દેશોની જરૂર પડશે. ભારત આર્થિક રીતે ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. યુકેમાં અનેક ભારતીય કંપનીઓ આવેલી છે જે યુકેમાં મહત્ત્વનો આર્થિક ફાળો આપે છે જેનાથી પ્રેરાઈને તેમણે ભારતીય વેપારી સમુદાયને રોકાણની વાત કરવા માટે એકત્ર કરેલા જે ખુબ જ પ્રશંસાને પાત્ર છે. તેમાં નાયબ મેયર મૂળ ભારતીય રાજેશ અગ્રવાલ પણ હતા. લંડનમાં ઘણી ભારતીય કંપનીઓ કાર્યરત છે અને તે હજારો લોકોને નોકરી આપીને લંડનમાં સારું આર્થિક યોગદાન આપે છે. પરંતુ, બ્રેક્ઝિટને લીધે ભારતીય ઉદ્યોગપતિઓ મૂંઝવણમાં મુકાયા હતા. જોકે, તેમને આ મુદ્દે સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે કે યુકે અને ઇયુ બહારના દેશોએ તેનાથી લેશમાત્ર ગભરાવાનું નથી. તેમને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય તેમ જણાવીને તેમને લંડનમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે.
વધુમાં, વડાપ્રધાન સુશ્રી થેરેસા મે તા ૬ થી ૮ નવેમ્બર ભારતની યાત્રાએ જઈ રહ્યા છે તે સમાચાર વાંચ્યા. તેમનું આ પગલું ખુબ જ આવકારદાયક છે. વડાપ્રધાન બન્યા પછી યુરોપ બહાર તેમની આ સૌ પ્રથમ મુલાકાત છે જે ગૌરવ લેવા જેવી બાબત છે. આ મુલાકાતથી ભારત અને યુકેના સબંધો વધુ મજબૂત થશે, તેમાં કોઈ જ શંકા નથી.
- ભરત સચાણીયા, લંડન
રાહુલના નિવેદનોથી વડાપ્રધાન મોદીને જ લાભ
‘ગુજરાત સમાચાર’ની લોકપ્રિય કોલમ ‘કલમની ધારે’માં ‘ખૂન કે દલાલ’ની રજૂ થયેલી વાત ભારતની લોકશાહી માટે લાંછનરૂપ છે.
તેમાંય જમીનદોસ્ત થયેલી કોંગ્રેસના નેતાઓ દ્વારા આવા અપશબ્દોનો ઉચ્ચાર થાય ત્યારે કોઈપણ સમજુ ભારતીય નાગરિકને આંચકો લાગે એ સ્વાભાવિક છે.
વડાપ્રધાનની ખુરશી પ્રાપ્ત કરવાની અભિલાષા સેવતા ગાંધી પરિવારના રાહુલ ગાંધી જ્યારે દેશના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીને નીચા પાડવા માટે આટલી નીચલી કક્ષાએ જાય ત્યારે તેમની માતા સોનિયા ગાંધીનું માથું શરમથી ઝૂકી ગયું હશે. કોંગ્રેસના જે નેતાઓ નજીવી બાબતમાં રાહુલ ગાંધીની પ્રસંશા કરતા થાકતા નહોતા, તેઓ પણ આવા નિવેદનોના પરિણામે પળભર માટે ઝાટકો ખાઈ ગયા હશે.
રાહુલ ગાંધીને જે સત્તા મળી છે તે વારસામાં મળેલી છે, બાકી એમની પાસે રાષ્ટ્રહિતનો કોઈ જ અનુભવ નથી. તેમની માતા સોનિયા ગાંધીનો પણ વિરોધપક્ષની પાટલીમાં બેસવાનો આ પ્રથમ અનુભવ છે અને હવે આવું જ બોલશે તો તેમને છેક પાછળ બેસવાનો વારો આવશે એ પણ ચોક્કસ છે.
મોદી સાહેબ મુત્સદ્દી છે. એમનામાં પુષ્કળ ધીરજ અને સહનશક્તિ છે. દેશની બહુમતી પ્રજાનું એમને પીઠબળ છે એટલે હાલના સંજોગોમાં રાહુલ ગાંધી ગમે તેવા અપશબ્દો બોલીને કોંગ્રેસને વધારે નબળી બનાવે છે અને અજાણતા જ વડાપ્રધાન મોદીને વધારે મજબૂત અને લોકપ્રિય બનાવે છે.
ખૂન કે દલાલ અવલોકન ખરેખર કલમની ધારે લખાયું છે. નીડર અને હકીકતપૂર્ણ વિવેચન બદલ તંત્રીમંડળને હાર્દિક અભિનંદન. રાજકારણમાં રસ ધરાવતા ભારતીય મૂળના દરેક વાચકને એ બહુ ગમશે એમાં કોઈ સંશય નથી.
- એચ. વી. કેરાઈ, વેલિંગ – કેન્ટ
શ્રદ્ધા જાળવીને પણ ગરીબોને મદદરૂપ થઈએ
આપના તા. ૧૫-૧૦-૧૬ના ‘ગુજરાત સમાચાર’માં ‘રૂપાલમાં શ્રદ્ધાનો મહાસાગર, ઘીની નદી’ અહેવાલ વાંચ્યો. વરદાયિની માતાની પલ્લીનો રૂપાલ ગામમાં મેળો ભરાયો હતો. મહાભારત કાળથી ગામમાં યોજાતા આ મેળામાં ૧૫ લાખથી વધુ ભાવિક ભક્તો ઊમટી પડ્યા હતા. તેમણે ચાર લાખ કીલો ચોખ્ખા ઘીનો અભિષેક કર્યો હતો. આવા અભિષેકથી ગામમાં જાણે ચોખ્ખા ઘીની નદી વહેતી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. જ્યારે સેંકડો ભાવિકો દ્વારા ઘીનો અભિષેક કરવાને બદલે તેનું દાન પણ કરવામાં આવ્યું હતું.
પહેલાંની પ્રણાલિકા ચાલુ રખાય એમાં કશું ખોટું નથી. પ્રેમ અને શ્રદ્ધાથી મા વરદાયિનીની ભક્તિ કરવી અને માન્યતા પ્રમાણે યોગ્ય રીતે અભિષેક કરવો તેને માટે કોઈ નિષેધ નથી. પરંતુ, આપણા દેશમાં ગરીબોની વસ્તી ઘણી છે. જેમના નસીબમાં ઘી વાપરવાનું લખેલું જ નથી હોતું અને અહીં ૧૮થી ૨૦ કરોડ રૂપિયાના ચોખ્ખા ઘીનો અભિષેક કરી ઘીની નદી વહેવડાવી. એટલું જ ઘી જો ગરીબોને વહેંચવામાં આવે તો તે એળે જાય નહીં. એમના આશીર્વાદથી સૌ પુણ્યના ભાગીદાર બની શકે.
મા તો પ્રેમના ભૂખ્યા છે. એમને પ્રેમ અને શ્રદ્ધાથી જે અર્પણ કરીએ તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
- રતિલાલ ટેલર, સાઉથગેટ
ઓક્ટોબરમાં વિવિધ ધર્મના તહેવારો
ઓક્ટોબર મહિનો ખૂબ પવિત્ર છે, કારણ કે દુનિયાના વિવિધ ધર્મોના ઘણાં તહેવારો આ મહિનામાં જ આવે છે. હિંદુ ધર્મમાં નવરાત્રિ, દશેરા, શરદપૂર્ણિમા, ધનતેરસ, દિવાળી તથા વિક્રમ સંવત ૨૦૭૩નું નવું વર્ષ આ મહિને છે.
કેનેડામાં પણ ‘થેન્ક્સ ગીવીંગ’ ઓક્ટોબરમાં આવે છે. ત્યાં આ તહેવારની ઉજવણીની શરૂઆત ૧૬૨૧માં થઈ હતી. યુરોપિયન સેટલર્સ નોર્થ અમેરિકામાં આવ્યા અને ત્યાં ખેતી કરીને સફળ પાક ઉતર્યો તે બદલ ભગવાનનો આભાર માનવા માટે ‘થેન્ક્સ ગીવીંગ’ની ઉજવણી શરૂ થઈ હતી. પરિવારજનો સાથે મળીને લંચ અથવા ડીનર કરીને આ તહેવારની ઉજવણી કરે છે.
યહૂદી ધર્મના લોકો પણ ‘યોમ કીપ્પુર’ તહેવાર આ મહિનામાં જ ઉજવે છે. આ તહેવાર તેમના ધર્મનો સૌથી મોટો પવિત્ર તહેવાર છે. તેમાં તેઓ ૨૪ કલાકના ઉપવાસ રાખે છે અને મહત્તમ સમય તેમના મંદિર ‘સીનાગોગ’મા જઈને પ્રાર્થના કરે છે. તેઓ જાણે-અજાણે કરેલા પાપોનું પ્રાયશ્ર્ચિત કરે છે. તેઓ બીજાને માફી આપવાને સૌથી વધુ મહત્ત્વ આપે છે. આ તહેવારથી તેમનું નવું વર્ષ ‘રોશ હશાનાહ’ શરૂ થાય છે.
- સુરેશ અને ભાવના પટેલ, મારખમ-કેનેડા
કર્મ કેમ કરીને બંધાય ?
દિવાળી અને નવું વર્ષ નજીક આવી ગયા. નવરાત્રિના નવ દિવસોએ વિદાય લીધી. નવ દિવસો ખૂબ મઝામાં પસાર થઈ ગયા તેનો આનંદ છે. પરંતુ, એક વાતનું દુઃખ છે અને તે એ કે કેટલાક પરિવારો આ નવ દિવસ દરમિયાન મીટ-ચીકન નથી ખાતા. બાકીના દિવસોમાં ખાય છે. તેમને આ નવ દિવસ લાંબા થઈ પડ્યા એવું સાંભળ્યું. શું સર્જનહારને ખબર ના પડે કે ૩૬૫ દિવસમાં ૧૫-૨૫ દિવસ ચીકન નથી ખાધું તેથી તેમનું કર્મ ના બંધાય. આ તો જીંદગીની પળ પળનો હિસાબ રાખનારને છેતરવાની વાત થઈ. ભલે તે દેખાય નહીં, કણ કણમાં વસેલાને અનુભવાય એવું મારું માનવું છે. બાકી તો આ દેશ ફ્રી છે, સૌને મન ફાવે તે કરે. બીજું આપણી માતૃભૂમિની દશા પણ દુઃખદાયક છે. પાકિસ્તાન સાચી વાત સમજવા તૈયાર નથી. આતંકવાદીઓ નિર્દોષ લોકોને મારી નાંખે છે. લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ, ચાણક્યનીતિ દેખાતી નથી. માત્ર ખોડખાંપણ જ દેખાય છે. વિરોધીઓનો વિરોધ અને કુસંપ જ દેશનો દુશ્મન છે. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્યની જીત થાય એવી પ્રાર્થના.
- ચંપાબેન સ્વામી, માન્ચેસ્ટર
