આંધ્ર પ્રદેશ - ઓડિશા સરહદે આવેલા જંગલમાં સોમવારે પોલીસ અને માઓવાદીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં ૨૩ નક્સલી ઠાર મરાયા. આ ઘટના બાદ ફરી એક વખત નક્સલવાદની સમસ્યા ચર્ચામાં છે. અહીં સવાલ એ છે કે આ સમસ્યા વર્ષોજૂની હોવા છતાં તે વણઉકેલ કેમ? જવાબ એ છે કે સમસ્યાનો સફાયો કરવા તેના મૂળમાં રહેલા કારણો દૂર કરવા પડે તેમ છે, અને સત્તાધીશોને આમાં રસ નથી. સૈકાઓથી જંગલોમાં વસતા આદિવાસીઓને નિર્વાસિત કરાઇ રહ્યા છે. અને આની પાછળનું સૌથી મોટું કારણ છે વિકાસકાર્યો સાથે જોડાયેલા મોટા મોટા પ્રોજેક્ટો અને ખાણકામ. આ પ્રકારે બેઘર લોકોનું યોગ્ય રીતે પુનર્વસન થતું નથી, અને આ જ તેમના અસંતોષનું મુખ્ય કારણ છે. આદિવાસીઓ માટે પેઢી - દર પેઢીથી જંગલ જ તેમના જીવનનિર્વાહનું મુખ્ય સાધન રહ્યું છે. ખરેખર તો જંગલ સિવાય તેમની પાસે જીવનનિર્વાહનું બીજું કોઇ પણ સાધન નથી. સ્થાનિક વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર એ હદે છે કે તેમની સમસ્યાને ક્યાંય કોઇ ધ્યાને લેતું નથી. આઝાદીના દસકાઓ પછી પણ આ લોકો પાયાની સુવિધાથી વંચિત છે. નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં શાળા તો છોડો, સામાન્ય સુવિધાનો પણ અભાવ છે.
ગરીબી અને નિરક્ષરતાએ અહીં ભરડો લીધો છે. ખાટલે મોટી ખોડ એ છે કે માઓવાદના ખાત્મા માટે ફાળવાતા સરકારી બજેટમાં પણ મોટા પાયે ખાયકી થાય છે. સરકાર નક્સલગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા દળો ગોઠવીને માની લે છે કે બસ, હવે નક્સલવાદ ખતમ થઇ જશે. ખરેખર તો નક્સલવાદને નાબૂદ કરવા તેના મૂળ સુધી પહોંચવાની જરૂર છે. ગેરમાર્ગે દોરવાયેલા માઓવાદીઓ સાથે તેમની માગણીઓ અંગે મંત્રણાની જરૂર છે. તેમની માગણીઓ એટલી મોટી નથી કે તે પૂરી થઇ શકે નહીં. મોટા ભાગના લોકો પોતાના વિસ્તારમાં સારી હોસ્પિટલો, શાળાઓ અને માર્ગો જેવી પાયાની સુવિધા ઇચ્છે છે. હવે માઓવાદની લડાઇમાં વિચારધારાનું ખાસ કોઇ સ્થાન નથી. નક્સલવાદીઓમાંથી બહુ થોડાક તેમની વિચારધારાથી વાકેફ હશે. માઓવાદી ચળવળમાં જોડાયેલા મોટા ભાગના અભણ અને ગરીબ છે, જેઓ સરકારી ઉપેક્ષાથી નારાજ થઇને નક્સલવાદી પ્રવૃત્તિમાં જોડાયા છે. માઓવાદી ગોરિલાઓની સંખ્યા સાતથી આઠ હજાર હોવાનું મનાય છે. સરકાર જે દિવસે તેમના વિસ્તારોમાં પાયાની સુવિધા વિકસાવવાનું શરૂ કરી દેશે આપોઆપ માઓવાદ ખતમ થવા લાગશે.
